રાજધાની દિલ્હીમાં ચાલેલી બે દિવસીય G-20 સમિટના સમાપનની ઘોષણા કરવામાં આવી છે. અંતિમ સત્ર ‘વન ફ્યૂચર’માં પીએમ મોદીએ આ જાહેરાત કરી હતી. બીજી તરફ તેમણે ભારત વતી G-20ની અધ્યક્ષતા બ્રાઝિલને સોંપી હતી.
તમામ દેશોના વડાને સંબોધતાં પીએમ મોદીએ કહ્યું કે, “ભારત પાસે નવેમ્બર સુધી G-20ની અધ્યક્ષતાની જવાબદારી છે. હજુ અઢી મહિના બાકી છે. આ બે દિવસમાં આપ સૌએ અનેક વાતો અહીં મૂકી છે, સૂચનો આપ્યાં છે, અનેક પ્રસ્તાવો રજૂ કર્યા છે. અમારી જવાબદારી છે કે જે સૂચનો આવ્યાં છે તે અંગે વિચારવામાં આવે. મારો પ્રસ્તાવ છે કે આપણે નવેમ્બરના અંતમાં G-20નું વધુ એક વર્ચ્યુઅલ સેશન રાખીએ. જે સેશનમાં સમિટમાં નક્કી કરવામાં આવેલા વિષયોની ચર્ચા કરી શકાશે. જેની વિગતો અમારી ટીમ તમારા સુધી પહોંચાડશે.”
સમિટ સમાપનની ઘોષણા કરતાં કહ્યું કે, “આ સાથે જ હું G-20 સમિટના સમાપનની ઘોષણા કરું છું. વન અર્થ, વન ફેમિલી, વન ફ્યૂચરનો રોડ મેપ સુખદ હોય અને સંપૂર્ણ વિશ્વમાં આશા અને શાંતિનો સંચાર થાય તેવી 140 કરોડ ભારતીયોની મંગળકામના સાથે આપ સૌનો આભાર વ્યક્ત કરું છું.”
#WATCH | G 20 in India | Prime Minister Narendra Modi hands over the gavel of G 20 presidency to the President of Brazil Luiz Inácio Lula da Silva. pic.twitter.com/ihEmXN9lty
— ANI (@ANI) September 10, 2023
સંબોધન પહેલાં પીએમ મોદીએ G-20ની અધ્યક્ષતા બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા ડી સિલ્વાને સોંપી હતી. તેમણે કહ્યું કે, હું રાષ્ટ્રપતિ સિલ્વાને શુભકામનાઓ પાઠવીને અધ્યક્ષતાનો ગેવલ સોંપી રહ્યો છું. ત્યારબાદ તેમણે બ્રાઝિલિયન રાષ્ટ્રપતિને પ્રતિકાત્મક રીતે અધ્યક્ષતાનો ગેવલ સોંપ્યો હતો.
1 વર્ષ સુધી કોઇ પણ દેશ રહે છે સમૂહનો અધ્યક્ષ
ઉલ્લેખનીય છે કે જે-તે દેશ એક વર્ષ સુધી G-20ની અધ્યક્ષતા કરી શકે છે. જેનો સમયગાળો દર વર્ષે 1 ડિસેમ્બરથી લઈને આગામી વર્ષની 30 નવેમ્બર સુધી હોય છે. અધ્યક્ષ દેશમાં વર્ષ દરમિયાન G-20ના બેનર હેઠળ વિવિધ કાર્યક્રમો અને સંમેલનો યોજવામાં આવે છે, જેમાં જે-તે કાર્યક્રમ અનુસાર સભ્ય દેશો અને આમંત્રિત દેશોના મંત્રીઓ, શેરપાઓ અને અન્ય પ્રતિનિધિઓ ભાગ લે છે.
દર વર્ષે એક વખત G-20નું વાર્ષિક શિખર સંમેલન યોજવામાં આવે છે, જેનું આયોજન અધ્યક્ષ દેશ કરે છે. આ શિખર સંમેલનમાં તમામ દેશોના વડા હાજરી આપે છે અને વર્ષ દરમિયાન થયેલી ચર્ચાઓ પર પરામર્શ કરીને અંતિમ મહોર મારે છે. જે-તે વાર્ષિક સમિટમાં જ આગામી અધ્યક્ષ દેશને અધ્યક્ષતા સોંપી દેવામાં આવે છે. વર્ષ 2022ની અધ્યક્ષતા ઈન્ડોનેશિયા પાસે હતી, જેણે ડિસેમ્બર 2022માં ભારતને સોંપી હતી. હવે ભારતે બ્રાઝિલને અધ્યક્ષતા સોંપી છે.