તાજેતરમાં જ આસામ પોલીસની સ્પેશિયલ ટાસ્ક ફોર્સે અલ-કાયદા સાથે સંકળાયેલા અને મુખ્યત્ત્વે બાંગ્લાદેશમાં સક્રિય આતંકવાદી સંગઠન અંસારુલ્લા બાંગ્લા ટીમના 8 આતંકવાદીઓની ધરપકડ કરી અને તેમની પૂછપરછ અને તપાસમાં ખુલાસો થયો કે તેઓ પૂર્વોત્તર ભારતનાં સાત રાજ્યોને બાકીના દેશ સાથે જોડતા સિલીગુડી કૉરિડોરને (Siliguri Corridor) ટાર્ગેટ કરવાની ફિરાકમાં હતા. જોકે તેઓ આ ખતરનાક મનસૂબા પાર પાડે તે પહેલાં જ STF અને કુલ ત્રણ રાજ્યોની પોલીસે તેના પર પાણી ફેરવી દીધું. પરંતુ આ ઘટસ્ફોટ થયા બાદ સુરક્ષા એજન્સીઓ વધુ સાબદી થઈ છે. બીજી તરફ સિલીગુડી કૉરિડોરને વધુ સુરક્ષિત કરવા જરૂરી પગલાં ભરવામાં આવી રહ્યાં છે. હવે અહી પ્રશ્ન એ થાય કે આખરે સિલીગુડી કૉરિડોર કે પછી ચિકન નેક (Chicken’s Neck) તરીકે ઓળખાતો આ ભૂભાગનો પટ્ટો શું છે અને મહત્ત્વનો કેમ છે?
‘ચિકન નેક’ તરીકે ઓળખાતો આ સિલીગુડી કૉરિડોર નોર્થ-ઇસ્ટ એટલે કે પૂર્વોત્તર ભારતનો એક અતિમહત્ત્વપૂર્ણ ભાગ છે. નેપાળ, ભૂતાન અને બાંગ્લાદેશ એમ ત્રણ દેશો સાથે સીમાડા વહેંચતો આ પટ્ટો ચીનથી સાવ નજીક હોવાના કારણે તેનું મહત્ત્વ અનેકગણું વધી જાય. આ ભાગ પૂર્વોત્તર ભારતનાં 7 રાજ્યોને ભારત સાથે જોડવાનું કામ કરે છે. એટલે તમારે પૂર્વોત્તર જવું હોય કે પૂર્વોત્તરથી આ તરફ આવવું હોય તો સડકમાર્ગે આ એક જ રસ્તો છે.
સિલીગુડી કૉરિડોર ક્યારે આવ્યો અસ્તિત્વમાં
આ કૉરિડોર પશ્ચિમ બંગાળના સિલીગુડી શહેરમાંથી પસાર થાય છે. ભારતના નકશામાં સંકડા ગલિયારા જેવો દેખાતો ધરતીનો આ ટુકડો 60 કિલોમીટર લાંબો અને માત્ર 22 કિલોમીટર પહોળો છે. આ પટ્ટાની બે બાજુએ નેપાળ અને બાંગ્લાદેશ અને ઉત્તરી કિનારા પર ભૂતાન આવેલા છે અને આમ તે ત્રણ દેશોની સીમાને એક સાથે વહેંચે છે. તે પૂર્વોત્તરના અરુણાચલ પ્રદેશ, આસામ, નાગાલેન્ડ, મેઘાલય, મણિપુર, ત્રિપુરા અને મિઝોરમ (જેમને ‘સેવન સિસ્ટર્સ’થી પણ ઓળખવામાં આવે છે) એમ સાત રાજ્યોને ભારત સાથે જોડવાનું કામ કરે છે. તેના અસ્તિત્વની વાત કરીએ તો બંગાળના વિભાજન બાદ એટલે કે 1947માં તે અસ્તિત્વમાં આવ્યો. 1975માં જ્યારે સિક્કિમ વિલીન થયું તે પહેલાં આ કૉરિડોરનો ઉત્તરનો ભાગ સિક્કિમ રજવાડાનો ભાગ હતો. વિલીનીકરણ બાદ તેના ઉત્તરી ભાગમાં ભારતની રક્ષાત્મક સ્થિતિને મજબૂતી મળી અને ચીનની ચુંબી ઘાટીના પશ્ચિમી કિનારે પણ ભારતનું નિયંત્રણ મજબૂત બન્યું.
સિલીગુડી કૉરિડોરનું ભૌગોલિક મહત્ત્વ
સિલીગુડી કૉરિડોર ભારતના પૂર્વોત્તર ભાગ અને તેમાં આવેલાં સાતેય રાજ્યો માટે એક પુલ કે સાંકળનું કામ કરે છે. પૂર્વોત્તર સાથે દેશને જોડતો આ એક માત્ર ભૂભાગ હોવાના કારણે તેનું મહત્ત્વ ખૂબ વધી જાય છે. એવું કહી શકાય કે ભારત માટે પૂર્વોત્તર રાજ્યોમાં પ્રવેશ માટે આ મુખ અને એકમાત્ર પ્રવેશ દ્વાર છે. દક્ષિણ અને પશ્ચિમમાં બાંગ્લાદેશ અને ઉત્તરમાં ચીનનું અસ્તિત્વ કોરિડોરના મહત્વને વધારી દે છે. ભારત અને ચીન વચ્ચે વર્ષ 2017માં ઉદભવેલા ડોકલામ વિવાદમાં એક મુદ્દો સિલીગુડી કૉરિડોર પણ હતો. ચીન અહીં લાંબા સમયથી કબજો જમાવવાની ફિરાકમાં છે. ચીન ભૂતાનની ઓથ લઈને અહીં સુધી એક રોડ તૈયાર કરવા માંગતું હતું. જો ચીન તેમ કરવામાં સફળ થાય તો પૂર્વોત્તરના રાજ્યો માટે ખોબ મોટું જોખમ ઉભું થઈ જાય.
એટલા મહત્ત્વપૂર્ણ ભૂભાગ હોવાના કારણે તેની સુરક્ષા પણ એટલી જ અગત્યની બની જાય છે. અહીં ભારતીય સેના, આસામ રાયફલ્સ, બોર્ડર સિક્યુરિટી ફોર્સ, પશ્ચિમ બંગાળ પોલીસ અને SSBના જવાનો 24 કલાક ખડેપગે રહીને ભારતની સીમાઓનું રક્ષણ કરે છે.
સિલીગુડી કૉરિડોરનું આર્થિક મહત્ત્વ
સિલીગુડી કૉરિડોર આર્થિક રીતે પણ ભારત માટે એક મહત્વની કડી છે. ભારતના પૂર્વોત્તર ભાગનાં સાતેય રાજ્યોમાં 5 કરોડથી વધુની વસ્તી છે. અર્થવ્યવસ્થાની દ્રષ્ટિએ સિલીગુડી કૉરિડોર ઉત્તર-પૂર્વીય રાજ્યો અને ભારતના અન્ય ભાગમાં વેપાર માટે એક મહત્વપૂર્ણ પટ્ટો છે. પૂર્વોત્તર સાથે ભારતને જોડતી એક માત્ર રેલવેલાઈન પણ અહીંથી જ પસાર થાય છે. દાર્જીલિંગ કે આસામની ચા હોય, ઈમારતી લાકડું હોય કે અન્ય મહત્વપૂર્ણ સંસાધનો, આ કૉરિડોર મારફતે જ ભારતના અન્ય ભાગમાં પહોંચી શકે છે. LACથી સાવ નજીક રોડ અને રેલવે એમ બંને સિલીગુડી કૉરિડોર સાથે જોડાયેલા છે. આ કોરિડોર મારફતે જીવન જરૂરિયાતની વસ્તુઓ પૂર્વોત્તરમાં અને પૂર્વોત્તરથી દેશભરમાં આવી-જઈ શકે છે. માત્ર ભારત વચ્ચે જ નહીં, સિલીગુડી કૉરિડોર દક્ષિણ-પૂર્વીય એશિયન દેશો વચ્ચે ભારતની ‘એક્ટ ઇસ્ટ પોલિસી વધુ મજબૂત કરવામાં માઈલસ્ટોન સાબિત થયો છે.
સિલીગુડી કૉરિડોર ‘ચિકન નેક’ શા માટે કહેવાય છે?
સામાન્ય રીતે ‘ચિકન નેક’ એટલે ગુજરાતીમાં કહીએ તો મરઘાની ગરદન. આ શબ્દ કોઈ પણ દેશના સામરિક રૂપે અત્યંત મહત્ત્વના વિસ્તારને દર્શાવે છે. આ વિસ્તાર ભૌગોલિક કે સર્ચનાત્મક રૂપે ખૂબ જ સંવેદનશીલ અને અત્યંત મહત્વપૂર્ણ હોય છે. સિલીગુડી કૉરિડોર પણ આવી જ સ્થિતિ સાથે ભારત સાથે જોડાયેલો છે માટે તેને ચિકન નેક કહેવાય છે. તેને આમ કહેવા પાછળનું બીજું એક કારણ એમ પણ છે કે નકશા પર જોતા તે ભૂભાગનો આકાર ઉભા મરઘા જેવો લાગે છે અને આ ભાગ બરાબર તે મરઘાની ગરદનના ભાગે આવેલો છે, આથી પણ તેને ચિકન નેક કહેવામાં આવે છે.
યુદ્ધના સમયે ભજવી શકે છે મહત્ત્વપૂર્ણ ભાગ
પોતાની આગવી ભૌગોલિક પરિસ્થિતિના કારણે સિલીગુડી કૉરિડોર યુદ્ધ જેવી કપરી સ્થિતિમાં ભારત માટે ખૂબ જ મહત્વનો સાબિત થઇ શકે છે. વિસમ સ્થિતિમાં અહીંથી સેના પોતાના જવાનો અને હથિયારોને સરળતાથી પૂર્વોત્તરના સીમાડાઓ સુધી પહોંચાડી શકે છે. ખાસ કરીને ચીન, બાંગ્લાદેશ અને મ્યાનમારની સીમાઓ પર સેનાની મૂવમેન્ટ અને સેનાના જવાનો માટેના સંસાધનો સિલીગુડી કૉરિડોરથી જ પહોંચી શકે છે. અહીંનો એક માત્ર રેલવે ટ્રેક અને રોડ ભારતીય સેના માટે જીવાદોરી સમાન છે.
વર્તમાન સમયમાં ભારતના મોટાભાગના પાડોશી દેશ ચીનના દેવા હેઠળ કચડાયેલા છે. રોકાણના નામે તેમની પાસેથી રાજનૈતિક દુરુપયોગ કરવાની ચીનની નીતિ આજે જગજાહેર છે. તેવામાં ભારતના પૂર્વોત્તર સાથે સીમાઓ વહેંચતા દેશોનો પોતાનો અને આડકતરી રીતે ચીનનો ડોળો ભારત પર સળવળે તો સિલીગુડી કૉરિડોર એક માત્ર એવો ભૂભાગ છે જેની મદદથી ભારત તે તમામને જડબાતોડ જવાબ આપી શકે. અને આ જ કારણે ચીન વર્ષોથી સિલીગુડી કૉરિડોર પર નજર નાખીને બેઠું છે.
સિલીગુડી કૉરિડોરની વર્તમાન સ્થિતિ અને પડકારો
ત્રણ દેશો સાથે બોર્ડર વહેંચવા પર અને ચીન જેવા દેશોથી સાવ નજીક હોવાના કારણે સિલીગુડી કૉરિડોર કેટલો સંવેદનશીલ છે તે તો સમજી લીધું, હવે એક નજર તેની વર્તમાન સ્થિતિ પર પણ કરી લઈએ. ઉપર જણાવ્યા અનુસાર આ કૉરિડોર પૂર્વોત્તરને ભારત સાથે જોડતો એક માત્ર દ્વાર છે, ત્યારે આ દ્વારનો ઉપયોગ ભારતમાં અશાંતિ ફેલાવવા માટે પણ થઈ રહ્યો છે. તાજેતરની આતંકવાદી હલચલ તેનું એક મોટું ઉદાહરણ છે. દક્ષિણ-પૂર્વ એશિયાઈ દેશો સાથે વેપારમાં આ કૉરિડોર જેટલો ઉપયોગી તો છે, પરંતુ તેનાથી સુરક્ષા જોખમમાં પણ મૂકાય છે. મ્યાનમાર, થાઇલેન્ડ, લાઓસ જેવા ડ્રગ્સ સહિતની ગુનાખોરી માટે કુખ્યાત દેશો માટે પણ સિલીગુડી કૉરિડોર તસ્કરીનો માર્ગ છે. અહીંથી તેઓ ત્રિપુરા, મિઝોરમ, નાગાલેંડ, અરુણાચલ પ્રદેશમાં ડ્રગ્સ પહોંચાડવા પ્રયત્નશીલ રહેતા હોય છે.
જોકે ભારતીય સુરક્ષા દળોની બાજનજરથી બચવું તેમના માટે અશક્ય થઈ પડે છે અને મોટાભાગના તસ્કરીના કેસોને ઉગતા જ ડામી દેવામાં આવે છે. સાથેસાથે દેશમાં ગેરકાયદેસર ઘૂસણખોરી માટે પણ આ પટ્ટો એક સમયે કુખ્યાત હતો. ભારતીય સેના અને અન્ય સુરક્ષા એજન્સીઓએ તેના પર પણ સારું એવું નિયંત્રણ લાદી દીધું છે. ભૂતાન નજીક હોવાના કારણે ચીન પણ અહીં નાની-મોટી હરકતો કરવા તત્પર રહેતું હોય છે, પણ ઉપર જણાવ્યું એમ ભારતીય સુરક્ષાદળોનું આ ચક્રવ્યૂહ ભેદવું એ લોઢાના ચણા ચાવવા જેવી વાત છે.
વિદેશી જ નહીં, ભારતમાં પણ થઈ ચૂકી છે ચિકન નેક કાપવાની વાતો, એ પણ આંદોલનની આડમાં!
2019-20નાં તથાકથિત CAAવિરોધી આંદોલનમાં શરજીલ ઇમામ નામના એક કથિત વિદ્યાર્થી નેતાએ મુસ્લિમોને ભેગા કરીને એક અતિ ઝેરીલું ભાષણ આપ્યું હતું. તેમાં તેણે મુસ્લિમોને ભેગા થઈને આ ચિકન નેક પર કબજો મેળવી લેવાનું આહવાન કર્યું હતું. હાલ આ ઇસમ દિલ્હીની તિહાડ જેલમાં હવા ખાઈ રહ્યો છે.
શરજીલે સિલીગુડી કૉરિડોર કાપીને પૂર્વોત્તર ભારતને દેશથી અલગ પાડી દેવાની વાત કરી હતી. એક ભાષણમાં તેણે કહ્યું હતું કે,, “હવે સમય આવી ગયો છે કે આપણે બિન-મુસ્લિમોને કહીએ કે આપણી શરતોને આધીન ચાલે. જો આપણી પાસે 5 લાખ લોકો આવે તો આપણે નોર્થ-ઇસ્ટ અને હિન્દુસ્તાનને કાયમ માટે કાપીને અલગ કરી શકીએ છીએ. કાયમી નહીં, તો આપણે એકાદ મહિના માટે તો આસામને દેશથી વિખૂટું પાડી જ શકીએ.”
તેણે સિલીગુડી કૉરિડોરનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે, “આસામને કાપવાની જવાબદારી આપણી છે. જો આસામ અને ભારત કપાઈ જશે તો જ તેઓ (ભારત સરકાર) આપણી વાત સાંભળશે. તમને ખબર છે કે આસામમાં મુસ્લિમોની હાલત શું છે? ત્યાં CAA-NRC લાગુ કરવામાં આવ્યું છે. કત્લેઆમ ચલાવવામાં આવી રહી છે. 6-8 મહિનામાં આપણને ખબર પડી જશે કે ત્યાં બધા બંગાળીઓને મારી નાખવામાં આવ્યા છે, પછી ભલે તે હિંદુ હોય કે મુસ્લિમ. જો આપણે આસામની મદદ કરવી હોય તો આપણે સેના માટે આસામનો રસ્તો રોકવો પડશે અને જે પણ પુરવઠો આવી રહ્યો છે તેને રોકવો પડશે. આમ કરવું આપણા માટે એટલે શક્ય છે કે, ‘ચિકન નેક’ નામનો વિસ્તાર મુસ્લિમ બહુમતી ધરાવતો વિસ્તાર છે.”