Sunday, December 22, 2024
More
    હોમપેજરાજકારણકોંગ્રેસે ફરી ક્લિપ કાપીને સંદર્ભ વગર શેર કરીને જુઠ્ઠાણું ફેલાવવાનો ધંધો શરૂ...

    કોંગ્રેસે ફરી ક્લિપ કાપીને સંદર્ભ વગર શેર કરીને જુઠ્ઠાણું ફેલાવવાનો ધંધો શરૂ કર્યો: ગૃહમંત્રી શાહે સંસદમાં ડૉ. આંબેડકરનું અપમાન કર્યું હોવાના આરોપો પાછળની હકીકત જાણો

    કોંગ્રેસીઓએ અહીં એવું જ મગજ વાપર્યું છે, જેવું તેઓ પ્રોપગેન્ડા કે ફેક ન્યૂઝને વહેતા કરવા માટે વાપરે છે. તેમણે ભાષણમાંથી એક ક્લિપ સંદર્ભ વગર કાપીને ફરતી કરી દીધી છે. ગૃહમંત્રી શાહ શું કહેતા હતા, તે કોઈને જણાવ્યું નથી.

    - Advertisement -

    લોકસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસ (Congress) ઇકોસિસ્ટમે ગૃહમંત્રી અમિત શાહના (Amit Shah) ભાષણના એક વિડીયોમાંથી ક્લિપ કાપીને ST/SC અનામત દૂર કરવા વિશે તેમણે ટિપ્પણી કરી હોવાનું તૂત ચલાવ્યું હતું. જેનું ઘણુંખરું નુકસાન પણ ભાજપને થયું. હવે લોહી ચાખી ગઈ હોય એમ પાર્ટીએ ફરીથી વિડીયોમાંથી (Video) ક્લિપ કાપીને જુઠ્ઠાણું ચલાવવાનું શરૂ કર્યું છે અને યોગાનુયોગ આ વખતે પણ ટાર્ગેટ પર ગૃહમંત્રી અમિત શાહ જ છે. 

    ગૃહમંત્રી શાહે મંગળવારે (17 ડિસેમ્બર) રાજ્યસભામાં ચાલતી બંધારણની 75મી વર્ષગાંઠ પરની ચર્ચાનો જવાબ રજૂ કર્યો હતો. તેમના આ ભાષણમાંથી એક ક્લિપ કાપીને સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહી છે અને એવી રીતે રજૂ કરવામાં આવી રહી છે કે, ગૃહમંત્રીએ ડૉ. ભીમરાવ આંબેડકરનું (Dr Ambedkar) અપમાન કર્યું હતું. 

    અગાઉ પણ અનેક વખત ફેક ન્યૂઝ ફેલાવી ચૂકેલાં કોંગ્રેસ પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતે ગૃહમંત્રી શાહના આ ભાષણમાંથી 11 સેકન્ડની એક ક્લિપ પોસ્ટ કરી છે. સાથે તેમણે લખ્યું, “હવે આ ફેશન બની ગઈ છે આંબેડકર, આંબેડકર નામ લેવાની. આટલું નામ જો ભગવાનનું લીધું હોત તો સ્વર્ગ મળી જાત”: અમિત શાહ. ત્યારબાદ તેઓ આગળ લખે છે, “બાબાસાહેબનું આ અપમાન માત્ર એ જ વ્યક્તિ કરી શકે જેને બંધારણથી ચીડ હોય અને જેમના પૂર્વજોએ શોષિતો-વંચિતોના મસીહા બાબાસાહેબનાં પૂતળાં સળગાવ્યાં હતાં.”

    - Advertisement -

    ફેક ન્યૂઝ ફેલાવવામાંથી કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ બાકાત નથી. તેમણે જોકે વિડીયો પોસ્ટ કર્યો નથી. પરંતુ એક X પોસ્ટમાં લખ્યું કે, “ગૃહમંત્રી શાહે આજે ભરેલા ગૃહમાં બાબાસાહેનું અપમાન કર્યું છે, જેનાથી ફરી એક વખત સિદ્ધ થઈ ગયું કે ભાજપ/RSS તિરંગા વિરુદ્ધ હતા. તેમના પૂર્વજોએ અશોક ચક્રનો વિરોધ કર્યો હતો. સંઘ પરિવારના લોકો પહેલા દિવસથી ભારતના બંધારણને સ્થાને મનુસ્મૃતિ લાગુ કરવા માંગતા હતા. બાબાસાહેબ આંબેડકરજીએ તેમ ન થવા દીધું, એટલે આ તેમના પ્રત્યે આટલી ઘૃણા છે.” 

    રાહુલ ગાંધીએ પણ ત્યારપછી એક પોસ્ટ કરીને લખ્યું કે, “મનુસ્મૃતિને માનનારાઓને આંબેડકરજી સાથે તકલીફ હોવાની જ.”

    કોંગ્રેસ મહાસચિવ કેસી વેણુગોપાલ પણ આ યાદીમાં સામેલ છે. તેમણે પણ આ જ વિડીયો પોસ્ટ કરીને ગૃહમંત્રી શાહ પર ડૉ. આંબેડકરનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો છે. સાથે ‘મનુસ્મૃતિ’ અને ‘RSS’ જેવા શબ્દો પણ પોસ્ટમાં જોવા મળે છે, જે કોંગ્રેસીઓ અને રાહુલ ગાંધીના મગજમાં થોડા સમયથી ફિટ થઈ ગયા છે. 

    ટ્વિટરથી જ જેમનું રાજકારણ ચાલે છે એ જયરામ રમેશે પણ એક લાંબી પોસ્ટ કરીને પ્રોપગેન્ડા ફેલાવ્યો. સાથે આરોપ લગાવ્યો કે, ભાજપને ડૉ. આંબેડકર પ્રત્યે નફરત છે. ગૃહમંત્રી શાહની માફીની પણ તેમણે અંતે માંગ કરી દીધી. 

    આ સિવાય પણ કોંગ્રેસનાં ટ્રોલ હૅન્ડલો અને કોંગ્રેસતરફી વિચારધારા ધરાવનારા કથિત પત્રકારોએ આ વિડીયો ફરતો કરીને ખોટા દાવા કર્યા છે.

    શું છે વાસ્તવિકતા? 

    કોંગ્રેસીઓએ અહીં એવું જ મગજ વાપર્યું છે, જેવું તેઓ પ્રોપગેન્ડા કે ફેક ન્યૂઝને વહેતા કરવા માટે વાપરે છે. તેમણે ભાષણમાંથી એક ક્લિપ સંદર્ભ વગર કાપીને ફરતી કરી દીધી છે. ગૃહમંત્રી શાહ શું કહેતા હતા, તે કોઈને જણાવ્યું નથી. અહીં સમગ્ર મામલો સમજવા માટે 11 સેકન્ડની ક્લિપ પૂરતી નથી, પરંતુ વિગતે જાણવું પડે કે ચર્ચા શાની ચાલતી હતી અને અમિત શાહ કહી શું રહ્યા હતા.

    વાસ્તવમાં ગૃહમંત્રી શાહ ડૉ. આંબેડકર સાથે કોંગ્રેસે કરેલા વ્યવહાર વિશે ગૃહને જાણકારી આપી રહ્યા હતા. તેઓ કોંગ્રેસ પાર્ટીની જ પોલ ખોલીને કહી રહ્યા હતા કે જે કોંગ્રેસે બાબાસાહેબ સાથે દુર્વ્યવહાર કર્યો અને તેમને સરકારમાંથી રાજીનામું આપવા માટે મજબૂર કર્યા, એ જ કોંગ્રેસ પાર્ટી હવે મત મેળવવા માટે તેમનું નામ લઈ રહી છે. પરંતુ આ વાત સોશિયલ મીડિયા પર હોબાળો મચાવતા કોંગ્રેસીઓ જણાવી રહ્યા નથી.

    વિડીયોમાં ગૃહમંત્રી શાહ કહે છે, “અમને તો આનંદ છે કે આંબેડકરજીનું નામ લેવામાં આવે છે. સો વખત લેવું જોઈએ. પણ હું જણાવું કે આંબેડકરજી પ્રત્યે તેમનો (કોંગ્રેસનો) ભાવ શું છે.” ત્યારબાદ ગૃહમંત્રીએ કોંગ્રેસે ડૉ. આંબેડકર સાથે કરેલા વ્યવહારની વિગતો આપી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, ડૉ. આંબેડકરે પહેલી કેબિનેટમાંથી રાજીનામું એટલા માટે આપ્યું હતું, કારણ કે તેઓ અનુસૂચિત જાતિ/જનજાતિ સાથે થતા વ્યવહારથી નારાજ હતા. ઉપરાંત, સરકારની વિદેશ નીતિ અને આર્ટિકલ 370થી પણ તેઓ અસંતુષ્ટ હતા. 

    (સંસદ ટીવી પર પ્રકાશિત ગૃહમંત્રી અમિત શાહના સંપૂર્ણ ભાષણના વિડીયોમાં એક કલાક સાતમી મિનિટ પછી આ ચર્ચા સાંભળી શકાશે.)

    ત્યારબાદ ગૃહમંત્રીએ એક કિસ્સો જણાવતાં કહ્યું કે, જ્યારે તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુને કહેવામાં આવ્યું કે, સરકારમાંથી ડૉ. આંબેડકરના જવાથી નુકસાન થશે, તો નહેરુએ કહ્યું હતું કે, તેનાથી કોઈ ફેર નહીં પડે. ત્યારબાદ ગૃહમંત્રી કોંગ્રેસને પૂછે છે કે જેનો વિરોધ કરો છો, તેમનું નામ વોટ માટે લેવું કેટલું યોગ્ય છે. હવે સરકારમાં આંબેડકરને માનનારાઓ આવી ગયા છે, એટલે તેઓ તેમનું નામ લેવા માંડ્યા છે. 

    આટલી વિગતોથી સ્પષ્ટ છે કે ગૃહમંત્રીએ ક્યાંય ડૉ. બાબાસાહેબ આંબેડકરનું અપમાન કર્યું નથી, ઉપરથી તેઓ બાબાસાહેબ સાથે ગેરવર્તન કરનારી કોંગ્રેસ પાર્ટીની પોલ ખોલી રહ્યા હતા. પરંતુ પોતાની જ પોલ ખુલી જતી જોઈને કોંગ્રેસ અવળું લઈ બેઠી છે, દર વખતની જેમ!

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં