આખરે સુરતના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીનું ચૂંટણી ફોર્મ રદ થઈ ગયું છે. ભાજપના ચૂંટણી એજન્ટે ચૂંટણી અધિકારી સમક્ષ ફરિયાદ કરી કોંગ્રેસ ઉમેદવારના ફોર્મમાં ટેકેદારોની સહી ખોટી હોવાની ફરિયાદ કરી હતી. ત્યારબાદ ત્રણ ટેકેદારોએ એફિડેવિટ કરીને પોતે સહી ન કરી હોવાનું જણાવતાં વિવાદ સર્જાયો હતો. ચૂંટણી અધિકારીએ આ મામલે નિલેશ કુંભાણીને નોટિસ પાઠવીને જવાબ રજૂ કરવા માટે કહ્યું હતું હતું. દરમ્યાન, સુનાવણીમાં ટેકેદારો હાજર ન રહેતાં આખરે નામાંકન પત્ર અમાન્ય ઠેરવવામાં આવ્યું છે.
સમગ્ર મામલો શનિવારે (20 એપ્રિલ) બહાર આવ્યો, જ્યારે ફોર્મની ચકાસણી શરૂ કરવામાં આવી. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મુકેશ દલાલના એજન્ટ દિનેશ જોધાણીએ વાંધો રજૂ કરીને જણાવ્યું હતું કે કોંગ્રેસ ઉમેદવારની દરખાસ્ત કરનારાઓની સહી સાચી નથી. બીજી તરફ, આ બાબતે કોંગ્રેસ ઉમેદવારના એજન્ટને જાણ કરવામાં આવી હતી અને ટેકેદારોને હાજર રહેવા માટે જણાવવામાં આવ્યું હતું.
आख़िर वही हुआ जिसका अंदेशा था.@INCIndia के उम्मीदवार निलेश कुंभानी का फॉर्म रद्द.
— Janak Dave (@dave_janak) April 21, 2024
डमी उम्मीदवार के फॉर्म में भी आपत्ति दर्ज की गई है.
प्रस्तावक ने एफ़िडेविट दी है कि उनके हस्ताक्षर है ही नहीं. हालाँकि डमी उम्मीदवार के फॉर्म पर अभी चुनाव अधिकारी को फ़ैसला लेना बाक़ी है.… https://t.co/xsWAVrxPOh pic.twitter.com/fjqzXLRJ9J
ત્યારબાદ ત્રણ ટેકેદારોએ ચૂંટણી અધિકારી સમક્ષ હાજર રહીને જણાવ્યું હતું કે તેમણે કોંગ્રેસ ઉમેદવારના ફોર્મમાં સહી કરી નથી અને આ બાબતનું એફિડેવિટ પણ કર્યુ હતું. જેને લઈને ચૂંટણી અધિકારીએ નિલેશ કુંભાણીને નોટિસ પાઠવીને ખુલાસો માગ્યો હતો. પહેલાં 4 વાગ્યા સુધીનો સમય આપવામાં આવ્યો અને ત્યારબાદ બીજા દિવસ સુધીનો સમય આપીને રવિવારે (21 એપ્રિલ) સુનાવણી મુકરર કરવામાં આવી હતી.
આખરે રવિવારે સુનાવણી તો થઈ, પરંતુ ટેકેદારો દેખાયા જ ન હતા. ત્યારબાદ તપાસને અંતે ફોર્મ અમાન્ય ઠેરવવામાં આવ્યું.
નિલેશ કુંભાણીનું ફોર્મ રદ કરવાનો અધિકારિક આદેશ કરી દેવામાં આવ્યો છે. ચૂંટણી અધિકારી અને સુરત કલેક્ટરે આદેશમાં લોકપ્રતિનિધિત્વ અધિનિયમ- 1951ની જોગવાઈઓને ટાંકીને જણાવ્યું કે, આ કાયદો અને રજૂ કરવામાં આવેલા પુરાવાઓને ધ્યાને લેતાં આ મામલે રજૂ કરવામાં આવેલાં સોગંદનામાં, ઉમેદવારી પત્રમાં દરખાસ્ત મૂકનારાઓએ કરેલી સહી તેમજ અન્ય પુરાવાઓની સહીમાં પ્રાથમિક દ્રષ્ટિએ વિસંગતતા જણાય છે અને તપાસના આધારે દરખાસ્ત કરનારાઓની સહી જેન્યુઇન ન જાણતી હોઈ સુરત સંસદીય મતવિસ્તારમાં રજૂ થયેલ નિલેશભાઈ કુંભાણીનાં ઉમેદવારીપત્ર રદ કરવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ ઉમેદવારના ટેકેદારો બીજા કોઇ નહીં પરંતુ તેમના સંબંધીઓ અને ભાગીદારો જ હતા. કુલ ચારમાંથી એક તેમના બનેવી, એક ભાણેજ અને 2 ભાગીદારો હતા. તેમ છતાં તેઓ પોતાની સહી ખોટી હોવાનું કહીને ગાયબ થઈ ગયા. જેથી પ્રશ્ન હવે કોંગ્રેસ ઉમેદવાર પર પણ ઉઠી રહ્યા છે અને પાર્ટીમાંથી પણ વિરોધના સૂર ઉઠી રહ્યા છે. તો ક્યાંક વળી કોંગ્રેસ ભાજપ પર આરોપ લગાવી રહી છે.