તાજેતરમાં ભરૂચમાં આવેલા પૂરને લઈને કોંગ્રેસ સરકાર પર આરોપો લગાવી રહી છે. આરોપ એવો છે કે સરકારે 17 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સરદાર સરોવર ડેમ સંપૂર્ણ ભરવા માટે પાણી રોકી રાખ્યું હતું અને ત્યારબાદ એકસાથે છોડવામાં આવ્યું, જેથી ભરૂચ અને અંકલેશ્વરમાં પૂરની સ્થિતિ સર્જાઇ. જોકે, આ મામલે સરકાર પહેલેથી જ સ્પષ્ટતા કરી ચૂકી છે અને હવે સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ (SSNNL) દ્વારા આધિકારિક નિવેદન બહાર પાડીને સ્થિતિ સ્પષ્ટ કરવામાં આવી છે.
આ નિવેદનમાં SSNNL દ્વારા જણાવવામાં આવ્યું કે ખરેખર 16થી 18 સપ્ટેમ્બર દરમિયાન શું બન્યું અને કઈ રીતે પાણી છોડવામાં આવ્યું હતું. આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે કોંગ્રેસના આરોપોમાં તથ્ય નથી અને સરદાર સરોવર ડેમમાંથી નિયમાનુસાર અને પરિસ્થિતિ અનુસાર જ પાણી છોડવામાં આવ્યું હતું.
નિગમે જણાવ્યું કે, ‘સરદાર સરોવર ડેમ નર્મદા નદી પરનો અંતિમ ટર્મિનલ ડેમ છે, જેથી ઉપરવાસમાં રહેલા ઓમકારેશ્વર અને ઈન્દિરાસાગર જેવા ડેમમાંથી જ્યારે પણ પાણી છોડવામાં આવે ત્યારે તેનું નિયમન અને સંગ્રહ સરદાર સરોવર ડેમ દ્વારા જ કરવામાં આવે છે.’
આગળ જણાવવામાં આવ્યું કે, ‘ઓગસ્ટ 2023માં ગુજરાતમાં કોઇ નોંધપાત્ર વરસાદ ન નોંધાયો અને સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયા સુધીમાં નર્મદા બેસિનમાં તેનો હિસ્સો 7.72 MAF (મિલિયન એકર ફિટ) જેટલો હતો, જે ચોમાસામાં સામાન્ય રીતે 9 MAF જેટલો હોય છે. જેથી 1 ઑગસ્ટના રોજ મળેલી નર્મદા કંટ્રોલ ઓથોરિટીની સરદાર સરોવર રિસર્વોયર રેગ્યુલેશન કમિટી (SSRRC)ની બેઠકમાં ડેમનું લેવલ 136.64 મીટર જાળવવામાં આવે તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો. જે તે દિવસે 133.73 મીટર જેટલું હતું.’
આ બેઠક યોજાઈ તે સમયે રિવરબેડ પાવર હાઉસ ચાલુ હતું, પરંતુ નિવેદનમાં જણાવ્યા અનુસાર, ‘ગુજરાત માટે ઊર્જાનિર્માણ કરતાં પણ વધુ મહત્વ પાણીના સંચયનું રહ્યું છે. તે સમયે ઉભેલા પાક બચાવવા જરૂરી હતા તેમજ આગામી 10 મહિના સુધી પીવાના અને સિંચાઈના પાણીની જરૂરિયાતોને પણ ધ્યાનમાં લેવાની હતી. જેથી 6 સપ્ટેમ્બરના રોજ રિવરબેડ પાવર હાઉસ બંધ કરી દેવામાં આવ્યું હતું.’
શું હતી વરસાદની સ્થિતિ? ક્યારે પાણી છોડવામાં આવ્યું?
વરસાદની સ્થિતિને લઈને જણાવવામાં આવ્યું કે, સરદાર સરોવર ડેમના ઉપરવાસમાં 5થી 14 સપ્ટેમ્બર દરમિયાન ખૂબ ઓછો વરસાદ પડ્યો, 15 સપ્ટેમ્બરના રોજ મધ્યમ વરસાદ પડ્યો અને 16-17 સપ્ટેમ્બર દરમિયાન અતિભારે વરસાદ થયો. તે સમયે ઈન્દિરાસાગર ડેમ સંપૂર્ણ ભરાયેલો હતો અને જેથી વધારાના પાણીનો સંપૂર્ણ જથ્થો સરદાર સરોવર ડેમ તરફ મોકલી આપવામાં આવ્યો. બીજી તરફ, ઈન્દિરાસાગર ડેમ અને સરદાર સરોવર ડેમ વચ્ચે અતિભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ સર્જાઈ. જેથી તેનાથી પણ પાણીનું પ્રમાણ વધ્યું.
SSNNL અનુસાર, 16 સપ્ટેમ્બરના રોજ રાત્રે 11 વાગ્યે સરદાર સરોવર ડેમમાં મહત્તમ 21.75 લાખ ક્યુસેક પાણીની આવક થઈ હતી. આરોપ લાગી રહ્યા છે કે 17 સપ્ટેમ્બર સુધી પાણી રોકી રાખવામાં આવ્યું હતું અને ત્યારબાદ 17મીથી છોડવાની શરૂઆત કરવામાં આવી, પરંતુ નિગમે પણ સ્પષ્ટ કર્યું કે પાણી છોડવાની શરૂઆત 16 સપ્ટેમ્બરના સવારે 10 વાગ્યાથી જ કરી દેવામાં આવી હતી. નિવેદનમાં જણાવવામાં આવ્યું કે, ’16 સપ્ટેમ્બરના સવારે 10 વાગ્યે 45 હાજર ક્યુસેક પાણી છોડવાની શરૂઆત કરવામાં આવી, જે 12 વાગ્યા સુધી 1 લાખ ક્યુસેક પર પહોંચ્યું. ત્યારબાદ ક્રમશ: 2 વાગ્યે 5 લાખ ક્યુસેક, 5 વાગ્યે 8 લાખ ક્યુસેક અને 17 સપ્ટેમ્બરની સવાર સુધીમાં છોડવામાં આવી રહેલા પાણીનો આ જથ્થો 18 લાખ ક્યુસેક સુધી પહોંચ્યો.’
આ સમય દરમિયાન સરદાર સરોવર ડેમમાં 21.75 લાખ ક્યુસેક પાણીની આવક થઈ રહી હતી, જેમાંથી 4 લાખ ક્યુસેક પાણીનો સંગ્રહ કરીને બાકીનું 18.62 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. સ્પષ્ટતા કરીને કહેવામાં આવ્યું કે, 13 અને 14 સપ્ટેમ્બરના રોજ કોઇ વરસાદ ન હતો કે ઈન્દિરાસાગર ડેમમાંથી પણ પાણી છોડવામાં આવ્યું ન હતું, તેમજ આગાહી પણ થઈ ન હતી. જેથી 13, 14 કે 15 સપ્ટેમ્બરના રોજ સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડવાનું કોઈ કારણ ન હતું. જેથી 16થી 18 સપ્ટેમ્બર દરમિયાન સિસ્ટમેટિક રીતે પાણી છોડવામાં આવ્યું, જેથી ઓછામાં ઓછું નુકસાન થઈ શકે.
ઉલ્લેખનીય છે કે આ પહેલાં સરકાર તરફથી પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે પણ સ્પષ્ટતા કરીને કહ્યું હતું કે, 16 સપ્ટેમ્બર બાદ માત્ર દોઢ દિવસમાં સરદાર સરોવર ડેમની ક્ષમતાના 110 ટકા જેટલું પાણી આવ્યું હતું, જેથી પાણી છોડવું પડ્યું, જેના કારણે નર્મદા નદીના જળસ્તરમાં વધારો થયો અને ભરૂચ અને અંકલેશ્વરના અમુક વિસ્તારોમાં પાણી ફરી વળ્યું હતું.