ગુજરાતી મીડિયા હંમેશાથી જુઠ્ઠાણું અને અફવા ફેલાવવામાં અગ્રેસર રહે છે. ઘણીવાર કોઈ મીડિયા હેન્ડલે અનેક મુદ્દાઓને લઈને ભ્રામક સમાચારો પ્રકાશિત કર્યા હતા, જે બાદ તેનો વિવાદ વધતાં આર્ટીકલને ફરી સુધારીને પ્રકાશિત કરવાના દાખલા મોજૂદ છે. ત્યારે હવે ફરી એકવાર ગુજરાતી મીડિયાએ આવું જ કારસ્તાન કર્યું છે. સત્યની તપાસ કર્યા વગર જ મીડિયામાં એક ફોટો વાયરલ થઈ રહ્યો છે તેને લઈને એવો દાવો કરી દીધો કે, ‘વૈજ્ઞાનિકોએ આચાર્ય ચાણક્યની તસવીર ક્રિએટ કરી છે. જેનો ચહેરો ભારતીય ક્રિકેટર મહેન્દ્ર સિંઘ ધોની સાથે મળતો આવે છે.’
ગુજરાતી મીડિયા ABP અસ્મિતાએ 10 માર્ચના રોજ એક લેખ પ્રકાશિત કર્યો છે. જેનું મથાળું કઈક આવું છે- “વૈજ્ઞાનિકોએ બનાવી ધોની જેવા દેખાતા ચાણક્યની તસવીર, સોશિયલ મીડિયામાં આવ્યું કોમેન્ટનું ઘોડાપૂર” આ ઉપરાંત આર્ટીકલમાં અંદર લખવામાં આવ્યું છે કે, “વૈજ્ઞાનિકોના એક જૂથે ભારતીય ફિલોસોફર ચાણક્યની તસવીર બનાવી છે અને તે ભારતના ભૂતપૂર્વ કેપ્ટન અને વર્તમાન CSK સુકાની એમએસ ધોની જેવી જ દેખાય છે.”
ABPના લેખમાં લખાયું છે કે, “ચાહકો અને વિવેચકો ઘણીવાર એમએસ ધોનીને ક્રિકેટના ‘ચાણક્ય’ કહે છે, કારણ કે CSKના સુકાનીનું પાવરફુલ મન અને અવિશ્વસનીય નિર્ણય લેવાની ક્ષમતાને કારણે તેની ટીમને ઘણી વાર ફાયદો થયો છે. એવી કોઈએ કલ્પના પણ નહીં કરી હોય કે જે ધોનીને લોકો મજાકમાં ક્રિકેટના ચાણક્ય કહે છે તેના જેવી દેખાતી કોઈ મુર્તિ બનાવશે.” સાથે અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે દાવો કર્યો કે, આ ફોટો મગધ ડીએસ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ બનાવ્યો છે.
Scientists at Magadha DS University have reconstructed this 3D model of how Chanakya, the author of Arthashastra might have looked. pic.twitter.com/M443FytXCu
— ⛄🎄Jerxn🥑 (@jerxn_) March 10, 2024
ગુજરાતી મીડિયાએ વાયરલ કરેલા આ દાવાની વાસ્તવિકતા તદ્દન અલગ છે. વાયરલ થઈ રહેલો ફોટો કોઈ જ વૈજ્ઞાનિકોએ બનાવ્યો નથી. ઉપરાંત તે ફોટો આચાર્ય ચાણક્યનો પણ નથી.
શું છે વાસ્તવિકતા?
વાયરલ થઈ રહેલા દાવાની વાસ્તવિકતા એ છે કે, તે ફોટો પ્રાચીન ભારતના આચાર્ય ચાણક્યનો નથી અને ના તો તેને વૈજ્ઞાનિકોએ બનાવ્યો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ‘Facts’ નામના સોશિયલ મીડિયા હેન્ડલે આ વિશેની સાચી માહિતી આપી છે. X હેન્ડલે પોસ્ટ કરીને જણાવ્યું છે કે, “આ મગધ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ બનાવેલો ચાણક્યનો ફોટો નથી. આ અંકુર ખત્રી નામના કલાકાર દ્વારા બનાવવામાં આવેલી કલાકૃતિ છે.”
Satire gone too far? 🤦🏻♂️😂
— Facts (@BefittingFacts) March 11, 2024
This is not image of Chanakya created by scientists of Magadh University.
Its an artwork done by artist named Ankur Khatri.
He does likeness study on different people and characters.
Media channels also reported this… pic.twitter.com/kCOD3Wj4sM
સોશિયલ મીડિયા હેન્ડલ Factsએ લખ્યું કે, “તે (અંકુર ખત્રી) અલગ-અલગ લોકો અને પાત્રો પર સમાનતાનું અધ્યયન કરે છે.” આ પોસ્ટ સાથે અંકુર ખત્રીની અન્ય કલાકૃતિઓ પણ ઉમેરવામાં આવી છે. જેથી કરીને લોકોને સત્યની જાણ થઈ શકે. ટૂંકમાં વાયરલ થઈ રહેલો તે ફોટો ભારતના એક કલાકાર અંકુર ખત્રીનો છે, નહીં કે મગધ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોનો. એ ઉપરાંત તે ફોટો આચાર્ય ચાણક્યનો પણ નથી, તે ફોટો મહેન્દ્ર સિંઘ ધોનીનો જ છે. મીડિયામાં વાયરલ થઈ રહેલા આ સમાચાર ભ્રામક છે.
ABP અસ્મિતાએ આ આર્ટીકલ લખાઈ રહ્યો છે, ત્યાં સુધીમાં પોતાના લેખમાં કોઈ સુધારો કર્યો નથી. જો મીડિયા પોર્ટલ પોતાનો લેખ સુધારી નાખે અથવા તો ડિલીટ કરી નાખે તો, મૂળ લેખ અહિયાં ક્લિક કરીને વાંચી શકો છો.