Tuesday, September 17, 2024
More
    હોમપેજદુનિયાઝિબ્રા, હાથી વગેરે 700+ પ્રાણીઓને મારીને નાગરિકોના પેટનો ખાડો પૂરશે નામીબિયા, ભયંકર...

    ઝિબ્રા, હાથી વગેરે 700+ પ્રાણીઓને મારીને નાગરિકોના પેટનો ખાડો પૂરશે નામીબિયા, ભયંકર દુકાળ વચ્ચે સરકારનો નિર્ણય: વિગતે વાંચો કેમ સર્જાઇ આવી સ્થિતિ

    નિર્ણયના બચાવમાં નામીબિયાના મંત્રાલયે કહ્યું કે, ‘અમારી બંધારણીય જવાબદારીઓને જોતાં આ કાર્યવાહી જરૂરી છે, જેમાં નામીબિયન નાગરિકોના લાભ માટે કુદરતી સ્ત્રોતોનો ઉપયોગ કરવામાં આવશે.

    - Advertisement -

    આફ્રિકન દેશ નામીબિયામાં આ વર્ષે એવો ભયંકર દુકાળ પડ્યો છે કે લોકો પાસે હવે ભોજન માટે કશું રહ્યું નથી અને લાખો લોકો અસરગ્રસ્ત થયા છે. સરકારી કોઠાર પણ ખાલી થઈ ગયા છે અને પ્રજા ટળવળી રહી છે. અંતિમ ઉપાય તરીકે હવે ત્યાંની સરકારે જંગલી જાનવરોને મારવાના આદેશ આપ્યા છે, જેમનું માંસ લોકોમાં વહેંચીને જઠરાગ્નિ ઠારવામાં આવશે. આ જાનવરોમાં ઝિબ્રાથી માંડીને હિપ્પોપોટેમસ અને હાથીઓનો પણ સમાવેશ થાય છે. 

    નામીબિયાની સરકારે આ માટે આધિકારિક જાહેરાત કરી છે. સોમવારે ત્યાંના પર્યાવરણ, વન અને પ્રવાસન મંત્રાલયે ઘોષણા કરીને જણાવ્યું હતું કે, કુલ 723 પ્રાણીઓનું માંસ ‘દુકાળ રાહત કાર્યક્રમ’ના ભાગરૂપે દેશના અલગ-અલગ ભાગોમાં વહેંચવામાં આવશે. આ પગલું દેશમાં વધી રહેલા ભૂખમરાને ડામવા માટે લેવામાં આવી રહ્યું છે. 

    કુલ 723 પ્રાણીઓને મરાશે 

    જાણકારી આપતાં જણાવવામાં આવ્યું કે, કુલ 723 પ્રાણીઓમાં 30 હિપ્પો, 60 ભેંસ, 50 ઈમ્પાલ (આફ્રિકાનું નાનું હરણ), 100 વિલ્ડરબિસ્ટ (આફ્રિકન હરણની એક જાત), 30 ઝિબ્રા, 83 હાથીઓ અને 100 સાબરોનો સમાવેશ થાય છે. પ્રેસ રિલીઝમાં જણાવવામાં આવ્યું કે, આ પ્રાણીઓને નેશનલ પાર્ક અને અન્ય વિસ્તારોમાંથી પસંદ કરવામાં આવશે. નોંધવું જોઈએ કે અત્યાર સુધીમાં 150 પ્રાણીઓને મારી નાખવામાં આવ્યાં છે અને તેમાંથી 63 ટન માંસ વહેંચવામાં આવ્યું હતું. 

    - Advertisement -

    આ નિર્ણયના બચાવમાં નામીબિયાના મંત્રાલયે કહ્યું કે, ‘અમારી બંધારણીય જવાબદારીઓને જોતાં આ કાર્યવાહી જરૂરી છે, જેમાં નામીબિયન નાગરિકોના લાભ માટે કુદરતી સ્ત્રોતોનો ઉપયોગ કરવામાં આવશે. આગળ કહેવામાં આવ્યું કે, પ્રાણીઓને મારવાની પ્રક્રિયા તાલીમબદ્ધ શિકારીઓ અને સફારી આઉટફાઇટર્સ દ્વારા હાથ ધરવામાં આવશે, જેઓ મંત્રાલયની દેખરેખ હેઠળ કામ કરશે. 

    ઉલ્લેખનીય છે કે નામીબિયા જે કરવા જઈ રહ્યું છે તેને અંગ્રેજીમાં ‘કલિંગ’ (Culling) કહેવાય છે. તેમાં પ્રાણીઓની સંખ્યા ઘટાડવા માટે (કે આવા બીજા કોઇ કારણો માટે) તેમનાં જાતિસમૂહોમાંથી અમુક પ્રાણીઓને પસંદ કરીને મારી નાખવામાં આવે છે. ખાસ કરીને જેઓ અન્યો કરતાં નબળાં હોય તેને જ પસંદ કરાય છે. 

    કેમ સર્જાઇ આવી પરિસ્થિતિ? 

    આમ તો નામીબિયામાં અગાઉ પણ દુકાળની પરિસ્થિતિ સર્જાઇ છે. 2013, 2016 અને 2019માં પણ દુકાળના કારણે રાષ્ટ્રીય કટોકટી જાહેર કરવામાં આવી હતી. પણ હાલ સ્થિતિ વધુ વિકટ છે અને દુકાળનું સ્વરૂપ પણ વધુ વિકરાળ અને ભીષણ છે. કહેવાય છે કે છેલ્લાં સેંકડો વર્ષમાં આવી પરિસ્થિતિ સર્જાઈ ન હતી, જે હાલત હમણાં છે. દુકાળ ઑક્ટોબર, 2023માં બોત્સવાનામાં શરૂ થયો હતો અને પછી અંગોલા, ઝામ્બિયા, ઝિમ્બાબ્વે અને નામીબિયા સુધી પ્રસર્યો અને આજે દક્ષિણ આફ્રિકન ભાગમાં સ્થિતિ દયનીય છે. 

    સંશોધનો અને અભ્યાસ જણાવે છે કે ક્લાઈમેટ ચેન્જના કારણે જેમ તાપમાન વધે છે તેમ દુકાળ અને પૂર જેવી કુદરતી આફતો પણ વધી રહી છે. બીજું, ‘El Niño’ નામની એક પુષ્કળ ગરમી અને દુકાળ સાથે સંકળાયેલી એક હવામાન પેટર્ન છે. આ ઈવેન્ટ સાત વર્ષ બાદ 2023માં સર્જાઈ, જેના કારણે સમગ્ર વિસ્તારમાં તાપમાન વધી ગયું અને વરસાદ બહુ ઓછો પડ્યો. તેના કારણે જમીનમાં ભેજ ઓછો થવા માંડ્યો અને વનસ્પતિને પણ અસર થઈ. પરિણામ જે આવ્યું તે હવે દુનિયાની સામે છે. 

    નામીબિયામાં વધુ અસર એટલા માટે થઈ કારણ કે આમ પણ જુલાઈથી સપ્ટેમ્બર સુધી ખોરાકની થોડીઘણી તંગી જોવા મળે છે. આ વખતે દુકાળના કારણે સ્થિતિ વધુ બગડી. મકાઈ જેવા મુખ્ય પાકો સદંતર સૂકાઈ ગયા છે તો પશુધન પણ મૃત્યુ પામ્યાં છે. દેશનો લગભગ 84% અનાજ ભંડાર ખાલી થઈ ગયો છે. જેમ-જેમ પુરવઠો ઘટતો જાય છે તેમ તેમ ભાવ પણ આસમાન આંબી રહ્યા છે અને તેના કારણે મોટી સંખ્યામાં લોકોને અસર થઈ રહી છે. 

    ખોરાક-પાણીની શોધમાં જાનવરો માનવીય વસાહતો તરફ આવવાનો પણ ડર 

    નામીબિયાની સરકાર માત્ર માંસ લોકોમાં વહેંચવા માટે જ જંગલી જાનવરોને મારી રહી હોય એમ પણ નથી. વાસ્તવમાં એક ડર એવો પણ છે કે આ દુકાળના કારણે આ જાનવરો ખોરાક-પાણીની શોધમાં ધીમે-ધીમે માણસોની વસાહતો તરફ સ્થળાંતર કરશે અને તેવી સ્થિતિમાં મુશ્કેલી સર્જાશે. દેશમાં જંગલી જાનવરો સારા એવા પ્રમાણમાં રહે છે. જેમાંથી 24 હજાર માત્ર હાથીઓ જ છે. નોંધવું જોઈએ કે આફ્રિકા હાથીઓનું મૂળ સ્થાન છે અને અહીં વિવિધ દેશોમાં લાખો હાથીઓ રહે છે. 

    હવે અહીં એ પ્રશ્ન પણ થશે કે આ જાનવરોને મારીને માંસ વહેંચશે, પણ લોકો તે ખાશે પણ ખરા? પણ જવાબ છે- હા. કારણ કે આફ્રિકન દેશોમાં લોકો આ જાનવરો મારીને ખાતા જ હોય છે. એવાં જ જાનવરોને પસંદ કરવામાં આવ્યાં છે, જે લોકોનો ખોરાક હોય. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં