9 સપ્ટેમ્બર 2023 (શનિવાર)ના રોજ G20 સમિટની પહેલી બેઠક યોજાઈ હતી. આ સમિટ માટે વિશ્વના ઘણા દેશોના નેતાઓ ભારત આવ્યા છે. G20 સમિટની પ્રથમ બેઠક બાદ PM નરેન્દ્ર મોદીએ કેટલાક નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠક યોજીને મહત્વના મુદ્દાઓની ચર્ચા કરી હતી. PM મોદીએ બ્રિટિશ PM ઋષિ સુનક અને જાપાનના PM ફુમિયો કિશિદા સાથે મહત્વપૂર્ણ ચર્ચા કરી હતી. આ બેઠક દરમિયાન વ્યાવસાયિક સંબંધોને મજબૂત કરવા અને રોકાણને પ્રોત્સાહન આપવાના માર્ગો પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. આ પહેલાં PM મોદીએ સ્થળ પર પહોંચેલા બંને નેતાઓનું અભિવાદન પણ કર્યું હતું.
PM મોદીની ઋષિ સુનક સાથે બેઠક
PM નરેન્દ્ર મોદી અને બ્રિટનના PM ઋષિ સુનક વચ્ચે થયેલી દ્વિપક્ષીય બેઠકમાં ભારત-બ્રિટન ફ્રી ટ્રેડ કરાર અને વિજ્ઞાનની સાથે-સાથે વ્યાપક રણનીતિની ભાગીદારીને મજબૂત કરવાની પ્રક્રિયાઓ પર વિશેષ વાતચીત કરવામાં આવી હતી. બંને દેશો મુક્ત વેપારના કરાર પર વાતચીત કરી રહ્યા છે. આ અંગેની વાતચીત 2022માં શરૂ થઈ હતી. આ વર્ષે ઓગસ્ટ મહિનામાં કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ અને યુકેના વેપાર રાજ્ય સચિવ કેમી બડેનોચે એફટીએની તપાસ કરી અને વાતને આગળ વધારવાની પ્રક્રિયા પર સહમતી વ્યકત કરી હતી.
Great to have met PM @RishiSunak on the sidelines of the G20 Summit in Delhi. We discussed ways to deepen trade linkages and boost investment. India and UK will keep working for a prosperous and sustainable planet. pic.twitter.com/7kKC17FfgN
— Narendra Modi (@narendramodi) September 9, 2023
ઋષિ સુનક સાથેની મુલાકાત બાદ PM મોદીએ ટ્વિટ કરીને માહિતી આપી હતી. તેમણે X પર ઋષિ સુનક સાથેના પોતાના ફોટાઓ શેર કર્યા હતા અને લખ્યું હતું કે, “દિલ્હીમાં G20 શિખર સંમેલનના અવસર પર PM ઋષિ સુનકને મળીને ઘણો આનંદ થયો. અમે વેપાર સંબંધોને ઊંડા કરવા અને રોકાણમાં વધારો કરવાની પ્રક્રિયા પર ચર્ચા કરી. ભારત અને યુકે એક સમૃદ્ધ વિશ્વ માટે કામ કરી રહ્યા છે.”
જાપાનના PM ફુમિયો કિશિદા સાથે બેઠક
PM નરેન્દ્ર મોદીએ ઋષિ સુનક સાથે ચર્ચા કર્યા ઉપરાંત જાપાનના PM ફુમિયો કિશિદા સાથે પણ દ્વિપક્ષીય બેઠક યોજી હતી. PM મોદીએ X (અગાઉનું ટ્વિટર) પર પોસ્ટ શેર કરતાં કહ્યું હતું કે “જાપાનના PM ફુમિયો કિશિદા સાથે સાર્થક વાતચીત થઈ છે. અમે ભારત-જાપાન દ્વિપક્ષીય સંબંધો અને ભારતની G20 અધ્યક્ષતા તથા જાપાનની G7 અધ્યક્ષતા અંગે વાતચીત કરી છે. અમે કનેક્ટિવિટી, વાણિજ્ય અને અન્ય ક્ષેત્રોમાં સહયોગ વધારવા માટે ઉત્સુક છીએ.”
Held productive talks with PM @kishida230. We took stock of India-Japan bilateral ties and the ground covered during India's G20 Presidency and Japan's G7 Presidency. We are eager to enhance cooperation in connectivity, commerce and other sectors. pic.twitter.com/kSiGi4CBrj
— Narendra Modi (@narendramodi) September 9, 2023
ઉલ્લેખનીય છે કે બ્રિટન અને જાપાનના PM સાથેની દ્વિપક્ષીય બેઠક પહેલા PM નરેન્દ્ર મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ જૉ બાયડન સાથે પણ દ્વિપક્ષીય ચર્ચા કરી હતી જેમાં બંને દેશના નેતાઓએ AI ટેક્નોલોજીને લઈને મહત્વપૂર્ણ ચર્ચા કરી હતી. આ મુલાકાત દરમિયાન સ્પેસ અને AI વિસ્તારમાં સહયોગના માધ્યમથી ભારત-અમેરિકાની સુરક્ષા ભાગીદારીને વધારવાની અને તેને વિવિધતાપૂર્ણ બનાવવાની પ્રતિબદ્ધતાને લઈને મહત્વપૂર્ણ ચર્ચા થઈ હતી. PM મોદી અને જૉ બાયડને બંને દેશો વચ્ચે રણનીતિક ભાગીદારીને વધારવામાં ટેકનોલોજીની નિર્ણાયક ભૂમિકાને લઈને પણ ચર્ચા કરી હતી. સાથે જ બંને નેતાઓએ મુક્ત, સુલભ, સુરક્ષિત ટેકનોલોજી માટે એક ઇકોસિસ્ટમ બનાવવાની વાત કરી કે જેમાં બંને દેશો વચ્ચે ટેકનોલોજીનું સરળ આદાન-પ્રદાન થઈ શકે.
રાષ્ટ્રપતિ જૉ બાયડન અને PM મોદી વચ્ચે થયેલી મુલાકાત બાદ અમેરિકાએ ભારતમાં આવનાર 5 વર્ષમાં 400 મિલિયન અમેરિકી ડોલરનું રોકાણ કરવાની ઘોષણા પણ કરી હતી. એ સિવાય પણ અન્ય ઘણા મુદ્દાઓ પર બંને દેશોની સંયુક્ત ભાગીદારી પર ચર્ચા કરવામાં આવી હતી.