મોહનદાસ ગાંધી દ્વારા સ્થાપિત ગૂજરાત વિદ્યાપીઠમાં રવિવારે (22 ડિસેમ્બર, 2024) રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો (RSS) એક કાર્યક્રમ થવા જઈ રહ્યો છે. અલગ-અલગ સામાજિક મુદ્દાઓને કેન્દ્રમાં રાખીને થનારા આ કાર્યક્રમમાં IAS, IPS, ડૉક્ટર, પ્રોફેસર, વેપારીઓ, ઉદ્યોગપતિઓ, ફિલ્મ કલાકાર જેવા 450થી વધુ અગ્રણીઓ હજાર રહેશે. કાર્યક્રમનું નામ ‘સજ્જન શક્તિ સંગમ’ રાખવામાં આવ્યું છે અને તેની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તો બીજી તરફ અમુક ‘ગાંધીવાદીઓ’ અને ‘બુદ્ધિજીવીઓ’એ સંઘના નામે વિરોધ ચાલુ કર્યો છે અને વિદ્યાપીઠમાં આયોજન કેમ કરવામાં આવી રહ્યું છે તેવા પ્રશ્નો કર્યા છે.
વિવાદ પર જઈએ તે પહેલાં કાર્યક્રમની રૂપરેખા અને તેના આયોજન પર એક નજર કરીએ. સજ્જન શક્તિ સંગમ નામના આ કાર્યક્રમને સીધેસીધો સંઘના બેનર હેઠળ યોજવામાં આવી રહ્યો છે. RSSના ગુજરાત પ્રાંતના કાર્યકારી સભ્ય અને સાધના મેગેઝિનના તંત્રી ભાનુભાઈ ચૌહાણ કાર્યક્રમમાં મુખ્ય વક્તા છે. ગુજરાત રાજ્ય ડિસ્પોઝેબલ મેડિકલ ડિવાઇસીઝ એસોશિએશનના પ્રમુખ અને મહેસાણાના પીપળેશ્વર મહાદેવ સેવામંડળ ટ્રસ્ટના પ્રમુખ કીર્તિકુમાર પટેલ આ કાર્યક્રમમાં આમંત્રિત અતિથિ તરીકે જોડાશે. આ કાર્યક્રમ અમદાવાદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નારણપુરા ભાગ દ્વારા આયોજિત કરવામાં આવ્યો છે.
પૂર્વ કુલનાયક સુદર્શન આયંગરે આયોજનને ગણાવ્યું ‘અશોભનીય’
કાર્યક્રમમાં પંચપરિવર્તન તરીકે સામાજિક સમરસતા, પર્યાવરણ સંરક્ષણ, કુટુંબ પ્રબોધન, નાગરિક કર્તવ્ય અને સ્વદેશી જીવન શૈલીની આવશ્યક્તાને કેન્દ્રમાં રાખવામાં આવ્યા છે. ગુગલ ફોર્મના માધ્યમથી રજીસ્ટ્રેશન શરૂ થયા બાદ નારણપુરા ભાગમાં આવતા નારણપુરા, સોલા રોડ, રન્ના પાર્ક, નિર્ણયનગર, રાણીપ અને વાડજના શૈક્ષણિક, સાંસ્કૃતિક, સામાજિક, સેવા, આર્થિક અને વૈચારિક ક્ષેત્રો સાથે સંકળાયેલા 450 કરતાં વધુ લોકોનું રજિસ્ટ્રેશન થયું હતું. આ તમામ લોકો રવિવારે કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. બીજી તરફ વિદ્યાપીઠના પૂર્વ કુલનાયકે કરેલી ટિપ્પણી બાદ કાર્યક્રમ ચર્ચામાં આવ્યો છે, જોકે સંઘે આ મામલે કોઈ વિવાદ ન હોવાનું જણાવ્યું છે.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા જણાવવામાં આવ્યું છે કે કાર્યક્રમ અને તેમાં સંમેલિત થનારા લોકોની સંખ્યાને ધ્યાનમાં રાખીને ગૂજરાત વિદ્યાપીઠને પસંદ કરવામાં આવી છે. બીજી તરફ, પૂર્વ કુલનાયક સુદર્શન આયંગરે આ મામલે વિવાદાસ્પદ નિવેદન આપીને સંઘના કાર્યક્રમને અશોભનીય ગણાવ્યો છે. તેમણે કહ્યું હતું કે, “જો સંઘના બેનર હેઠળ કાર્યક્રમ થઇ રહ્યો હોય તો તે ગાંધી વિચારવાળો કાર્યક્રમ ન હોઈ શકે. સંઘના વિચારોમાં અને ગાંધીવાદી વિચારોમાં તદ્દન વિરોધાભાસ છે, માટે જ ગૂજરાત વિદ્યાપીઠમાં આ પ્રકારનો કાર્યક્રમ થવો તે અશોભનીય છે.” સુદર્શન આયંગરે કહ્યું કે, ગાંધીજીની સંસ્થામાં કાર્યક્રમ યોજાય એ અયોગ્ય અને વિવેકહીન છે. કારણ કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો ઇતિહાસ પરિચિત છે. ગાંધીવિચાર સાથે તેમને મેળ નથી. તેમણે એમ પણ કહ્યું કે, આ સત્તાના જોરે કાર્યક્રમ થઈ રહ્યો છે.
પૂર્વ કુલનાયક સુદર્શન આયંગરે મીડિયામાં આ નિવેદન આપતા સમયે દાવો પણ કર્યો છે કે તેમના કાર્યકાળ દરમિયાન વિદ્યાપીઠમાં એક પણ સંઘનો કાર્યક્રમ નથી થયો. બીજી તરફ, પૂર્વ કુલનાયક ડૉ. રાજેન્દ્ર ખીમાણીએ અખબાર દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, અત્યાર સુધી સંઘનો કોઈ કાર્યક્રમ વિદ્યાપીઠમાં યોજવામાં આવ્યો હોય તેવું મારા ધ્યાનમાં નથી. તેમણે એમ ‘સર્વધર્મ સમભાવ’માં માનનારા લોકો છીએ તેવી વાતો પણ કરી હતી.
સામાજિક સમરસતાનો કાર્યક્રમ, વિરોધ કરનાર લોકોમાં વૈમનસ્ય: સંઘ
ગૂજરાત વિદ્યાપીઠના પૂર્વ કુલનાયક સુદર્શન આયંગરે કરેલી ટિપ્પણી બાદ આ આખો મુદ્દો ચર્ચામાં આવ્યો. આ મામલે સંઘની વિચારધારાઓ સાથે સંકળાયેલા લોકોએ આશ્ચર્ય અને નરાજગી વ્યક્ત કરી છે. બીજી તરફ સંઘે પણ આ સમગ્ર મામલે પ્રતિક્રિયા આપી છે. આ મામલે ઑપઇન્ડિયાએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ગુજરાત પ્રાંતના પ્રચાર પ્રમુખ વિજય ઠાકર સાથે વાત કરી હતી. તેમણે ઑપઇન્ડિયાને જણાવ્યું હતું કે, “સંઘ 100 વર્ષ પૂરા કરવા જઈ રહ્યો છે અને તે નિમિત્તે સંઘ દ્વારા ગુજરાતના લગભગ દરેક જિલ્લામાં આ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સમાજના મહાનુભાવોને સાથે રાખીને સમાજના અલગ-અલગ પ્રશ્નોના નિરાકરણ તરફ આગળ વધવાના હેતુથી આયોજિત આ કાર્યક્રમને ‘સજ્જન શક્તિ સંગમ’ રાખવામાં આવ્યું છે અને એના જ ભાગરૂપે નારણપુરામાં આ કાર્યક્રમ છે જેનું સ્થાન ગૂજરાત વિદ્યાપીઠ નક્કી કરાયું છે.”
તેમણે કહ્યું કે, “મહાત્મા ગાંધી પણ સંઘની વર્ધાની શિબિરમાં આવી ગયા છે અને એમણે પણ સંઘના કાર્યની પ્રશંસા કરી છે. સંઘ સમાજમાં કોઈ અલગ સંગઠન નથી, તે સમગ્ર સમાજનું સંગઠન છે. એટલે સંઘ એના શતાબ્દી વર્ષમાં સમાજ સાથે મળીને જે પાંચ વિષયો પર આગળ વધવા માંગે છે એ વિષયોને કેન્દ્રમાં રાખીને જ આ કાર્યક્રમ યોજવાનો છે. સંઘના આ પાંચેય મુદ્દાઓમાંથી એક પણ મુદ્દો એવો નથી કે જે ગાંધીજીના વિચારોને અનુરૂપ ન હોય. મારો પ્રશ્ન છે કે કાર્યક્રમમાં એવો કયો મુદ્દો છે જે પ્રતિષ્ઠિત સંસ્થા ગૂજરાત વિદ્યાપીઠ માટે શોભનીય નથી?”
તેમણે એમ પણ જણાવ્યું હતું કે, જે લોકો કાર્યક્રમ કરી રહ્યા છે તેમન મનમાં વૈમનસ્ય ભરાયેલું છે. વિજય ઠાકરે ઑપઇન્ડિયાને જણાવ્યું હતું કે આ કાર્યક્રમ યથાયોગ્ય સ્થાનેથી પરવાનગીઓ મેળવ્યા બાદ જ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
મેધા પાટકર જેવા ગુજરાતવિરોધી લોકો સ્વીકાર્ય, તો રાષ્ટ્રવાદી સંગઠન કેમ નહીં?: ડૉ. શિરીષ કાશીકર
બીજી તરફ સંઘની વિચારધારાઓ સાથે સંકળાયેલા નાગરિકોએ પણ પૂર્વ કુલનાયક સુદર્શન આયંગરે કરેલી ટિપ્પણી સામે તીખી પ્રતિક્રિયા આપી છે. આ મામલે મીડિયા શિક્ષણવિદ અને રાજકીય વિશ્લેષક પ્રો. (ડો.) શિરીષ કાશીકર ઑપઇન્ડિયા સાથેની વાતચીતમાં આશ્ચર્ય વ્યક્ત કરતાં કહે છે કે, “જો ગૂજરાત વિદ્યાપીઠ ગાંધીવિચારને આધીન ચાલતી સંસ્થા હોય તો ગાંધીજીના વિચાર સર્વ સમાવેશતાના જ હતો. સંઘ દ્વારા આયોજિત કાર્યક્રમનું ‘સજ્જન શક્તિ સંગમ’ નામ જ સજેસ્ટીવ છે. તેની અંદર સામાજિક સમરસતાથી માંડીને પર્યાવરણના જતન સહિતના જે મુદ્દાઓની ચર્ચા થવાની છે તે જ મુદ્દાઓ પર ગાંધીજી પણ કામ કરતા હતા. એવું તો કશું જ નથી જણાઈ રહ્યું કે ગાંધીજીના વિચારોથી વિપરીત કાર્ય થઈ રહ્યું હોય.”
અરેરે,આવી અસહિષ્ણુતા?ગાંધીજીની વિચારગંગોત્રી સમાન ગુજરાત વિદ્યાપીઠમાં અન્ય કોઈ રાષ્ટ્રપ્રેમી વિચારને સ્થાન જ ના હોય? એક સમયે અહી દેશદ્રોહી નક્સલીઓના કાર્યક્રમો થતા હતા ત્યારે આ"સજ્જનો"ગાંધી વિચારના નામે મોટા થઈ રહ્યા હતા,જંપો હવે..https://t.co/KxdPMP6iID
— Prof.(Dr.)Shirish Kashikar 🇮🇳 (@journogujarati) December 19, 2024
તેમણે આગળ જણાવ્યું કે, “આ કાર્યક્રમ કોઈ દેશવિરોધી કાર્યક્રમ નથી અને એવું પણ નથી કે આ કાર્યક્રમથી ગૂજરાત વિદ્યાપીઠ કે ગાંધી વિચારધારાને કોઈ મોટું નુકસાન થઈ જાય. અહીં વાંધો કાર્યક્રમનો નથી, પરંતુ વાંધો એ છે કે આ કાર્યક્રમ સંઘ કરી રહ્યો છે. હું તો એમ જ કહીશ કે ગાંધીજીના નામે તમે ખાદીનાં કપડાં પહેરો અને તમે એમ ચલાવો કે તમે જે કહો છો એ જ ગાંધી વિચાર છે બાકી કોઈ કરે તો તે ગેરવ્યાજબી છે, આવું તો ન ચાલે. મારું માનવું છે કે અહીં જે લોકો વિરોધ કરી રહ્યા છે, તેમના જ કાર્યકાળમાં વિદ્યાપીઠમાં નક્સલી કાર્યક્રમો થયા છે. ગુજરાતવિરોધી મેધા પાટકરના કાર્યક્રમો થયા છે. રાષ્ટ્રહિત અને રાષ્ટ્રવાદી વિચારધારાવાળું સંગઠન સમાજ માટે કામ કરી રહ્યું છે તો તમને પેટમાં શાની ચૂક આવે છે?”
તપાસ કરતાં જાણવા મળ્યું કે, ગૂજરાત વિદ્યાપીઠમાં ભૂતકાળમાં વર્ષ 2016માં એક કાર્યક્રમ યોજાયો હતો, જે વિવાદના કારણે છાપાના પાને પણ ચડ્યો હતો. 13 જુલાઈ, 2016નો ‘ટાઈમ્સ ઑફ ઇન્ડિયા’નો એક રિપોર્ટ જણાવે છે કે, ‘સેવ જલ, જંગલ, જમીન’ કાર્યક્રમના કારણે રાજ્યમાં નક્સલવાદી ચળવળને પ્રોત્સાહન મળી શકે તેવી સરકારને ભીતિ છે. રિપોર્ટમાં કાર્યક્રમના આયોજક મુજાહિદ નફીસને ટાંકીને જણાવવામાં આવ્યું હતું કે, કાર્યક્રમમાં મેધા પાટકરના ‘નર્મદા બચાવો આંદોલન’ સાથે સંકળાયેલા લોકો પણ હિસ્સો લેવા જઈ રહ્યા હતા.
આ સમગ્ર મામલે ગૂજરાત વિદ્યાપીઠના વર્તમાન કુલપતિ હર્ષદ પટેલે પણ સ્પષ્ટતા કરી છે કે, વિદ્યાપીઠ સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓ કરતી સંસ્થાઓને જગ્યા પૂરી પાડે જ છે. આમાં નવું કાંઈ નથી. એમ પણ કહ્યું કે, જેઓ અત્યારે વિરોધ કરી રહ્યા છે તેમના કાર્યકાળમાં પણ કાર્યક્રમો થયા જ હતા.