20 ડિસેમ્બરના રોજ તમિલનાડુના (Tamil Nadu) થૂથુકુડી ખાતે વિરોધ પ્રદર્શનો થયાં, જેમાં વેદાંતાના સ્ટર્લાઈટ કોપર પ્લાન્ટને (Copper Plant) ફરીથી ખોલવાની માંગ કરવામાં આવી હતી. આ પ્લાન્ટ તમિલનાડુ સરકારના આદેશ પર બંધ કરવામાં આવ્યો હતો અને સરકારના આ નિર્ણયને પછીથી કોર્ટે પણ બહાલ રાખ્યો હતો. ઇન્ડિયન નેશનલ ટ્રેડ યુનિયન કોંગ્રેસે (INTUC) અન્ય બંધ પડી ગયેલા ઉદ્યોગોની સાથે કોપર પ્લાન્ટને પણ ફરી શરૂ કરવા અને આ વિસ્તારમાં લોકોને બેરોજગારીમાંથી રાહત આપવાની માંગ સાથે ફરી એક વખત વિરોધનો ઝંડો ઉપાડ્યો છે અને તેની સાથે મામલો ફરી રાષ્ટ્રીય સ્તરે ચર્ચામાં આવ્યો છે.
તમિલનાડુના સ્ટર્લાઈટ કોપર પ્લાન્ટને બંધ કરાવવાના નિર્ણયના કારણે 1500થી વધુ પ્રત્યક્ષ સહિત 40,000થી વધુ લોકોને નોકરીઓ તો ખતમ થઈ જ ગઈ છે, પરંતુ તથાકથિત પ્રદૂષણના બહાને બંધ થયેલા આ પ્લાન્ટની અસર ભારતની અર્થવ્યવસ્થા પર પણ પડી છે. કોર્ટના એક જ આદેશ પર એક ઝાટકે ભારત કોપરની આયાત કરનારો દેશ બની ગયો, જ્યારે વર્ષ 2018માં પ્લાન્ટ બંધ થયો તે પહેલાં દેશ કોપર જેવી ધાતુની નિકાસ કરનારો દેશ હતો.
સ્ટર્લાઈટ કોપર પ્લાન્ટ બંધ થવાથી દેશ પર માઠી અસર
તમિલનાડુના સ્ટર્લાઈટ કોપર પ્લાન્ટને બંધ કરવાથી દેશના તાંબાના વેપાર પર એટલી વ્યાપક અસર પડી હતી કે 2017-2018માં જે દેશ કોપર કેથોડ્સના ટોચના પાંચ નિકાસકારોમાંનો હતો એ 2018-2019થી આયાત કરતો દેશ બની ગયો છે. સ્ટર્લાઈટ કોપર પ્લાન્ટ દેશમાં ખપતનું 38% કોપર પૂરું પાડતો હતો.
આ પ્લાન્ટ બંધ થવાથી સૌથી મોટો ફાયદો ચીનને થયો. વર્તમાનમાં ચીન તાંબાનો પ્રમુખ ઉત્પાદક અને નિર્યાતક છે. આ એક ઘટનાના કારણે ભારતના આત્મનિર્ભરતાના અભિયાન પર પણ મોટી અસર પડી છે. તેની પાછળ મોટું કારણ એ છે કે ઓટોમોબાઈલ, ઇલેક્ટ્રિકલ્સ અને ઇલેક્ટ્રોનિકથી લઈને સામાન્ય લોકોના રસોડા સુધી.. કોપરનો ઉપયોગ બહુ વ્યાપક પ્રમાણમાં થાય છે.
ભવિષ્યમાં પરિસ્થિતિ વધુ વણસવાની આશંકાઓ સેવાઈ રહી છે, કારણ કે કોપરનો ઉપયોગ કરતા અનેક ઉદ્યોગોમાં ઝડપી વૃદ્ધિને કારણે કોપરની માગ વધવાની છે. એક અંદાજ મુજબ તાંબાની માગ વાર્ષિક ધોરણે 9.3 ટકાથી વધુ વધીને 2030 સુધીમાં 2.5-3.5 મિલિયન મેટ્રિક ટનની આસપાસ પહોંચી જશે. જે ઉદ્યોગો પુનઃપ્રાપ્ય ઊર્જા, ઇલેક્ટ્રિક વાહનો, પાવર ગ્રિડ વિસ્તરણ વગેરે સાથે સંકળાયેલા છે તેમાં માંગ હજુ વધશે.
આગામી સમયમાં વધશે કોપરની માંગ
મોદી સરકાર દ્વારા સૌર ઊર્જા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે તેના ભાગરૂપે ભારતને સૌર અને પવન ઊર્જા માટે 2030 સુધીમાં લગભગ 15 લાખ ટન કોપરની જરૂર પડશે. વીજળીના ઉત્પાદન અને સંચરણમાં તાંબુ આવશ્યક ધાતુ છે કારણ કે તેનો ઉપયોગ અલ્ટરનેટર અને ટ્રાન્સફોર્મર જેવાં ઉપકરણોમાં થાય છે. તે સૌર ફોટોવોલ્ટેઇક પેનલ્સ પર ઉપયોગમાં લેવાતી પણ એક આવશ્યક ધાતુ છે.
તેમાં કોઈ શંકાને સ્થાન નથી કે વિશ્વ ઇલેક્ટ્રિક વાહનોના યુગ તરફ આગળ વધી રહ્યું છે અને ભારત પણ તેમાં અપવાદ નહીં રહે. ઇલેક્ટ્રિક મોટર્સને મોટી માત્રામાં તાંબાની જરૂર પડે છે અને તેથી આ ક્ષેત્રમાં તાંબાની બહુ જ મોટી માંગ રહેશે. એક EVકારમાં ઓછામાં-ઓછું 83 કિલો તાંબુ હોય છે, જ્યારે ઇવી બસમાં 224 કિલો તાંબાનો ઉપયોગ કરે છે. હવે વર્ષ 2030 સુધીમાં સરકાર ઈવીની સંખ્યા 30% સુધી લઈ જવા માંગે છે. આ સંજોગોમાં કોપરની માંગ વધશે જ તેમાં કોઈ શંકા નથી.
આ ઉપરાંત સ્માર્ટ સિટી પ્રોજેક્ટ જેવી પહેલની સાથે દેશમાં ઝડપી શહેરીકરણ થવાથી વીજળી અને વિવિધ સાધનોના વધતા ઉપયોગને કારણે પણ તાંબાની માગમાં વધારો થશે. ભારત 2030 સુધીમાં તેના પાવર ગ્રિડમાં 20 ટકાનો વધારો કરશે અને ઉચ્ચ કાર્યક્ષમતાવાળા ટ્રાન્સમિશનમાં કોપરની ભૂમિકા નિર્ણાયક હોય છે. એવો અંદાજ છે કે 2030 સુધીમાં ઇલેક્ટ્રિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં કોપરની માંગ 1.8-2 મિલિયન ટન સુધી પહોંચી જશે.
નિકાસકારમાંથી આયાતકાર બન્યું ભારત
એકંદરે ભારતનો માથાદીઠ તાંબાનો વપરાશ જે હમણાં 1 કિલો છે તે 2047 સુધીમાં માથાદીઠ 3.2 કિલો સુધી પહોંચી જશે. એક અંદાજ મુજબ, ભારતને દર 4 વર્ષે એક નવા કોપર સ્મેલ્ટરની જરૂર પડે છે અને સ્ટર્લાઈટ પ્લાન્ટ જેવા પ્લાન્ટને ફરી ધમધમતા કરવા તે સમયની તાતી જરૂરિયાત અને વ્યાજબી માંગ છે.
આ પ્લાન્ટ બંધ થવાથી ભારતના તાંબાના ઉત્પાદનમાં શૂન્યાવકાશ સર્જાયો હતો અને રાષ્ટ્રને નિકાસકારમાંથી તાંબાના આયાતકારમાં તબદીલ કરી દીધો હતો. આ પ્લાન્ટ બંધ થયો તે પહેલાં ભારતે તેના તાંબાના ઉત્પાદનનો લગભગ 50 ટકા હિસ્સો નિકાસ કરવો પડતો હતો. સ્ટર્લાઈટ પ્લાન્ટ બંધ થતાંની સાથે જ ભારતની કોપરની નિકાસમાં 70 ટકાનો ઘટાડો થયો છે. ઉદાહરણ તરીકે જોઈએ તો 2018-2019માં નિર્યાતમાં 90% ઘટાડો થયો, જે પાછલા વર્ષના 378,000 ટનથી ઘટીને માત્ર 48,000 પર પહોંચી ગયો હતો. CUTS ઇન્ટરનેશનલના એક રિપોર્ટ મુજબ સ્ટર્લાઈટ પ્લાન્ટ બંધ થવાથી ભારતને ₹14,749 કરોડનું નુકસાન થયું હતું, જેની માઠી અસર અર્થતંત્ર અને તાંબાના પુરવઠા પર પડી હતી.
તાંબાનું ઉત્પાદન ઊંચું વળતર આપતું રોકાણ છે, જેમાં રોકાણ પર લગભગ 400 ટકા વળતર મળે છે. તેથી સ્થાનિક તાંબાનું ઉત્પાદન અર્થતંત્ર માટે મોટાપાયે વેગ આપી શકે છે. બીજી તરફ, તાંબાની આયાત કરવાનો અર્થ એ છે કે વેદાંતા પ્લાન્ટના બંધ થવાના કારણે સર્જાયેલી ખોટની ભરપાઈ કરવા માટે ભારતને અન્ય દેશો પર નિર્ભર થવું પડે. જેનાથી ભારતનું અર્થતંત્ર નબળું અને નિકાસ કરતા દેશનું અર્થતંત્ર મજબૂર બને છે.
ભારતના નુકસાનનો સૌથી મોટો ફાયદો ચીનને, પાકિસ્તાન પણ લાભાર્થીઓમાં
સ્થાનિક તાંબાની માગને પહોંચી વળવા ભારતની તાંબાની આયાતમાં મોટા માર્જિનનો વધારો થયો છે, જેમાં મોટાભાગની આયાત ચીનથી જ થાય છે. જેના કારણે ભારતમાં ચીનની તાંબાની નિકાસ બમણી થઈ ગઈ છે. આ નિકાસ વ્યવહાર 2023માં 340.12 મિલિયન ડોલરનો હતો. ભારતે 2023-24માં 3,63,000 ટન રિફાઇન્ડ કોપર સાથે 300 હજાર ટનથી વધુ કોપરની આયાત કરી હતી. માત્ર 2 વર્ષમાં આ આયાતમાં 13 ટકાનો વધારો થયો છે.
તાંબાના મોટા નિકાસકાર તરીકે ભારત ચિત્રની બહાર હોવાથી વૈશ્વિક સ્તરે તાંબાનો પુરવઠો ઓછો થઈ ગયો છે. આને કારણે ચીની કંપનીઓ તેમના મજબૂત ઉત્પાદન અને ભઠ્ઠાઓના સામાન્ય માળખા સાથે પણ વધુ સારી કિંમતો અને શરતો મુજબ ડિલ કરી રહી છે.
ઉત્પાદન ક્ષેત્રમાં પ્રભુત્વને કારણે ચીન તાંબાનો મોટો વપરાશકાર દેશ બની રહ્યો છે અને ચીનને નિકાસમાં ભારતનું સ્થાન લેવાથી અન્ય દેશોએ તેનો ફાયદો ઉઠાવ્યો છે. આ ફાયદો ઉઠાવનાર દેશોમાં પાકિસ્તાનનો પણ સમાવેશ થાય છે જેણે હવે ભારતનું સ્થાન લઇ લીધું છે. ચીનમાં તેની તાંબાની નિકાસ 2023માં આશરે 752 મિલિયન ડોલરની હતી.
અન્ય એક મોટો દેશ લાભાર્થી સાઉદી અરેબિયા છે, કારણ કે વેદાંતા જૂથે દેશના મોટા કોપર પ્રોજેક્ટ્સમાં 2 અબજ ડોલરનું રોકાણ કરવા માટે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે. સુપ્રીમ કોર્ટે થૂથુકુડી પ્લાન્ટને ફરીથી શરૂ કરવાની તેની અરજીઓને વારંવાર નકારી કાઢ્યા બાદ કંપનીએ આ નિર્ણય લીધો હતો. કંપની 400 KTPA ગ્રીનફિલ્ડ કોપર સ્મેલ્ટર અને રિફાઇનરી અને 300 KTPA કોપર રોડ પ્રોજેક્ટ ખોલવાની યોજના ધરાવે છે. વેદાંતાના રોકાણથી સાઉદી અરબના જીડીપીમાં $19 બિલીયનનું યોગદાન મળવાની આશા છે.
ભારતથી સાઉદી અરેબિયામાં રોકાણનું આ સ્થળાંતર તૂતીકોરિન અને ભારત માટે એક આંચકો છે. પ્રદૂષણ નિયંત્રણનાં પર્યાપ્ત પગલાં સાથે પ્લાન્ટ ચાલુ રાખવાથી સ્થાનિક અર્થતંત્રને વેગ મળ્યો હોત તો નવી રોજગારીનું સર્જન થયું હોત અને તમિલનાડુમાં માળખાગત વિકાસને વેગ મળ્યો હોત.
આ આખા ઘટનાક્રમમાં વિદેશી તાકાતોનો પણ હાથ
શરૂઆતથી જ આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે તમિલનાડુના સ્ટર્લાઈટ કોપર પ્લાન્ટને બંધ કરાવવા માટેના વિરોધ પ્રદર્શનને વિદેશી ભંડોળ પૂરું પાડવામાં આવ્યું હતું. આ પ્રકારના આરોપ ગયા વર્ષે તમિલનાડુના રાજ્યપાલ આર એન રવિએ પણ લગાવ્યો હતો. એવો પણ આરોપ મૂકવામાં આવ્યો છે કે ભારતીય તાંબાની આયાતમાં આર્થિક રસ ધરાવતી ચીની કંપનીઓનો હાથ આ વિરોધ પ્રદર્શન પાછળ હતો જેના કારણે પ્લાન્ટ બંધ કરી દેવામાં આવ્યો. વેદાંતા લિમિટેડે મદ્રાસ હાઈકોર્ટને જણાવ્યું હતું કે, ચીની કંપનીઓએ સ્ટર્લાઈટ સામેના આંદોલનો અને વિરોધપ્રદર્શનોને પ્રોત્સાહન આપ્યું હતું અને ભંડોળ પૂરું પાડ્યું હતું.
એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે સ્ટર્લાઈટ કોપર પ્લાન્ટ સામેના વિરોધનું નેતૃત્વ કરનારી એનજીઓએ તેમના એફસીઆરએ રજિસ્ટ્રેશન રદ થયા પછી પણ વિદેશી ભંડોળ સ્વીકારવાનું ચાલુ રાખીને ફોરેન કોન્ટ્રિબ્યુશન રેગ્યુલેશન એક્ટનો (FCRA) ભંગ કર્યો હતો. તેમાં ચર્ચ જૂથો તૂતીકોરિન ડાયોસેસન એસોસિયેશન, તૂતીકોરિન મલ્ટિપર્પઝ સોશિયલ સર્વિસ સોસાયટી અને એક્ટિવીસ્ટ મોહન સી. લાજરસ અને હેનરી ટિફાગ્નેનો સમાવેશ થાય છે.
ગુપ્તચર એજન્સીઓ તરફથી મળેલા અહેવાલોના આધારે સંસ્થાનું FCRA રજિસ્ટ્રેશન 2015માં રદ કરવામાં આવ્યું હતું. તેમનાં બેંક ખાતાં પણ ફ્રીઝ કરી દેવામાં આવ્યાં હતાં. જોકે તેમ છતાં તેમણે કાયદાનું ઉલ્લંઘન કરીને વિદેશી ભંડોળ લેવાનું ચાલુ રાખ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.