અમદાવાદના ઇસનપુરની એક હિંદુ યુવતી સાથે છેડતી અને દુષ્કર્મ બદલ એક મુસ્લિમ યુવક સામે ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે, જેના આધારે પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. યુવતીના માતાપિતાને જાણ થતાં તેમને યુવકને મળવા બોલાવ્યો હતો, જ્યાં તેણે ઝઘડો કરતાં માહોલ તંગ બન્યો હતો અને આસપાસના લોકોને પણ જાણ થતાં તેમણે મળીને આરોપીને મેથીપાક ચખાડ્યો હતો.
મામલાની વધુ વિગતો એવી છે કે, દાણીલીમડામાં રહેતો તાજિબ ઘોઘારી નામનો શખ્સ ઈસનપુરની 22 વર્ષીય યુવતીના સંપર્કમાં હતો. બંને શાળામાં સાથે ભણતાં હતાં. આરોપી સતત યુવતીને હેરાન કરતો હતો અને તેને બ્લેકમેલ કરીને ફોટા વાયરલ કરવાની ધમકી આપીને અનેક વખત શારીરિક સબંધ પણ બાંધ્યા હતા.
બે દિવસ પહેલાં તે યુવતીના ઘરે પહોંચ્યો હતો અને ધમકી આપી હતી કે તે તેના સિવાય અન્ય કોઈ યુવક સાથે વાત નહીં કરે. બોલાચાલી થતાં તે યુવતીનો ફોન લઈને જતો રહ્યો હતો અને મોડી રાત્રે પરત આપી ગયો હતો. ત્રાસ વધી જતાં આખરે યુવતીએ આ અંગે માતા-પિતાને જાણ કરી હતી. ત્યારબાદ તેમણે સમજાવવા માટે તાજિબને ઘોડાસર આવકાર હોલ પાસે બોલાવ્યો હતો. જ્યાં તેને સમજાવતાં ઉગ્ર થઇ ગયો હતો અને યુવતીના પરિજનો સાથે અસભ્ય વર્તન કર્યું હતું.
માહોલ વધુ તંગ બનતાં બંને પક્ષે ઉગ્ર બોલાચાલી થઇ હતી અને આસપાસના લોકોનું ટોળું પણ એકઠું થઇ ગયું હતું. લોકોને તાજિબની કરતૂતો વિશે જાણ થતાં તેમણે જાહેરમાં જ મેથીપાક આપ્યો હતો અને પોલીસને સોંપી દીધો હતો. પોલીસે મથકે લઇ જઈને યુવકને કસ્ટડીમાં લીધો હતો તેમજ યુવતીના પરિજનોની ફરિયાદના આધારે ગુનો દાખલ કર્યો હતો.
આ અંગે અમદાવાદ પોલીસના ACP મિલાપ પટેલે જણાવ્યું હતું કે, “ઇસનપુર પોલીસ મથકે એક 22 વર્ષીય યુવતીએ એક 23 વર્ષીય યુવક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે. બંને શાળામાં ભણતાં હતાં ત્યારે યુવક અવારનવાર યુવતીનો પીછો કરતો, હેરાન કરતો તેમજ બળજબરીથી શારીરિક સબંધો પણ બાંધ્યા હોવાની ફરિયાદ મળી હતી. યુવક મૂળ દાણીલીમડાનો હોવાનું પોલીસને ધ્યાને આવ્યું છે.
પોલીસના જણાવ્યા અનુસાર, આ કેસમાં IPCની કલમ 354(A)(B)(D), 376, 379 (1). 323 અને 506 (2) હેઠળ ગુનો દાખલ કરીને તાજિબ ઘોઘારીની ધરપકડ કરી લેવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ અમદાવાદમાં એક લવ જેહાદનો કેસ સામે આવ્યો હતો, જેમાં ઈલિયાસ નામના યુવકે હિંદુ નામ ધારણ કરીને હિંદુ સગીરાને ફસાવી હતી. તેને સાચી હકીકતની જાણ થઇ જતાં પીડિતાની માતાએ ફરિયાદ દાખલ કરાવી હતી. આ મામલે પોક્સો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.