છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં હિંદુઓ પર થતા હુમલાઓ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. તહેવારો નજીક આવતા આવતાંની સાથે જ ગંભીર ઘટનાઓ ન ઘટે તે માટે પોલીસતંત્ર સાબદું થઇને કામ કરી રહ્યું છે. તેવામાં વડોદરામાં ફિરોઝાબાદથી પિસ્તોલ ડિલિવર કરવા આવેલા 2 આરોપીઓને PCBએ ઝડપી લીધા છે. આ બંને આરોપીઓ પાસેથી PCBને 2 દેશી બનાવટની માઉઝર (એક પ્રકારની દેશી બનાવટની પિસ્તોલ) મળી આવી છે.
બાતમીના આધારે કરવામાં આવેલી આ કાર્યવાહીમાં પોલીસને જાણવા મળ્યું હતું કે શહેરના તાંદલજા વિસ્તારમાં રહેતા નાજિમ શેખે આ હથિયાર મંગાવ્યાં હતાં. પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જ્યારે ફિરોઝાબાદથી હથિયાર મોકલનાર ફિરોઝ સલીમ પઠાણને વોન્ટેડ જાહેર કરી તેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યાં છે.
મળતી માહિતી અનુસાર PCBના હોડ કોન્સ્ટેબલ દેવેન્દ્ર ચંદ્રકાન્ત અને દિપેશસિંઘ નરેશસિંઘને હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા બાતમી મળી હતી કે શહેરના સરદાર એસ્ટેટ ચાર રસ્તા પાસે 2 લોકો હથિયાર વેચવા ઉભા છે, જેમાંથી એક આરોપી પગે અપંગ છે અને ઘોડી લઈને ઉભો છે. બાતમી મળતાંની સાથે જ PCB એક્શનમાં આવી હતી અને વડોદરામાં ફિરોઝાબાદથી પિસ્તોલ ડિલિવર કરવા આવેલા ઉત્તર પ્રદેશના ફિરોજાબાદના જ રહેવાસી સાદાબ ઉર્ફે શબ્બુ કુદ્દન પઠાણ અને મોહમ્મદ જાવેદ મુન્નેખાન અબ્બાસીને ઝડપી તેમની ઝડતી લેતા તેમની પાસેથી 2 દેશી બનાવટની માઉઝર (પિસ્તોલ), 3 મોબાઇલ અને 12 હજાર રોકડ રકમ સહિત 1.22 લાખનો મુદ્દામાલ મળી આવ્યો હતો. PCBની ટીમે તાત્કાલિક ધોરણે બંનેની ધરપકડ કરી પૂછપરછ કરતાં તાંદલજાના ફાતિમા ફ્લેટમાં રહેતા નાજીમ શેખે ફિરોઝાબાદથી હથિયાર મંગાવ્યા હોવાનો ખુલાસો થયો હતો.
જે બાદ પોલીસે મૂળ ફિરોજાબાદ ઉત્તરપ્રદેશના અને છેલ્લા એક મહિનાથી તાંદલજાની કિસ્મત ચોકડી પાસે આવેલા ફાતેમા એપાર્ટમેન્ટ ખાતે રહેતા નાજીમ નાસીલઅલી શેખની પણ ધરપકડ કરી હતી. ધરપકડ બાદ નાજિમ શેખ દ્વારા આ હથિયાર મંગાવવા પાછળનું કારણ શોધવા પોલીસ તપાસ કરી રહી છે. નોંધનીય છે કે ત્રણેય આરોપીઓની ધરપકડ અને પૂછપરછ બાદ પોલીસને જાણવા મળ્યું હતું કે આ હથિયારનો મૂળ ડીલર યુપીના ફિરોઝાબાદમાં રહેતો ફિરોજ ઉર્ફે શાલુ ઉર્ફે રાસીદ સલીમ પઠાણ છે, જેને વડોદરા પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે. પોલીસે ચારેય આરોપીઓ સામે આર્મ્સ એક્ટ. મુજબ ગૂનો નોંધી ચારેય અંગેની વધુ વિગતો ઉત્તરપ્રદેશ પોલીસ પાસેથી મંગાવી છે.
આ મામલે વડોદરા PCBના ઇન્ચાર્જ પીઆઈએસ ડી રાતડાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, “તાંદલજાની કિસ્મત ચોકડી પાસે આવેલા ફાતેમા એપાર્ટમેન્ટ ખાતે રહેતા નાજિમે હથિયાર કયા ઈરાદાથી મંગાવ્યું તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી. તે હથિયારની લે-વેચ કરનારી ગેંગ સાથે સંકળાયેલો છે કે વડોદરા શહેરમાં કોઈ મોટી ઘટનાને અંજામ આપવા આ પિસ્તોલ મંગાવી છે, કે પછી કોઈને વેચવા મંગાવી છે તે તમામ મુદ્દે ત્રણેય આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. તમામ આરોપીઓ વિરુદ્ધ ગુના નોંધી ધારાધોરણ મુજબ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.”