અયોધ્યા રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા સમારોહને હવે ગણતરીના દિવસો બાકી છે. 22 જાન્યુઆરીએ વિશ્વભરના રામભક્તોની આતુરતાનો અંત આવશે. 500 વર્ષોના સંઘર્ષ બાદ આખરે પ્રભુ શ્રીરામ અયોધ્યા પરત ફરશે. ભગવાન રામની મૂર્તિઓની પ્રાણપ્રતિષ્ઠા થવા જઈ રહી છે. એ પહેલાં રાજ્ય અને દેશમાંથી આનંદ અને ઉત્સાહભેર પ્રભુ શ્રીરામની અને રામ મંદિર માટેની અનેક વસ્તુઓ અયોધ્યા માટે રવાના કરવામાં આવી છે. જ્યારે હવે એ જાણવા મળી રહ્યું છે કે, વડોદરાથી રામ મંદિરનો ઇતિહાસ કંડારાયેલી 12 તક્તીઓ અયોધ્યા માટે રવાના કરવામાં આવી રહી છે. આ તક્તીમાં રામ મંદિર સંઘર્ષનો સંપૂર્ણ ઇતિહાસ કંડારવામાં આવ્યો છે.
રામ મંદિરનો પવિત્ર ધ્વજદંડ બનાવીને અયોધ્યા રવાના કર્યા બાદ, રામ મંદિરની બીજી એક વિશેષ વસ્તુ ગુજરાતમાંથી રવાના કરવામાં આવી રહી છે. દિવ્ય ભાસ્કરના અહેવાલ મુજબ અયોધ્યામાં રામ મંદિરના ઇતિહાસને લગતી 12 જેટલી તક્તી લગાવવામાં આવશે. 5 ફૂટ લંબાઈ અને 3 ફૂટ પહોળાઈની આ 12 તક્તીઓની કોતરણી વડોદરાના ઇન્ટિરિયર ડિઝાઇનર અને એન્જિનિયર દ્વારા તૈયાર કરવામાં આવી છે. આ તક્તીઓની વિશેષતા એ છે કે, 6 તક્તીઓ પર હિંદી ભાષામાં અને અન્ય 6 તક્તીઓ પર અંગ્રેજી ભાષામાં અયોધ્યા રામ મંદિરનો સંપૂર્ણ ઇતિહાસ કંડારવામાં આવ્યો છે. આ તક્તીઓ તૈયાર કરવા માટે ખાસ સેન્ટ સ્ટોન તરીકે ઓળખાતા 30 MMના બંસી પહાડપુર પથ્થરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. રામ મંદિર માટેની આ તક્તીઓને 16 જાન્યુઆરીએ સવારે 11 કલાકે વડોદરાથી અયોધ્યા જવા રવાના કરાઈ છે.
1000 વર્ષો સુધી ટકી રહેશે કોતરણી
મંદિરના સમગ્ર ઇતિહાસને દર્શાવતી આ તક્તીઓ તૈયાર કરનાર હિમાંશુ ભલગામિયા અને ધવલ ભલગામિયાએ જણાવ્યું હતું કે, એલએન્ડરી કંપની દ્વારા ચિન્ટુ કાલેરિયાને આ પ્રોજેક્ટ આપવામાં આવ્યો હતો. જ્યારે તેમના દ્વારા તેઓને આ ધાર્મિક કાર્યમાં સહભાગી થવાનો અવસર પ્રાપ્ત થયો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “કમ્પ્યુટરમાં ફોન્ટની ડિઝાઇન પ્રોગ્રામવાળા સોફ્ટવેરમાં લેવામાં આવે છે. દરેક મશીન 4 દિવસ સુધી દિવસ-રાત ચાલુ જ રહ્યા હતા. જેથી 96 કલાકમાં 12 તક્તીઓનું કામ પૂર્ણ થયું છે.”
સામાન્ય રીતે જોવા જઈએ તો કોઈપણ તક્તીમાં 0.5થી 1 MMની ઊંડાઈની કોતરણી કરવામાં આવે છે. પરંતુ આ વિશેષ પથ્થર 30 MMનો છે. તેથી તેમાં 5 MMની કોતરણી કરવામાં આવી છે. સાથે જાણવા મળી રહ્યું છે કે, અયોધ્યા રામ મંદિરનો સંપૂર્ણ ઇતિહાસ દર્શાવતી આ તક્તીઓ આવનારા 1000 વર્ષો સુધી સુરક્ષિત રહેશે. કોઈપણ મંદિરમાં ઇતિહાસ દર્શાવવા માટે આવા મહત્વના પથ્થરોનો જ ઉપયોગ કરવામાં આવે છે.