બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારની પાર્ટી જનતા દળ (યુનાઇટેડ)ના રાષ્ટ્રીય અધ્યક્ષ લલનસિંહે નવો વિવાદ જગાવ્યો છે. એક કાર્યક્રમમાં ભાષણ આપતાં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ટિપ્પણી કરતાં દાવો કર્યો કે પીએમ મોદીનો OBCમાં સમાવેશ થતો ન હતો અને તેઓ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારબાદ મોદીએ પોતાના સમાજનો સમાવેશ OBCમાં કર્યો હતો.
લલનસિંહે શુક્રવારે (14 ઓક્ટોબર 2022) એક કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટી પર ટિપ્પણી કરી તેમના ચરિત્રમાં ગડબડ હોવાનું કહ્યું હતું. ત્યારબાદ તેમણે વડાપ્રધાન મોદીને લઈને કહ્યું હતું કે, “2014ની ચૂંટણીમાં આ દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી આખા દેશમાં ફરીને કહી રહ્યા હતા કે હું અત્યંત પછાત વર્ગ (EBC)માંથી આવું છું. પરંતુ ગુજરાતમાં EBC નથી, માત્ર OBC છે. તેઓ એ વર્ગમાં પણ ન હતા.”
#WATCH | In 2014, PM Modi roamed the country saying he was from the Extremely Backward Class (EBC). There's no EBC in Gujarat, only OBC. When he became Gujarat CM he added his caste to OBC. He's a duplicate, not an original: JD(U) national president Lalan Singh at Patna y'day pic.twitter.com/EY5xwysLYC
— ANI (@ANI) October 15, 2022
ત્યારબાદ તેમણે દાવો કર્યો કે, પીએમ મોદી એ વર્ગમાં (OBC) પણ આવતા ન હતા અને જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે તેમના સમાજને OBCમાં સામેલ કરી દીધો હતો. તેમણે કહ્યું કે, “આ તો નકલી છે, અસલી ક્યાંથી છે?”
આ પહેલીવાર નથી જ્યારે વિપક્ષમાંથી કોઈ નેતાએ પીએમ મોદીના જાતિ પ્રમાણપત્રને લઈને સવાલ ઉઠાવ્યો હોય. આ પહેલાં વર્ષ 2019ની લોકસભા ચૂંટણી વખતે બહુજન સમાજવાદી પાર્ટીના સુપ્રીમો માયાવતીએ પણ આ જ પ્રકારનો દાવો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, મોદી પહેલાં પછાત વર્ગમાં આવતા ન હતા પરંતુ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા બાદ તેમણે તેમના સમાજને OBCમાં સામેલ કરી દીધો હતો. તેમણે એવો પણ આરોપ મૂક્યો કે ચૂંટણીમાં ફાયદો મેળવવા માટે પીએમ મોદીએ તેમના ઉચ્ચ વર્ગને પછાત વર્ગમાં સામેલ કરી દીધો હતો.
1994માં જ નરેન્દ્ર મોદીની જાતિનો સમાવેશ OBC યાદીમાં થઇ ગયો હતો
આ બંને દાવાથી વિપરીત હકીકત એ છે કે નરેન્દ્ર મોદી મોઢ ઘાંચી સમાજમાંથી આવે છે, જેને ગુજરાત સરકારે OBCની યાદીમાં સમાવેશ કર્યો છે. ગુજરાત સરકાર દ્વારા ઉપલબ્ધ અધિકારીક દસ્તાવેજો જોતાં માયાવતી અને લલનસિંહ બંનેનો દાવો ખોટો ઠરે છે. કારણ કે, દસ્તાવેજો અનુસાર, ગુજરાત સરકારે વર્ષ 1994માં જ મોઢ ઘાંચી સમાજને OBCની યાદીમાં સ્થાન આપી દીધું હતું.
વર્ષ 1994માં 25 જુલાઈના રોજ ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલયે OBCની યાદીમાં કેટલીકે જાતિઓનો સમાવેશ કર્યો હતો, જેમાં મોઢ ઘાંચી જાતિનો પણ સમાવેશું કરવામાં આવ્યો હતું. સરકારના દસ્તાવેજોમાં આ આદેશ 25 જુલાઈ 1994ના રોજ SSP/1194/1411/A નંબર સાથે પસાર કરવામાં આવ્યો હોવાનું ઉલ્લેખિત છે.
નરેન્દ્ર મોદી વર્ષ 2001ના ઓક્ટોબરમાં ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા. એટલે કે તેમણે ગુજરાતનું મુખ્યમંત્રી પદ સંભાળ્યું તેનાં 7 વર્ષ પહેલાં જ તેમના સમાજનો સમાવેશ OBCમાં કરી દેવાયો હતો. જેથી તેમણે સીએમ બન્યા બાદ આ કામ કર્યું તેવી દલીલોનો છેદ અહીં જ ઉડી જાય છે.
ઉલ્લેખનીય છે કે, મંડલ કમિશનના રિપોર્ટ બાદ વી.પી સિંહની સરકારે OBC માટે અનામતને મંજૂરી આપી હતી. તે પહેલાં માત્ર ST અને SCને જ અનામતના લાભો મળતા હતા. ત્યારબાદ રાજ્યોએ પણ OBC જાતિઓની ઓળખ કરી યાદી બનાવી હતી. વર્ષ 1994માં પીએમ મોદીની જાતિ (મોઢ ઘાંચી)ને પણ આ યાદીમાં સમાવવામાં આવી હતી.
જોકે, પીએમ મોદીની જાતિ વિશે ખોટા દાવા આ પહેલાં કોંગ્રેસ નેતા પણ કરી ચૂક્યા છે. ગુજરાતના કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે પીએમ મોદી ‘ફેક ઓબીસી’ હોવાનું કહીને આરોપ લગાવ્યા હતા કે તેમણે સીએમ બન્યા બાદ જાતિનો સમાવેશ યાદીમાં કરી દીધો હતો. તે સમયે પણ તત્કાલીન ગુજરાત સરકારે આ મામલે સ્પષ્ટતા કરી હતી.