મહાનગરોમાં સ્નેચિંગની ગુનાખોરી ખુબ વધી રહી છે. રસ્તે જતા રાહદારીઓની પાછળ બાઈકથી પુરપાટ ઝડપે આવી ગળામાંથી ચેન, બુટ્ટી જેવા દાગીના અને કિંમતી સામાન ચોરો તફડાવી જતા હોય છે, ક્યારેક આમ કરવામાં રાહદારીઓ ઘાયલ પણ થઇ જાય છે. ત્યારે સુરત પોલીસે સ્નેચિંગ કરી ચોરી કરતી આવી જ એક બાઈકર્સની ગેંગને ઝડપી પાડી છે. આ સ્નેચિંગ કરતી ગેંગમાં પોલીસે તોફિક ઉર્ફે કુટેલી ઈબ્રાહીમ, અશફાક ઉર્ફે માયા કાલિયા શેખ, બોબડા ઉર્ફે પેરા સરવર ખાન નામના આરોપીઓની ધરપડક કરી છે. આ ચોર ટોળકી રસ્તે જતા વ્યક્તિઓને લુંટતી હતી, અને આ માટે તેઓ બાઈક્સનો ઉપયોગ કરતા હતા. આ ગેંગે 7 ફેબ્રુઆરી 2024ના રોજ એક મહિલાને લુંટી હતી. જેમાં મહિલા પાસેથી ₹1 લાખથી વધુની ચોરી કરી હતી.
ઘટના પ્રમાણે મૂળ બોટાદની એક મહિલા તેના પુત્ર સાથે સુરત રહેવા આવી હતી. મહિલા ઉધના વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી. તે દરમિયાન સ્પોર્ટ્સ બાઈક પર સવાર થઈને આવેલા બાઈકર્સ ગેંગના ત્રણ વ્યક્તિઓ તોફિક ઉર્ફે કુટેલી ઈબ્રાહીમ, અશફાક ઉર્ફે માયા કાલિયા શેખ, સરવર ખાને મહિલાના હાથમાંથી ₹1.20 લાખની રોકડ ભરેલા પર્સને તફડાવી લીધું હતું, અને ચોરીને અંજામ આપ્યો હતો. જે પછી મહિલાએ ઉધના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી.
ફરિયાદ બાદ પોલીસ સતત ચોરોની શોધખોળમાં લાગેલી હતી. તે દરમિયાન પોલીસને બાતમી મળી કે, આ જ ગેંગે થોડા દિવસ પહેલા કાપોદ્રાથી ઓટો રિક્ષામાં બેસી ઉન તરફ પોતાના ઘરે જવા નીકળેલી મહિલાના હાથમાંથી ચાલું રિક્ષામાં સોનાના ઘરેણાં, મોબાઈલ અને રોકડા રૂપિયા ભરેલ પર્સની સ્નેચિંગ કરી લૂંટ મચાવી હતી, અને આજે આ ત્રણેય વ્યક્તિઓ ડીંડોલીથી ઉધના ભીમનગર ગરનાળા પાસેથી પસાર થવાના છે. જે પછી પોલીસે વોચ ગોઠવી સ્નેચિંગ કરતી બાઈકર્સની ગેંગને ઝડપી પાડી હતી.
પોલીસ તપાસમાં સામે આવ્યું કે, સ્નેચિંગ કરી લૂંટ મચાવતી આ ગેંગ ચોરી કરવા માટે ભાડાની બાઈક્સનો ઉપયોગ કરતી હતી. ચોરોની ગેંગ આસિફ નામના વ્યક્તિ પાસેથી બાઈક ભાડે લેતી હતી અને પછી ચોરીને અંજામ આપતી હતી. આ માટે આ ટોળકી આસિફને દર ટ્રીપ પર ₹2000 હજારનું કમિશન આપતી. સુરત પોલીસે આ કેસમાં આસિફ સામે પણ ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે. આ ઉપરાંત પકડાયેલા આરોપી તોફિક ઉર્ફે કુટેલી ઈબ્રાહીમ, માયા કાલિયા શેખ અને સરવર ખાન પાસેથી મોબાઈલ ફોન, રોકડ રકમ અને ચોરી માટે વપરાતી બાઈક્સ જપ્ત કરી હતી.