છેલ્લા થોડા સમયથી યુનિફોર્મ સિવિલ કોડની (UCC) ચર્ચાઓએ જોર પકડ્યું છે. ચર્ચા એવી પણ છે કે કેન્દ્રની મોદી સરકાર સંસદના આગામી ચોમાસુ સત્રમાં UCC બિલ લાવી શકે છે. આ માટે તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી હોવાનું જણાવાઈ રહ્યું છે. બીજી તરફ મુસ્લિમ સંસ્થાઓ આ કાયદાની વિરુદ્ધમાં છે. પરંતુ મુસ્લિમ મહિલાઓનો મત જુદો હોય તેમ જણાઈ રહ્યું છે. તાજેતરમાં એક સરવેમાં સામે આવ્યું હતું કે બહુમતી મુસ્લિમ મહિલાઓ આ UCCના સમર્થનમાં છે.
UCC એટલે કે યુનિફોર્મ સિવિલ કોડમાં તમામ ધર્મો, પંથો, મઝહબો માટે એક જ કાયદો લાગુ પડશે. હાલ તમામ ધર્મ-સમુદાયો માટે લગ્ન, ઉત્તરાધિકાર, છૂટાછેડા વગેરે બાબતોમાં અલગ-અલગ કાયદા લાગુ પડે છે, જો UCC લાગુ કરવામાં આવે તો એક સમાન કાયદો થઇ જશે. દેશની મુસ્લિમ મહિલાઓ આ કાયદાના સમર્થનમાં છે કે કેમ તે જાણવા માટે ન્યૂઝ18 દ્વારા દેશભરમાં એક સરવે હાથ ધરવામાં આવ્યો હતો. આ સરવેમાં જાણવા મળ્યું કે દેશની 67.2 ટકા મુસ્લિમ મહિલાઓ UCCના સમર્થનમાં છે.
News18's #MegaUCCPoll reveals, 67.2% of India's Muslim women said yes when asked if they support a common law for marriage, divorce, adoption and inheritance;
— News18 (@CNNnews18) July 10, 2023
"I'm not at all surprised by the results. You've (News18) given a voice to Indian Muslim women": Activist… pic.twitter.com/sNyKevFOta
ન્યૂઝ18ના રિપોર્ટ અનુસાર, તેમના કુલ 884 રિપોર્ટરોએ દેશભરમાં ફરીને 8,035 મુસ્લિમ મહિલાઓનો સંપર્ક કર્યો હતો અને UCC વિશે તેમનો મત જાણવાના પ્રયાસ કર્યા હતા. આ સરવેમાં દેશના લગભગ દરેક ભાગમાંથી 18થી 65 વર્ષની શિક્ષિત, અશિક્ષિત, પરણિત-અપરણિત તમામ પ્રકારની મુસ્લિમ મહિલાઓને સામેલ કરવામાં આવી હતી.
UCCનો ડ્રાફ્ટ હજુ તૈયાર થયો નથી પરંતુ તેમાં જે બાબતોને આવરી લેવામાં આવે તેવી શક્યતા હોય તેને લઈને આ મહિલાઓને પૂછવામાં આવ્યું હતું. આ મહિલાઓને પૂછવામાં આવ્યું કે આખા દેશમાં તમામ નાગરિકો માટે લગ્ન, છૂટાછેડા, ઉત્તરાધિકાર વગેરે બાબતોમાં એક જ કાયદો લાગુ કરવામાં આવે તો શું તેઓ તેને સમર્થન કરશે કે કેમ? જેના જવાબમાં 67.2 ટકા મહિલાઓએ ‘હા’માં જવાબ આપ્યો હતો. 25.4 ટકા મહિલાઓએ ના પાડી જ્યારે 7.4 ટકા મહિલાઓએ કોઈ જવાબ આપ્યો ન હતો.
શિક્ષણની દ્રષ્ટિએ વાત કરવામાં આવે તો 68.4 ટકા શિક્ષિત મુસ્લિમ મહિલાઓ UCCના સમર્થનમાં છે, 27 ટકા શિક્ષિત મહિલાઓ વિરોધમાં જ્યારે 4.6 ટકાએ કોઈ જવાબ નહતો આપ્યો. વયજૂથની દ્રષ્ટિએ વાત કરીએ તો 18થી 44ના વયજૂથમાં 69.4 ટકા મુસ્લિમ મહિલાઓએ UCCને સમર્થન આપ્યું હતું, જ્યારે 24.2 ટકા મહિલાઓએ કહ્યું કે, સૌ માટે સમાન કાયદા ન હોવા જોઈએ. 6.4 ટકા મહિલાઓએ જવાબ નહતો આપ્યો. 44થી ઉપરના વયજૂથની મહિલાઓમાં UCCના સમર્થકોની ટકાવારી 59.6 ટકા હતી જ્યારે 29.6 ટકા મહિલાઓએ વિરોધ દર્શાવ્યો હતો. 10.8 ટકા મહિલાઓએ કહ્યું કે, તેઓ આ મુદ્દે કોઈ મત ધરાવતાં નથી.