સોશિયલ મીડિયા પર એક દાવો એવો થઈ રહ્યો છે કે હવેથી મોબાઈલ ફોનમાં 2 સિમ કાર્ડ વાપરવા પર TRAI (ટેલિકોમ રેગ્યુલેટરી ઑથોરિટી ઑફ ઇન્ડિયા) દંડ વસૂલ કરશે. શરૂઆતમાં ન્યૂઝ24 જેવી અમુક મીડિયા સંસ્થાઓએ ગેરસમજ કરીને આવા સમાચારો પ્રકાશિત કર્યા બાદ સોશિયલ મીડિયા પર આવું વાયુવેગે પ્રસરવા માંડ્યું.
ન્યૂઝ24એ X પર એક પોસ્ટ કરીને આ પ્રકારના સમાચાર પ્રકાશિત કર્યા હતા. જેમાં દાવો કરવામાં આવ્યો કે એક ફોનમાં 2 સિમ વાપરવા પર TRAI દંડ વસૂલ કરશે, જે એકસાથે અથવા તો વાર્ષિક આધાર પર લેવામાં આવશે. મોબાઈલ ઓપરેટરો આ ચાર્જ યૂઝરો પાસેથી વસૂલ કરી શકે એવું પણ સાથે કહેવામાં આવ્યું.
પછીથી ઘણા સોશિયલ મીડિયા યુઝરોએ આ ઉપાડી લીધું અને વાયરલ કરવા માંડ્યું. પરંતુ હકીકત આ નથી અને પછીથી TRAIએ પણ આ બાબતની સ્પષ્ટતા કરી હતી. શુક્રવારે (14 જૂન) X પર એક પોસ્ટ કરીને TRAIએ જણાવ્યું કે, “એકથી વધુ સિમ વાપરવા પર ગ્રાહકો પાસેથી દંડ વસૂલવામાં આવશે તેવી અટકળો સદંતર ખોટી છે. આ પ્રકારના દાવા પાયાવિહોણા છે અને માત્ર લોકોને ગેરમાર્ગે દોરવા માટે જ કરવામાં આવી રહ્યા છે.
The speculation that TRAI intends to impose charges on customers for holding multiple SIMs/ numbering resources is unequivocally false. Such claims are unfounded and serve only to mislead the public.
— TRAI (@TRAI) June 14, 2024
હકીકત શું છે?
વાસ્તવમાં ગત 6 જૂનના રોજ TRAIએ એક કન્સલ્ટેશન પેપર બહાર પાડ્યું હતું, જેનું શીર્ષક છે- રિવિઝન ઑફ નેશનલ નંબરિંગ પ્લાન. જેમાં તમામ હિતધારકોને 4 જુલાઈ સુધી લેખિત ટિપ્પણી કરવા માટે અને 18 જુલાઈ, 2024 સુધીમાં કાઉન્ટર કૉમેન્ટ રજૂ કરવા માટે જણાવવામાં આવ્યું હતું. આ જ દિવસે એક પ્રેસ રિલીઝ પણ બહાર પાડવામાં આવી હતી.
આ વિસ્તૃત કન્સલ્ટેશન પેપરમાં TRAIએ યુઝરો પાસેથી એક મોબાઈલમાં બે સિમ વાપરવા માટે કોઇ ચાર્જ લેવાનો પ્રસ્તાવ મૂક્યો નથી. પરંતુ મોબાઈલ ઓપરેટરો અને ટેલિકોમ કંપનીઓ પાસેથી ઇનએક્ટિવ નંબરોનો ચાર્જ લેવા માટે અમુક શુલ્ક વસૂલવા માટે જણાવવામાં આવ્યું છે. આ એવા નંબરો હોય છે, જે વપરાતા હોતા નથી છતાં ટેલિકોમ કંપનીઓ યુઝર બેઝ સાચવવા માટે કે અન્ય કારણોસર TRAIને જમા કરાવતી નથી અને પોતાની પાસે જ રાખી મૂકે છે. TRAIનું માનવું છે કે કંપનીઓ પાસેથી ચાર્જ લેવામાં આવે તો તેઓ ગ્રાહકો પર ચાર્જ નાખી શકે છે, જેથી એજન્સીએ હિતધારકો પાસેથી આ મામલે વિચારો મંગાવ્યા છે.
ઉલ્લેખનીય છે કે ઘણા પાસે એક મોબાઈલમાં બે સિમ કાર્ડ હોય છે, પણ ઉપયોગ એકનો જ થતો હોય છે અને બાકીનું ઈનએક્ટિવ પડી રહે છે. નિયમાનુસાર આવા નંબરો ફરી TRAIને મોકલવાના હોય છે, જેથી તેઓ તેને ફરીથી અન્ય કંપની કે યુઝરોને ફાળવી શકે. પરંતુ ઘણી વખત મોબાઈલ કે ટેલિકોમ કંપનીઓ નંબરો પોતાની પાસે જ રાખે છે. આ સમસ્યાના સમાધાન માટે હાલ TRAI વિચાર કરી રહ્યું છે.
અહીં વાચકોની જાણ માટે, મોબાઈલ નંબર કે SMS સિન્ટેક્સને સરકારી કામકાજની ભાષામાં ટેલિકોમ્યુનિકેશન આઈડેન્ટિફાયર કહેવાય છે. આ ફોન નંબર સરકારની સંપત્તિ કહેવાય છે અને તેને સર્વિસ પ્રોવાઇડરોને કોઇ પણ શુલ્ક વગર ફાળવવામાં આવે છે, પરંતુ તેની માલિકી સરકાર પાસે જ રહે છે. ઓપરેટરો તેને લાયસન્સના સમય સુધી વાપરી શકે છે.
નોંધવું એ પણ જોઈએ કે આ માત્ર એક કન્સલ્ટેશન પેપર છે અને અંતિમ નિયમો નહીં. ન વપરાતા નંબરો માટે કંપનીઓ પાસેથી ચાર્જ વસૂલ કરવો કે નહીં તે બાબતે હજુ સરકારે કોઇ નિર્ણય કર્યો નથી.