ચંદ્રયાન 3ની ઠેકડી હોય કે સનાતન વિશે આપત્તિજનક ટીપ્પણી, પોતાના નિવેદનોને લઈને વિવાદોમાં રહેતા સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના અભિનેતા પ્રકાશ રાજને EDએ 100 કરોડના મની લોન્ડરિંગ કેસમાં સમન્સ ફટકાર્યું છે. EDએ પ્રકાશને આવતા અઠવાડિયે પૂછપરછ માટે હાજર રહેવા ફરમાન કર્યું છે. મળતી માહિતી અનુસાર પ્રકાશ રાજને EDનું સમન્સ ત્રિચી સ્થિત એક જવેલર્સ ગૃપ વિરુદ્ધ પોંજી સ્કેમ સાથે જોડાયેલા મની લોન્ડરિંગના મામલામાં મોકલવામાં આવ્યું છે.
અહેવાલો અનુસાર પ્રકાશ રાજ વિવાદિત પ્રણવ જવેલર્સના બ્રાંડ એમ્બેસેડર છે. મની લોન્ડરિંગના આરોપોનો સામનો કરી રહેલા પ્રણવ જવેલર્સની મોટાભાગની જાહેરાત પ્રકાશ રાજ જ કરે છે. આ પ્રણવ જવેલર્સ પર આરોપ છે કે તેમણે ગેરરીતી આચરીને 100 કરોડ રૂપિયા ભેગા કર્યા હતા. પ્રણવ જવેલર્સ પર પાડવામાં આવેલા દરોડામાં ગેરકાયદેસર નાણાકીય વ્યવહારના દસ્તાવેજો અને અધધ સોનું ચાંદી મળી આવ્યું હતું. આ કારણે જ પ્રકાશ રાજ EDના શંકાના દાયરામાં આવી ગયા છે.
ED summons actor Prakash Raj for questioning in ponzi scam-linked money laundering case against Trichy-based jewellery group: Officials
— Press Trust of India (@PTI_News) November 23, 2023
ઉલ્લેખનીય છે કે EDએ ત્રીચીમાં દાખલ એક FIR બાદ પ્રણવ જવેલર્સ વિરુદ્ધ PMLA અંતર્ગત કેસ દાખલ કરી છે. આ FIRમાં કહેવામાં આવ્યું છે કે પ્રણવ જવેલર્સે ગ્રાહકોને મોટું વળતર આપવાના નામે લગભગ 100 કરોડ રૂપિયા ભેગા કર્યા છે. આ રૂપિયા તેમણે સોના સાથે સંકળાયેલી એક પોંજી સ્કીમ (ગોલ્ડ સ્કીમ)ના ઇન્વેસ્ટમેન્ટ કરાવીને મેળવ્યા હતા. રૂપિયા આવ્યા બાદ પ્રણવ જવેલર્સે પોતાનો અસલ રંગ દેખાડ્યો અને તામિલનાડુના તમામ શોરૂમોમાં રાતોરાત તાળાં મારી દીધાં.
પ્રણવ જવેલર્સના ચેન્નઈ, ઇરોડ, નાગરકોઈલ, મદુરાઇ, કુંબકોણામ અને પોંડીચેરી જેવા શહેરોમાં મોટા-મોટા શોરૂમ હતા. જ્યાં અનેક લોકોએ ગોલ્ડ સ્કીમમાં 1 લાખથી માંડીને 1 કરોડ સુધીનું રોકાણ કર્યું હતું. મોટું વળતર મેળવવા માટે કરવામાં આવેલા આ રોકાણ બાદ આ તમામ રોકાણકારોની મૂડી ચાઉં કરી જઈને પ્રણવ જવેલર્સે રાતોરાત શોરૂમને તાળાં વાસી દીધાં હતાં.
આટલું જ નહીં, જનતાને ઠગીને ભેગા કરેલા 100 કરોડ રૂપિયા જવેલર્સે અલગ-અલગ શેલ કંપનીઓ મારફતે રફેદફે કરી નાંખ્યા હતા. તેવામાં તેની માહિતી EDને મળતા એજન્સીએ કાર્યવાહી શરૂ કરી છે. EDના જણાવ્યા અનુસાર તપાસમાં સામે આવ્યું હતું કે પ્રણવ જવેલર્સ સાથે જોડાયેલા લોકોએ જનતાને ઠગીને ભેગા કરેલા રૂપિયાને અન્ય શેલ કંપનીમાં ડાયવર્ટ કરી નાંખ્યા હતા.
આ બધી પોલ ખૂલ્યા બાદ પ્રણવ જવેલર્સ પર દરોડા પડ્યા હતા. અહેવાલોમાં જણાવ્યા અનુસાર પ્રણવ જવેલર્સ પર પડેલા દરોડા દરમિયાન એજન્સીને શંકાસ્પદ નાણાકીય વહેવારને લગતા દસ્તાવેજ મળી આવ્યા હતા. આટલું જ નહીં, આ દરોડામાં EDને 11 કિલો ચાંદી અને 60 કિલો સોનું પણ મળી આવ્યું હતું જેને એજન્સીએ જપ્ત કર્યું છે. તેવામાં હવે EDએ 100 કરોડના આ મની લોન્ડરિંગ કેસમાં અભિનેતા પ્રકાશ રાજને પણ સમન્સ ફટકાર્યું છે.