ગુજરાતની પાંચ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી માટે ભાજપે ઉમેદવારની જાહેરાત કરી દીધી છે. આગામી સમયમાં દેશમાં લોકસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે. તો તેની સાથે જ વિવિધ રાજ્યોમાં વિધાનસભા બેઠકની પેટાચૂંટણી પણ યોજાવા જઈ રહી છે. ગુજરાતમાં પણ પાંચ વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની છે. જેને લઈને ભાજપ દ્વારા પાંચેય બેઠકો પરના ઉમેદવારોની જાહેરાત કરી દેવામાં આવી છે. આ તમામ બેઠકો પરથી ધારાસભ્યોએ રાજીનામાં આપી દીધા હતા. જેને લઈને તે બેઠકો અત્યાર સુધી ખાલી પડી હતી. જ્યારે હવે તે સીટો પર ચૂંટણી યોજાવા જઈ રહી છે.
ગુજરાતની પાંચ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી માટે ભાજપે ઉમેદવારોની જાહેરાત કરી છે. 5 પાંચ બેઠકો પર ભાજપે તેવા નેતાઓને ટિકિટ આપી છે. જેઓ તાજેતરમાં જ ધારાસભ્ય પદ છોડીને ભાજપમાં સામેલ થયા હતા. વિજાપુર બેઠક પરથી સીજે ચાવડા, ખંભાતથી ચિરાગ પટેલ, પોરબંદરથી અર્જુન મોઢવાડિયા, માણાવદરથી અરવિંદ લાડાણી અને વાઘોડિયા બેઠક પરથી ધર્મેન્દ્રસિંહ વાઘેલાને ટિકિટ આપવામાં આવી છે. નોંધનીય છે કે, ભૂપત ભાયાણીના રાજીનામાં બાદ વિસાવદર બેઠક પણ ખાલી પડી છે. પરંતુ ગુજરાત હાઇકોર્ટમાં કેસ ચાલતો હોવાથી ત્યાં પેટાચૂંટણી જાહેર કરવામાં આવી નથી.
નોંધનીય છે કે, આ પાંચ બેઠક પર જાહેર કરવામાં આવેલા ઉમેદવારો તાજેતરમાં જ ભાજપમાં જોડાયા હતા. તે પહેલાં તેઓ તે જ સીટ પર ધારાસભ્ય તરીકે કાર્યરત હતા. પરંતુ તે બાદ તેમણે વિપક્ષી પાર્ટી છોડીને કેસરીયો ધારણ કર્યો હતો. જેને લઈને તેમણે ધારાસભ્ય પદેથી પણ રાજીનામું આપ્યું હતું. જોકે, ભાજપ તરફથી તેમને તે જ બેઠક પરથી ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે.
કંગનાથી લઈને અરુણ ગોવિલને પણ ટિકિટ
ઉલ્લેખનીય છે કે, આ પહેલાં ભાજપે લોકસભા ચૂંટણી 2024 માટે 111 ઉમેદવારોની પાંચમી યાદી જાહેર કરી હતી. જેમાં અભિનેત્રી કંગના રણૌત, અરુણ ગોવિલને પણ ટિકિટ આપવામાં આવી હતી. કંગના રણૌતને હિમાચલ પ્રદેશની મંડી બેઠક પરથી ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે અરુણ ગોવિલને ઉત્તર પ્રદેશની મેરઠ બેઠક પરથી ઉમેદવાર જાહેર કરાયા છે. આ યાદીમાં ભાજપે ગુજરાતના બાકીના છ ઉમેદવારોના નામ પણ જાહેર કરી દીધા હતા. જેમાં વડોદરા અને સાબરકાંઠા બેઠક પરના ઉમેદવારોને બદલવામાં આવ્યા છે. કારણ કે, તાજેતરમાં જ વડોદરાથી રંજનબેન ભટ્ટે અને સાબરકાંઠાથી ભીખાજી ઠાકોરે ઉમેદવારી પરત ખેંચી લીધી હતી.
ભાજપની પહેલી યાદીમાં 195, બીજીમાં 72, ત્રીજીમાં 9, ચોથીમાં 15 અને પાંચમી યાદીમાં 111 ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે ભાજપે અત્યાર સુધીમાં કુલ 402 ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. ગુજરાતની 26 બેઠકો પર પણ ભાજપના ઉમેદવારોની જાહેરાત કરી દેવામાં આવી છે.