બનાસકાંઠાના અમીરગઢમાં એક હિંદુ આદિવાસી યુવતીની છેડતી કરવામાં આવી હોવાનો મામલો સામે આવ્યો છે. આરોપ મુસ્તફા ખાન નામના એક મુસ્લિમ યુવક પર લાગ્યો છે. આ મામલે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હતી, જેના આધારે પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ શરૂ કરી છે.
FIRની નકલ ઑપઇન્ડિયા પાસે ઉપલબ્ધ છે. અમીરગઢ પોલીસે 20 વર્ષીય યુવતીની ફરિયાદના આધારે IPCની વિવિધ કલમો હેઠળ કેસ નોંધ્યો હતો. યુવતીએ આરોપી વિરુદ્ધ છેડતી અને જાતિસૂચક અપશબ્દો કહીને અપમાનિત કરી જાનથી મારી નાખવાની ધમકી આપવાનો આરોપ લગાવ્યો છે.
વધુ વિગતો અનુસાર, પીડિત યુવતી અમીરગઢના ગાંજી ગામે ગૃહઉદ્યોગ ચાલતો હોઈ ત્યાં મજૂરી કામ ખાતે જતી હતી. ગત 1 ઓગસ્ટના રોજ તે તેની કાકાની દીકરી સાથે નિત્યક્રમ મુજબ કામે ગઈ હતી. આ ગૃહઉદ્યોગનું સંચાલન એક મુસ્તફાખાન કાળુખાન નામનો વ્યક્તિ કરતો હોવાનું જાણવા મળ્યું છે. અહીં યુવતી અન્ય મહિલાઓ સાથે મળીને સાબુ બનાવવાનું કામ કરતી હતી.
ઘટનાના દિવસે પીડિતાની સાથે આવતી તેની કાકાની દીકરી વહેલી ઘરે નીકળી ગઈ હતી અને પીડિતા રૂમમાં એકલી તેનું કામ કરતી હતી. દરમ્યાન બપોરેના સાડા બારેક વાગ્યાના અરસામાં મુસ્તફાખાને તેની પાસે જઈને રૂમનો દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો અને યુવતીને અડપલાં કર્યાં હતાં. ગભરાઈ ગયેલી પીડિતા બૂમાબૂમ કરીને દરવાજો ખોલીને ભાગી છૂટી હતી. જ્યાંથી તે અમીરગઢ સ્થિત માસીના ઘરે જતી રહી હતી. જ્યાં તેમને આપવીતી જણાવી હતી.
બીજા દિવસે (2 ઓગસ્ટ, 2023) સાંજે પીડિતાના માસી-માસા તેને લઈને મુસ્તફાખાનને ઠપકો આપવા માટે ગયા હતા ત્યારે આરોપીએ ઉશ્કેરાઈ જઈને તેમને જાતિસૂચક અપશબ્દો કહ્યા હતા તેમજ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. જેથી ગભરાઈ ગયેલો પીડિત પરિવાર પરત ફર્યો હતો. ત્યારબાદ તેમણે અમીરગઢ પોલીસ મથકે જઈને આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે મુસ્તફાખાન કાળુખાન નામના આરોપી વિરુદ્ધ IPCની કલમ 354, 354A, 506(2) તેમજ ST-SC એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરીને આગળની તપાસ શરૂ કરી હતી. ઘટનાને લઈને હિંદુ સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને આરોપીને પકડીને કડકમાં કડક કાર્યવાહી કરવા માટેની માગ કરવામાં આવી રહી છે. હાલ પોલીસ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.