ગુજરાતમાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર મંદિર ટ્રસ્ટના એક નિર્ણયને લઈને વિવાદ સર્જાયો છે. ડાકોર મંદિરમાં કમિટી દ્વારા દર્શન માટે VIP એન્ટ્રીની સુવિધા શરૂ કરવામાં આવી હતી. ભગવાનની નજીક ગર્ભગૃહમાં જવાનો ચાર્જ 500 રૂપિયા લેવાનો મંદિર કમિટીની મિટિંગમાં નિર્ણય લેવાયો હતો. ડાકોરમાં VIP દર્શન માટે પુરુષોને 500 રૂપિયા અને મહિલાઓની જાળીમાં પુરુષોને દર્શન કરવાના 250 ચૂકવવાનો નિર્ણય કરવામાં આવતા કેટલાક ભક્તો અને શ્રદ્ધાળુઓ નારાજ થઈ ગયા છે. આ નિર્ણયનો કેટલાક શ્રદ્ધાળુઓ અને ભક્તો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. તો કેટલાક લોકો આ નિર્ણયમાં કઈ ખોટું નથી કહીને તેનું સમર્થન કરી રહ્યા છે.
હિંદુ સંગઠનો દ્વારા આ નિર્ણયનો વિરોધ કરી આંદોલનની ચીમકી આપવામાં આવી છે. ઠાસરા તાલુકાના સરપંચ એસોસિયેશનના સરપંચોએ મંદિર મેનેજમેન્ટને 6 વાગ્યા સુધીમાં નિર્ણય પાછો ખેંચવાનું અલ્ટિમેટમ આપ્યું છે. જો આવું નહીં થાય અને નિર્ણય પાછો નહીં ખેંચાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. સાથે સોશિયલ મીડિયામાં પણ લોકો તેનો વિરોધ અને સમર્થન કરી રહ્યા છે.
ડાકોર મંદિર ખાતે થયેલી મંદિર સમિતિની મિટિંગમાં VIP એન્ટ્રીની સુવિધા શરૂ કરવામાં આવતા લોકો દ્વારા ભારે રોષ દેખાઈ રહ્યો છે. લોકો સોશિયલ મીડિયાથી લઈને મંદિર સુધી વિરોધ નોંધાવી રહ્યા છે. તો બીજી તરફ ઘણા લોકો મંદિરના આ નિર્ણયને આવકારે પણ છે. હિંદુ સંગઠનો અને સ્થાનિક શ્રદ્ધાળુઓ દ્વારા મંદિર કમિટીને આંદોલનની ચીમકી પણ આપી છે. હિંદુ સંગઠનના યુવાનો તથા ઠાસરા તાલુકાના સરપંચ એસોસિયેશનના સરપંચો મંદિરમાં વિરોધ પ્રગટ કરવા પહોંચ્યા હતા. તેમણે ‘ભગવાન તો પ્રેમના ભૂખ્યા, તમે પૈસાના ભૂખ્યા’ જેવા નારા સાથે ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો. ઉગ્ર વિરોધ સાથે જ મંદિરના મેનેજરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. આવેદન પત્રમાં 26 ઓગસ્ટ સાંજે છ વાગ્યા સુધીમાં નિર્ણય પાછો નહીં ખેંચાય તો ઉગ્ર આંદોલનની ચીમકી આપવામાં આવી છે. એસોસિયેશનના સરપંચો અને હિંદુ સંગઠનના યુવાનો દ્વારા મેનેજમેન્ટનો આ નિર્ણય મનસ્વી ગણવામાં આવ્યો છે. તો ઘણા લોકો સોશિયલ મીડિયા દ્વારા પણ વિરોધ નોંધાવી રહ્યા છે.
એક ફેસબુક યુઝરે ડાકોરના ભગવાનને સંબોધીને લખ્યું કે મંદિરના સંચાલક ટ્રસ્ટીઓને સદબુદ્ધિ આપો અને ખોટો ચીલો ચાતરતા અટકાવો.
તો વળી અન્ય એક યુઝરે X (ભૂતકાળમાં ટ્વિટર) પર પોતાનો વિરોધ દર્શાવતા મંદિરને પોતાનો ધંધો બનાવી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો.
ડાકોર મંદિરના ઈન્ચાર્જ મેનેજર રવીન્દ્રભાઈએ સન્મુખ કિર્તનયાની જાળીમાં દર્શન કરવા માટે ચાર્જ રૂપિયા 500 અને મહિલાઓની જાળીમાં પુરુષને દર્શન કરવાનો ચાર્જ રૂપિયા 250 કિંમત નિર્ધારિત કરી છે.
— Nisu Pathak (@Nisarg07_) August 25, 2023
મંદિર ને પણ ધંધો બનાવી રહ્યા છે😡 pic.twitter.com/Pd84H62p8m
અન્ય એક યુઝરે X (ટ્વિટર) પર ઝી 24 ક્લાકના ટ્વિટ પર રિટ્વિટ કરીને વિરોધ દર્શાવતા લખ્યું છે કે, ભગવાનના દર્શન માટે પૈસા લેવા તેમના મતે યોગ્ય ના કહેવાય. ભગવાનના દરબારમાં તો ધનવાન કોણ અને ગરીબ કોણ? સાથે જ તેમણે ઉમેર્યું છે કે બધા મંદિરોની આવક સરકાર પાસે જાય છે પણ બીજી ધાર્મિક (અન્ય ધર્મની) સંસ્થાઓ માટે આ નિયમ લાગુ નથી, જે વિચારવા જેવી બાબત છે.
પૈસા લઇને દર્શન કરાવવા એ ક્યારેય યોગ્ય ન કહેવાય એવું મારું માનવું છે.ભગવાનનાં દરબારમાં કોણ ધનવાન (VIP) અને કોણ નિર્ધન ( non-VIP) ક્યારેય યોગ્ય નથી. બીજું એ કે બધા મંદિરોની આવક સરકાર પાસે જાય છે પરંતુ બીજા ધાર્મિક સંસ્થાનો માટે આ નિયમ લાગુ નથી જે. વિચારવા યોગ્ય છે.
— DilipKumar🇮🇳 (@SnehdeepDixit) August 25, 2023
અન્ય એક ફેસબુક યુઝરે મંદિર કમિટીના નિર્ણયની વિરોધ દર્શાવતી પોસ્ટ કરી હતી જેમાં મંદિર કમિટીના આ નિર્ણયને દુર્ભાગ્યપૂર્ણ ગણવામાં આવ્યો હતો.
ડાકોર મંદિરનો વિવાદ વધુ વકરી રહ્યો છે. એક તરફ લોકો વિરોધ કરી રહ્યા છે તો બીજી તરફ ઘણા લોકો મંદિર કમિટીના નિર્ણયને યોગ્ય ગણાવી તેનું સમર્થન કરી રહ્યા છે. એ લોકોનું માનવું એવું છે કે જે લોકો પાસે સમય નથી અથવા તો તાત્કાલિક ધોરણે નીકળવાનું હોય તેવા લોકોને આ નિર્ણય દ્વારા ઘણી મદદ મળી શકે છે. સાથે અંબાજી પ્રસાદ અને અન્ય મંદિરો સાથે જોડાયેલા વિવાદોને લઈને કહ્યું કે, તકવાદી અને વામપંથીઓ હિંદુઓના ટેકેદાર હોવાનો ડોળ કરીને ટૂલકટ ચલાવતા હોય છે.
એક વ્યક્તિએ લખ્યું કે, મામૂલી રકમ લેવાથી મંદિરની સુવિધાઓમાં જ વધારો થશે.
It will help to Raise More Facilities for the People by this Noninal Amt.
— RITESH PRAJAPATI (@RITESHP03576628) August 25, 2023