Friday, November 22, 2024
More
    હોમપેજદેશયુનિફાઇડ પેન્શન યોજના (UPS) શું છે અને જૂની-નવી પેન્શન યોજનાઓથી કઈ રીતે...

    યુનિફાઇડ પેન્શન યોજના (UPS) શું છે અને જૂની-નવી પેન્શન યોજનાઓથી કઈ રીતે અલગ પડે છે?- સરળ શબ્દોમાં સમજો

    UPS 1 એપ્રિલ, 2025થી લાગુ થશે, પરંતુ 2004 બાદ સરકારી નોકરીમાં જોડાયેલા NPS હેઠળ આવતા કર્મચારીઓને પણ લાગુ પડશે. NPS હેઠળ નિવૃત્ત થયા હોય તેમને ઉપાડ રકમ સાથે એડજસ્ટ કરીને એરિયર્સ ચૂકવી દેવામાં આવશે

    - Advertisement -

    નવી પેન્શન યોજના (NPS)ના વિરોધ અને જૂની પેન્શન યોજના (OPS)ની વધતી માગ વચ્ચે શનિવારે (24 ઑગસ્ટ) કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે યુનિફાઇડ પેન્શન યોજના (UPS)ને મંજૂરી આપી. કેન્દ્ર સરકારના લગભગ 23 લાખ કર્મચારીઓને તેનો લાભ મળશે તેવું કહેવાય છે. રાજ્યો જો લાગુ કરે તો આ આંકડો લગભગ 90 લાખ પર પહોંચે છે. યોજના આગામી નાણાકીય વર્ષ એટલે કે 1 એપ્રિલ, 2025થી લાગુ કરવામાં આવશે. 

    યોજનાની મંજૂરીની જાણકારી આપતાં કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે એક પ્રેસ કૉન્ફરન્સમાં જણાવ્યું હતું કે, સરકારી કર્મચારીઓ તરફથી નવી પેન્શન યોજનામાં સુધારા કરવા માટે સતત માંગ કરવામાં આવી રહી હતી. જેને ધ્યાનમાં લઈને એપ્રિલ, 2023માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તત્કાલીન નાણા સચિવ TV સોમનાથનની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરી હતી. આ સમિતિએ પૂરતી ચર્ચા, પરામર્શ અને સમીક્ષા બાદ કેબિનેટ સમક્ષ યુનિફાઇડ પેન્શન યોજના લાગુ કરવા માટે ભલામણ કરી હતી, જેને કેન્દ્રીય કેબિનેટે ઔપચારિક મંજૂરી આપી દીધી છે. 

    પહેલાં સમજીએ કે આ UPS શું છે. 

    - Advertisement -

    યુનિફાઇડ પેન્શન સ્કીમ NPSથી મૂળ રીતે અલગ એ રીતે પડે છે કે તેમાં નિવૃત્ત કર્મચારીઓને એક નિશ્ચિત પેન્શન રકમ આપવામાં આવશે. NPSનો સૌથી વધુ વિરોધ આ જ બાબતને લઈને થઈ રહ્યો હતો, જેમાં ઘણે અંશે સરકારે રાહત આપી છે. આ UPSમાં કુલ પાંચ સ્તંભો છે. 

    નિશ્ચિત (એસ્યોર્ડ) પેન્શન: નિવૃત્ત સરકારી કર્મચારીઓને નિવૃત્તિ પહેલાંના 12 મહિનાના સરેરાશ બેઝિક પગારની 50% રકમ પેન્શન તરીકે પ્રાપ્ત થશે. જોકે, આના માટે ઓછામાં ઓછી 25 વર્ષની નોકરી કરેલી હોવી જરૂરી છે. જો કોઈએ 10-25 વર્ષ વચ્ચે નોકરી પૂર્ણ કરી હોય તો તેનું પેન્શન તે રીતે ગોઠવવામાં આવશે.

    ઉદાહરણ તરીકે, ફલાણાભાઈ 30 વર્ષની નોકરી પછી નિવૃત્ત થાય અને તેમના છેલ્લા એક વર્ષના બેઝિક પગારનું સરેરાશ ₹50, ૦૦૦ હોય તો પેન્શન 50% લેખે દર મહિને ₹25,000 બંધાશે.

    નિશ્ચિત ફેમિલી પેન્શન: જો કર્મચારીનું મૃત્યુ થઈ જાય તો તે પરિસ્થિતિમાં પરિવારને પેન્શનનો 60% હિસ્સો આપવામાં આવશે. જે કર્મચારીના મૃત્યુ બાદ તુરંત પરિવારને અપાશે.

    ઉદા: એક વ્યક્તિ મૃત્યુ પહેલાં ₹2૦,૦૦૦ પેન્શન મેળવતી હતી. કોઈક કારણોસર તેમનું મૃત્યુ થયું તો પરિવારને મહિને ₹12,000 મળશે.

    નિશ્ચિત લઘુત્તમ પેન્શન: આ જોગવાઈ હેઠળ એવી વ્યવસ્થા કરવામાં આવી છે કે પેન્શનધારકોની આવક કોઇ પણ હોય, પણ નિવૃત્તિ પછી ઓછામાં ઓછા મહિને 10 હજાર મેળવી જ શકે. જે અનુસાર, કર્મચારીએ જો ઓછામાં ઓછી 10 વર્ષની નોકરી કરી હશે તો દર મહિને તેને ઓછામાં ઓછા 10 હજાર રૂપિયા પેન્શન મળશે.

    ઉદાહરણ જોઈએ તો, એક વ્યક્તિ મહિને 16 હજાર રૂપિયાના બેઝિક પે સાથે નિવૃત્ત થાય છે. તો ગણતરી પ્રમાણે જોઈએ તો તેમનું પેન્શન ₹8 હજાર જ બંધાશે. પરંતુ આ મિનિમમ પેન્શન નિયમના કારણે તેઓ માસિક ₹10 હજાર મેળવી શકશે. આનાથી નોકરી દરમિયાન જેમનું પગાર ધોરણ નીચું હોય તેમને ફાયદો મળશે. 

    ઇન્ફ્લેશન ઇન્ડેક્સેશન: ઉપરોક્ત ત્રણેય પેન્શન માટે મોંઘવારી રાહત પણ મળશે, જેની ગણતરી ઑલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇઝ ઇન્ડેક્સ ફોર ઇન્ડસ્ટ્રીયલ વર્કર્સના આધારે કરવામાં આવશે. જેનાથી જેમ જીવનધોરણ ઊંચું જાય તેમ પેન્શન પણ વધતું રહેશે. 

    નિવૃત્તિ સમયે લમ્પસમ પેમેન્ટ: જે ગ્રેચ્યુઈટી સિવાય મળશે અને તે નિવૃત્તિ સમયના માસિક વળતર (પગાર+મોંઘવારી ભથ્થું)નો દસમો હિસ્સો હશે. જેની ગણતરી દર છ મહિનાની પૂર્ણ નોકરી હિસાબે થશે. આ પેમેન્ટથી નિશ્ચિત પેન્શનના પ્રમાણમાં ઘટાડો નહીં થાય. 

    ઉદાહરણ તરીકે જોઈએ તો, એક વ્યક્તિનો અંતિમ મહિનાનો પગાર ₹50,000 હતો. તેમની કુલ 30 વર્ષની નોકરી થઈ છે. હવે લમ્પસમ પેમેન્ટ માટે નોકરીના દર છ મહિના માટે માસિક આવકનો દસમો હિસ્સો ગણવાનો. આ કિસ્સામાં અંતિમ માસિક વળતરના 10 ટકા (50 હજારના) ₹5 હજાર થાય. તેને નોકરીના સંપૂર્ણ સમય સાથે ગણીએ તો 30 વર્ષની નોકરીમાં છ મહિનાના ગાળા કુલ 60 આવે. એટલે કુલ પેમેન્ટ થાય ₹5 હજાર*60= 3 લાખ. આ રકમ ગ્રેચ્યુઈટી અને પેન્શન ઉપરાંત મળશે. 

    (નોંધ- આ ઉદાહરણો માત્ર સમજવા માટે છે. જે રીતે આ રકમો બદલાતી રહે તેમ ગણતરી પણ બદલાશે.)

    કોણ UPSનો લાભ લઇ શકે? 

    કેન્દ્ર સરકારના તમામ કર્મચારીઓ (રાજ્યો લાગુ કરે તો તેમના પણ) UPSનો લાભ લઇ શકશે. જોકે, તેમને NPS અને OPS વચ્ચે પસંદગી કરવાનો વિકલ્પ આપવામાં આવશે. જોકે સરકારનું માનવું છે કે 99% કેસોમાં મોટાભાગના UPS જ પસંદ કરશે, પરંતુ તેમ છતાં કોઈએ NPS જ ચાલુ રાખવું હોય તો તેમના માટે વિકલ્પ ખુલ્લો રાખવામાં આવ્યો છે. 

    UPS 1 એપ્રિલ, 2025થી લાગુ થશે, પરંતુ 2004 બાદ સરકારી નોકરીમાં જોડાયેલા NPS હેઠળ આવતા કર્મચારીઓને પણ લાગુ પડશે. NPS હેઠળ નિવૃત્ત થયા હોય તેમને ઉપાડ રકમ સાથે એડજસ્ટ કરીને એરિયર્સ ચૂકવી દેવામાં આવશે. જ્યારે 2004 પહેલાં જોડાયેલા કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના યથાવત રહેશે. ગણતરી છે કે લાગુ કર્યાના પહેલા વર્ષે ₹80૦ કરોડનાં એરિયર્સ ચૂકવવાં પડશે, જ્યારે પેન્શન માટે તિજોરી પર ₹6,200 કરોડનો બોજ પડશે. 

    OPS, NPS અને UPS

    નવી પેન્શન યોજના વર્ષ 2004માં અટલ બિહારી બાજપાઈની સરકારે લાગુ કરી હતી. તે પહેલાં OPS એટલે જે જૂની પેન્શન યોજના લાગુ હતી. OPSમાં સરકારી કર્મચારીઓને તેમના અંતિમ પગારના 50% પેન્શન આપવામાં આવે છે. ઉપરાંત, તેમાં મોંઘવારી ભથ્થું પણ અપાય છે. આ યોજના હેઠળ કર્મચારીઓ નોકરી દરમિયાન પેન્શનમાં કોઇ ફાળો આપતા ન હતા અને નિવૃત્તિ બાદ પેન્શનનો તમામ ખર્ચ સરકાર જ ભોગવતી હતી. તેમાં કોઇ ટેક્સ પણ લાગતો ન હતો. જેઓ જાન્યુઆરી, 2004 પહેલાં નોકરીમાં જોડાયા છે તેવા સરકારી કર્મચારીઓને આ જૂની પેન્શન યોજના પ્રમાણે લાભ મળશે.

    OPS આમ જોવા જઈએ તો કર્મચારી માટે અત્યંત ફાયદાકારક અને સુરક્ષાવાળી યોજના છે, કારણ કે તેમણે તેમાં કોઇ યોગદાન કરવાનું રહેતું નથી. પરંતુ તેના કારણે સરકાર પર નાણાકીય બોજ અત્યંત વધતો જતો હતો. એટલે NPS લાવવામાં આવી હતી. જોકે, આ નવી પેન્શન યોજના લાવવામાં આવી ત્યારથી જ સતત વિરોધ ચાલતો રહ્યો છે અને દર ચૂંટણીઓમાં OPS ફરી લાગુ કરવાના વાયદા થાય છે તો રાજકીય પક્ષોએ પણ રાજકારણનો એક મુદ્દો બનાવી દીધો છે.

    જૂની પેન્શન યોજનાને ‘ડિફાઇન્ડ બેનિફિટ પેન્શન સિસ્ટમ’ (DBPS) કહેવામાં આવે છે. જ્યારે NPS કહેવાય છે ‘ડિફાઇન્ડ કોન્ટ્રીબ્યુશન પેન્શન સિસ્ટમ (DCPS). OPSમાં બધો ખર્ચ સરકાર ભોગવતી હતી, જ્યારે NPSમાં કર્મચારી અને સરકાર બંને મળીને નોકરી દરમિયાન યોગદાન આપે છે અને અંતે નિવૃત્તિ બાદ કર્મચારીને રકમ મળે છે. જેમાં કર્મચારીનું યોગદાન મૂળ વેતન અને DAના 10% અને સરકારનું યોગદાન 14 ટકા જેટલું હોય છે. NPSની પ્રમુખ જોગવાઈ એક એ છે કે નિવૃત્તિ સમયે 60% ટેક્સ ફ્રી વિડ્રોઅલ મળે છે. બાકીની 40% રકમ પર સેલેરી બ્રેકેટ હિસાબે ટેક્સ લાગે છે. 

    હવે NPS રોકાણની પસંદગીમાં વિકલ્પો આપે છે અને સરકારનો બોજ પણ ઘણે અંશે ઘટાડી દે છે, પણ તેનાથી માર્કેટ રિસ્ક વધી જાય છે અને જેના કારણે પેન્શન આઉટકમ પણ ચોક્કસ રહેતું નથી. બીજું, OPSની જેમ આમાં કોઇ નિશ્ચિત પેન્શન ન હતું, જેના કારણે NPSનો વિરોધ થવા માંડ્યો. અનેક રાજ્યોની સરકારોના કર્મચારીઓ તેનો વિરોધ કરતા રહ્યા હતા. આ બધા વચ્ચે એપ્રિલ, 2023માં એક સમિતિ બનાવાઇ, જેણે આ નવી યુનિફાઇડ પેન્શન યોજના પ્રસ્તાવિત કરી. જેનો મૂળ ઉદ્દેશ્ય સરકારની નાણાકીય નીતિ અને કર્મચારીના લાભ વચ્ચે સામંજસ્ય જાળવી રાખવાનો છે. 

    NPS અને UPSમાં મૂળ ફેર શું છે? 

    હવે UPSમાં કર્મચારીનું યોગદાન (મૂળ પગાર+DAના 10%) યથાવત રહેશે, પણ સરકાર તરફે જે યોગદાન અપાય છે, તે વધીને 18.5% થઈ જશે. બીજું, અહીં એક નિશ્ચિત પેન્શન બંધાશે. એટલે મૂળ ફેરફાર જોઈએ તો UPSમાં OPSની જેમ એક નિશ્ચિત પેન્શન બંધાશે તો બીજી તરફ NPSની જેમ સરકાર-કર્મચારી યોગદાન આપવાનું ચાલુ રાખશે. જોકે, UPSમાં સરકાર થોડું વધુ યોગદાન આપી રહી છે. નિશ્ચિત પેન્શનના કારણે કર્મચારીને એક નાણાકીય સુરક્ષા મળશે. 

    NPSમાં બજારમાં રોકાયેલી રકમ હિસાબે પેન્શન રકમ આપવાની વ્યવસ્થા છે. જ્યારે UPSમાં 10થી 25 વર્ષની નોકરી માટે પેન્શનની રકમ અવધિની પ્રમાણસર ફાળવણીના આધારે નક્કી થશે, જે NPSમાં નથી. ઉપરાંત, NPSમાં ફેમિલી પેન્શનની પણ વ્યવસ્થા નથી, જે UPSમાં છે. જે પણ 60% છે, જે એક સારી રકમ થાય. 

    UPSને મોંઘવારી સૂચકાંક સાથે જોડવામાં આવી છે, જેથી જેમજેમ મોંઘવારી વધશે તેમ પેન્શનનો દર વધતો રહેશે. NPSમાં તેનું નિર્ધારણ માત્ર માર્કેટના આધારે થતું હતું. 

    OPS-UPS વચ્ચે શું ફેર? 

    OPS સાથે જો UPSને સરખાવીએ તો મૂળ ફરક એ જ છે કે OPSમાં ક્યાંય કર્મચારી યોગદાન આપતો નથી, જ્યારે NPSની જેમ UPSમાં સરકાર-કર્મચારી બંને યોગદાન આપશે. ઉપરાંત, OPSમાં મિનિમમ પેન્શનની કોઇ રકમ ન હતી, જ્યારે UPSમાં છે (₹1૦,૦૦૦), જે ઓછી આવક ધરાવનારાઓને ફાયદો પહોંચાડશે. ઉપરાંત, OPSમાં ફેમિલી પેન્શન અપાય છે પરંતુ તેમાં ટકાવારીનો દર જુદો-જુદો રહે છે, પણ તે પણ 60%થી સામાન્ય રીતે ઓછો જ હોય છે, જ્યારે UPSમાં 60% ફેમિલી પેન્શનની જોગવાઈ છે. 

    OPSમાં પણ ફુગાવા પ્રમાણે પેન્શન સમાયોજિત રાખવા માટે મોંઘવારી રાહત અપાય છે અને તે પ્રમાણે DA ચૂકવાય છે, પણ UPS હેઠળ જે વ્યવસ્થા કરવામાં આવી છે તે વધુ ધોરણો અનુસારની છે. ઉપરાંત, UPSમાં સમયે-સમયે થતાં આકલનોના આધારે સરકારના યોગદાનમાં ફેરફાર (સામાન્ય રીતે વધારો જ) થતો રહેશે તે પણ નોંધવા જેવી બાબત છે. 

    ટૂંકમાં જોઈએ તો NPS અને UPS વચ્ચે સરખામણી કરવામાં આવે તો કર્મચારી માટે UPSનો વિકલ્પ વધુ સારો રહેશે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં