હિંદુ સગીરાને ફોસલાવીને મિત્રતા બાંધી, બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરવાનો વધુ એક મામલો સામે આવ્યો છે. ઘટના જૂનાગઢના વિસાવદર નજીકના પ્રેમપરાની છે. જ્યાં મુસ્લિમ ઈસમે 16 વર્ષીય હિંદુ સગીરાને ફસાવીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. મામલો સામે આવ્યા બાદ હિંદુ સંગઠનો પણ વચ્ચે પડ્યાં હતાં અને FIR પણ દાખલ કરાવી હતી. ત્યારબાદ બંને આરોપીઓ પકડાઈ ગયા હતા.
આ ઘટના વિસાવદરના પ્રેમપરા ગામની હોવાનું અહેવાલોમાં જણાવવામાં આવ્યું છે. જે અનુસાર, સગીરા તેની સાથે જ અભ્યાસ કરતા વિસાવદરના એક મુસ્લિમ સગીરના સંપર્કમાં આવી હતી. જેણે તેની ઓળખ ભેંસાણના વાઘણિયાના એક યુવક અલ્તાફ જાહિદ હોથી સાથે કરાવી હતી. ત્યારબાદ તે બંને સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્કમાં રહેતાં હતાં.
બંને વચ્ચેની વાતચીત દરમિયાન આરોપી અલ્તાફે યુવતીને વિડીયો કોલ કરવાનું કહીને તેને કપડાં કાઢવાનું કહ્યું હતું અને ત્યારબાદ આપત્તિજનક સ્થિતિમાં તેના સ્ક્રીનશોટ પાડી લીધા હતા. ત્યારબાદ અલ્તાફે વિસાવદર જઈને તેના સબંધીને (પીડિતા સાથે ઓળખ કરાવી આપનાર સગીર) સાથે રાખીને સગીરાને ફોન પર ધમકી આપી બહાર મળવા માટે બોલાવી હતી.
પીડિતા પહોંચતાં બંને નજીકની વાડીમાં લઇ ગયા હતા અને જ્યાં તેનો વિડીયો વાયરલ કરવાની ધમકી આપી અલ્તાફે તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ બીજા આરોપી સગીરે પણ શારીરિક સબંધ બાંધવા દબાણ કર્યું હતું પરંતુ સગીરા ત્યાંથી ભાગી છૂટી હતી.
બનાવ બાદ ગભરાઈ ગયેલી સગીરા ઘરેથી ભાગી ગઈ હતી. ઘણા કલાકો પછી પણ સગીરા ઘરે ન મળતાં તેના પરિજનોએ તપાસ શરૂ કરી હતી. દરમ્યાન, તે નજીકના જંગલ વિસ્તારમાંથી મળી આવી હતી. જે બાદ પરિજનો તેને સાંત્વના આપીને ઘરે લઇ આવ્યા હતા અને પૂછપરછ કરતાં સમગ્ર બનાવની વિગતો સામે આવી હતી. ત્યારબાદ પીડિતાને નજીકની હોસ્પિટલમાં લઇ જઈને દાખલ કરી દેવામાં આવી હતી.
બીજી તરફ, મામલાની પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી. પોલીસે દુષ્કર્મ અને પોક્સોની કલમો હેઠળ કેસ દાખલ કરીને, તપાસ શરૂ કરી ગણતરીના કલાકોમાં બંને આરોપીઓને પકડી પાડ્યા હતા. રિપોર્ટ અનુસાર, આજે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
હિંદુ સગીરા સાથે દુષ્કર્મ થયાની આ ઘટના બાદ વિસાવદર સ્થિત વિશ્વ હિંદુ પરિષદ સહિતનાં સ્થાનિક સંગઠનોમાં પણ રોષ ફાટી નીકળ્યો હતો અને શહેરમાં રેલીનું આયોજન કરી આરોપીઓને ફાંસીની સજા આપવાની માંગ કરવામાં આવી હતી. ઉપરાંત, સંગઠનના આગેવાનો-કાર્યકર્તાઓએ પોલીસ અધિકારીઓને મળી ફરી આ પ્રકારના બનાવો ન બને તે માટે કડક કાર્યવાહી કરવા માટે પણ રજૂઆત કરી હતી.