કેનેડિયન વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ત્યાંની સંસદમાં બોલતાં થોડા મહિના પહેલાં કેનેડાના સરે શહેરમાં માર્યા ગયેલા ખાલિસ્તાની આતંકવાદી હરદીપસિંઘ નિજ્જરની હત્યા માટે ભારતને જવાબદાર ઠેરવ્યું છે. ટ્રુડોએ દાવો કર્યો કે, તેમની સુરક્ષા એજન્સીઓને આ હત્યા પાછળ ભારતીય એજન્ટોનો હાથ હોવાનું જાણવા મળ્યું છે. તેમણે આ વાત કહી ત્યારબાદ ત્યાંના વિદેશ મંત્રાલયે ભારતીય વરિષ્ઠ રાજદ્વારીને નિષ્કાસિત કરી દીધા. પરંતુ બીજા દિવસે ત્વરિત કાર્યવાહી કરીને ભારતે કેનેડિયન ડિપ્લોમેટને પાંચ દિવસમાં દેશ છોડવાનો આદેશ આપી દીધો.
ટ્રુડોના નિવેદન બાદ ભારતીય વિદેશ મંત્રાલયે એક નિવેદન બહાર પાડીને કડક શબ્દોમાં કેનેડાની ઝાટકણી કાઢી અને તમામ આરોપો ફગાવી દીધા. ભારતે એમ પણ કહ્યું કે, કેનેડાની ધરતી પર ભારતવિરોધી ખાલિસ્તાની ચરમપંથીઓ અને આતંકવાદીઓ સક્રિય છે, જેથી કેનેડા ભારત પર આરોપો લગાવવાને સ્થાને તેમની સાથે કડક હાથે કામ લે.
બીજી તરફ, મંગળવારે (19 સપ્ટેમ્બર, 2023) સવારે વિદેશ મંત્રાલયે કેનેડાના હાઇકમિશનરને તેડું મોકલ્યું હતું. ન્યૂઝ એજન્સી ANI અનુસાર, સવારે 10:26 વાગ્યે ભારતમાં કેનેડાના હાઇકમિશનર કેમરોન મેકે નવી દિલ્હીના સાઉથ બ્લોક સ્થિત વિદેશ મંત્રાલયના મુખ્યમથકે પહોંચ્યા હતા. અહીં તેમને સ્પષ્ટ જણાવી દેવામાં આવ્યું કે, તેમના વરિષ્ઠ ડિપ્લોમેટે પાંચ દિવસની અંદર દેશ છોડી દેવાનો રહેશે.
#WATCH | Canadian High Commissioner to India, Cameron MacKay leaves from the MEA headquarters at South Block, New Delhi. pic.twitter.com/zFAaTFfeAP
— ANI (@ANI) September 19, 2023
માત્ર 4 મિનીટ બાદ 10:30 કલાકે કેનેડિયન હાઇકમિશનર વિદેશ મંત્રાલયની ઓફિસની બહાર આવતા દેખાયા. મીડિયાએ તેમની સાથે વાતચીત કરવાનો પ્રયાસ કર્યો પરંતુ તેમણે કોઇ જવાબ આપ્યો ન હતો. કેનેડિયન હાઇકમિશનરની માત્ર ચાર મિનીટની આ મુલાકાતની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ રહી છે.
ભારતે કેનેડિયન ડિપ્લોમેટને નિષ્કાસિત કરવાની જાણકારી એક આધિકારિક નિવેદન મારફતે પણ આપી હતી. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, આજે કેનેડાના હાઇકમિશનરને તેડું મોકલવામાં આવ્યું હતું અને તેમને ભારતમાં રહેતા વરિષ્ઠ કેનેડિયન ડિપ્લોમેટને નિષ્કાસિત કરવાના ભારત સરકારના નિર્ણય વિશે જાણકારી આપવામાં આવી. જે-તે ડિપ્લોમેટને પાંચ દિવસની અંદર ભારત છોડી દેવા માટે જણાવવામાં આવ્યું છે.
India expels a senior Canadian Diplomat: https://t.co/TS8LHCUuuY pic.twitter.com/Y0pXq3v1DG
— Arindam Bagchi (@MEAIndia) September 19, 2023
મંત્રાલયે ઉમેર્યું કે, આ નિર્ણય કેનેડિયન ડિપ્લોમેટ્સ દ્વારા ભારતની આંતરિક બાબતોમાં સતત થતા હસ્તક્ષેપ અને તેમની ભારતવિરોધી ગતિવિધિઓમાં સંલિપ્તતાને લઈને લેવામાં આવ્યો છે. ભારત સરકારના આ નિર્ણયને એક કડક સંદેશ તરીકે જોવામાં આવી રહ્યો છે.