બુધવારથી (10 જાન્યુઆરી, 2024) ગાંધીનગરમાં વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો શુભારંભ થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમિટનું ઉદ્ઘાટન કર્યું હતું. આ સમારોહમાં મુકેશ અંબાણી, ગૌતમ અદાણી, સંજય મેહરોત્રા સહિતના ઉદ્યોગપતિઓએ પણ સંબોધન કર્યું હતું.
સમિટને સંબોધિત કરતાં મુકેશ અંબાણીએ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને વિશ્વની સૌથી ખ્યાતિપ્રાપ્ત ઇન્વેસ્ટર્સ સમિટ ગણાવી હતી. તેમણે ઉમેર્યું કે, 20 વર્ષથી ચાલતી આવી હોય અને સતત મજબૂત બનતી જતી હોય તેવી આ એકમાત્ર સમિટ છે અને તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દીર્ઘદ્રષ્ટિ અને સાતત્યને આભારી છે. તેમણે કહ્યું કે, તેઓ એવા ભાગ્યશાળી વ્યક્તિઓમાંના એક છે, જેમણે તમામ સમિટમાં ભાગ લીધો છે.
મુકેશ અંબાણીએ કહ્યું, “હું ‘ગેટ વે ઑફ ઇન્ડિયા’ના શહેરમાંથી આવું છું અને આ (ગુજરાત) ગેટ વે ઑફ મોર્ડન ઇન્ડિયા’ છે. મને ગુજરાતી હોવાનું અભિમાન છે. જ્યારે વિદેશીઓ ‘નવા ભારત’ વિશે વિચારે ત્યારે તેમણે ‘નવા ગુજરાત’નો વિચાર કરવો પડે છે. આ પરિવર્તન કઈ રીતે આવ્યું? એક નેતાના કારણે. આપણા લોકલાડીલા નેતા, આ યુગના મહાન વૈશ્વિક નેતા અને ભારતના ઈતિહાસના સૌથી સફળ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી.”
#WATCH | Vibrant Gujarat Global Summit 2024 | Reliance Industries Chairman and MD Mukesh Ambani says, "I have come from the city of the Gateway of India to the gateway of modern India's growth – Gujarat. I am a proud Gujarati…When foreigners think of a new India, they think of… pic.twitter.com/NF4hb7AgbA
— ANI (@ANI) January 10, 2024
અંબાણીએ કહ્યું કે, “વિદેશોમાં મારા મિત્રો મને કાયમ પૂછે છે કે કરોડો ભારતીયો જેનું રટણ કરતા રહે છે તે ‘મોદી હૈ તો મુમકિન હૈ’નો અર્થ શું થાય? હું તેમને કહું છું કે ભારતના વડાપ્રધાન અશક્યને શક્ય બનાવે છે, જે માટેનો મંત્ર છે, વિઝન (દીર્ઘદ્રષ્ટિ), ડિટરમિનેશન (સમર્પણ) અને એક્ઝિક્યુશન (અમલ). તેઓ પણ સહમત થાય છે અને કહે છે કે, ‘મોદી હૈ તો મુમકિન હૈ.’
PM મોદીને સંબોધીને તેમણે કહ્યું કે, “ગુજરાતના મુખ્યમંત્રી તરીકે તમે કહેતા હતા કે ભારતના વિકાસ માટે ગુજરાતનો વિકાસ અને ત્યારબાદ તમે ગુજરાતને ભારતનું ગ્રોથ એન્જિન બનાવ્યું. હવે ભારતના વડાપ્રધાન તરીકે તમારું મિશન છે, દુનિયાના વિકાસ માટે ભારતનો વિકાસ. તમે હવે ભારતને વિશ્વનું ગ્રોથ એન્જિન બનાવવા માટે કામ કરી રહ્યા છો. માત્ર 2 જ દાયકામાં ગુજરાતથી ગ્લોબલ સ્ટેજ સુધીની તમારી આ યાત્રા અભૂતપૂર્વ રહી છે. આવનારી પેઢી તમારી આભારી રહેશે.”
#WATCH | Vibrant Gujarat Global Summit 2024 | Reliance Industries Chairman and MD Mukesh Ambani says, "…Reliance was, is and will always remain a Gujarati company…Reliance has invested over 150 billion dollars – Rs 12 Lakh Crores – in creating world-class assets and… pic.twitter.com/HCjCbaavAm
— ANI (@ANI) January 10, 2024
ઉદ્યોગપતિએ કહ્યું કે, PM મોદીએ વિકસિત ભારત માટે એક મજબૂત પાયો નાખી દીધો છે અને હવે પૃથ્વી પરની કોઇ તાકાત ભારતને 2047 સુધીમાં 35 ડોલર ઇકોનોમી બનતાં રોકી નહીં શકે. તેથી જ દરેક ગુજરાતી અને દરેક ભારતીયને વિશ્વાસ છે કે મોદી યુગ ભારતને પ્રગતિ અને સમૃદ્ધિનાં નવા શિખરો સર કરાવશે.
અંતે તેમણે કહ્યું કે, છેલ્લાં 10 વર્ષમાં રિલાયન્સે દેશમાં 12 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે અને તેમાંથી ત્રીજા ભાગનું રોકાણ એકલા ગુજરાતમાં કરવામાં આવ્યું છે. તેમણે ઉમેર્યું કે, ગુજરાતના વિકાસને ગતિ આપવા માટે રિલાયન્સ કામ કરવાનું ચાલુ રાખશે. તેમણે કહ્યું કે, આવનાર 10 વર્ષમાં રિલાયન્સ ગુજરાતમાં નોંધપાત્ર રોકાણ થકી ગ્રીન ગ્રોથ, ડિજિટલ અને AI, રિન્યુએબલ એનર્જી વગેરે ક્ષેત્રોમાં કામ કરશે અને ગુજરાતના વિકાસમાં યોગદાન આપશે.