69મા નેશનલ ફિલ્મ એવોર્ડ જાહેર કરી દેવામાં આવ્યા છે. જેમાં કાશ્મીર ફાઇલ્સથી માંડીને રોકેટ્રી: ધ નાંબી ઇફેક્ટ, ઉદ્યમ સિંઘ વગેરે ફિલ્મોએ બાજી મારી છે. રોકેટ્રીને બેસ્ટ ફીચર ફિલ્મનો એવોર્ડ મળ્યો છે, જ્યારે સરદાર ઉદ્યમ સિંઘ બેસ્ટ હિન્દી ફિલ્મ બની છે. ગુરૂવારે (24 ઓગસ્ટ, 2023) આ એવોર્ડ્સની જાહેરાત કરવામાં આવી હતી.
દક્ષિણના અભિનેતા અલ્લુ અર્જુનને તેમની ફિલ્મ ‘પુષ્પા’ માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ આપવામાં આવ્યો છે, જ્યારે બેસ્ટ એક્ટ્રેસની કેટેગરીમાં આલિયા ભટ્ટ અને કૃતિ સેનનની પસંદગી કરવામાં આવી છે. બંનેને સંયુક્ત રીતે આ એવોર્ડ મળશે. આલિયાને ગંગુબાઈ કાઠિયાવાડી માટે અને સેનનને મિમિ માટે આ એવોર્ડ મળ્યો છે. સપોર્ટિંગ એક્ટ્રેસની વાત કરવામાં આવે તો પલ્લવી જોશીને ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ માટે આ પુરસ્કાર મળ્યો છે. જ્યારે પંકજ ત્રિપાઠીને મિમિ માટે બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો પુરસ્કાર મળ્યો છે.
હિન્દી શ્રેણી વર્ષ 2021ની શ્રેષ્ઠ હિન્દી ફીચર ફિલ્મ તરીકે ‘સરદાર ઉદ્યમ સિંઘ’ની પસંદગી કરવામાં આવી છે. આ ફિલ્મ થકી ક્રાંતિકારી ઉદ્યમ સિંઘના જીવન અને તેમના સંઘર્ષને મોટા પડદે બતાવવામાં આવ્યો હતો. ‘ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઇક’થી જાણીતા બનેલા અભિનેતા વિકી કૌશલ તેમાં મુખ્ય ભૂમિકામાં છે. બેસ્ટ સિનેમેટોગ્રાફીનો એવોર્ડ પણ આ જ ફિલ્મને મળ્યો છે. જ્યારે બેસ્ટ ડાયરેક્શન ‘સ્માઈલ પ્લીઝ’ ફિલ્મના ફાળે ગયો છે.
2 Gujarati feature films won 3 awards
— Paras Shah (@parashah91) August 24, 2023
2 Gujarati non feature films won 2 awards
Total 5 awards for Gujarati films 😍😍😍
Chelloshow :
Best Gujarati film
Best child artist
Gandhi & Company :
Best children film
Panchika :
Best debut non-feature film of a director
Dal Bhat :…
બેસ્ટ ગુજરાતી ફિલ્મનો એવોર્ડ ‘છેલ્લો શૉ’ને મળ્યો છે. આ ઉપરાંત, બેસ્ટ ચાઈલ્ડ આર્ટિસ્ટનો એવોર્ડ પણ ‘છેલ્લો શૉ’ને જ મળ્યો છે. ‘ગાંધી એન્ડ કંપની’ને બેસ્ટ ચિલ્ડ્રન ફિલ્મનો પુરસ્કાર આપવામાં આવ્યો છે. જ્યારે બેસ્ટ ડેબ્યૂ નોન ફીચર ફિલ્મ ઑફ અ ડાયરેક્ટરનો પુરસ્કાર પંચિકા અને બેસ્ટ શોર્ટ ફિક્શન ફિલ્મનો પુરસ્કાર ‘દાળ-ભાત’ને અપાયો છે.
ઓસ્કર સુધી નામના કમાયેલી ફિલ્મ RRRને બેસ્ટ એક્શન ડાયરેક્શન, બેસ્ટ કોરિયોગ્રાફી અને બેસ્ટ સ્પેશિયલ ઇફેક્ટ્સના ત્રણ એવોર્ડ આપવામાં આવ્યા છે. જ્યારે બેસ્ટ જ્યુરી એવોર્ડ શેરશાહને મળ્યો છે. શેરશાહ ફિલ્મ કારગિલ યુદ્ધના નાયક વીરગતિ પ્રાપ્ત જવાન કેપ્ટન વિક્રમ બત્રાના જીવન પર આધારિત છે.
એવોર્ડ મળ્યા બાદ અભિનેતાઓની પ્રતિક્રિયાઓ પણ આવવાની શરૂ થઇ ગઈ. ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ના ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ કહ્યું કે, “નેશનલ એવોર્ડ ભારતના સૌથી સન્માનિત પુરસ્કારોમાંથી એક છે. હું હંમેશા કહેતો આવ્યો છે કે ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ માત્ર મારી ફિલ્મ નથી. હું તો માત્ર એક માધ્યમ હતો. આ ફિલ્મ એ દરેક વ્યક્તિનો અવાજ છે જે કાશ્મીરના આતંકવાદનો પીડિત રહ્યો છે. દિવસ-રાત મહેનત કરીને અમે લોકો સુધી આ ફિલ્મ પહોંચાડી છે અને જ્યારે આજે નેશનલ ફિલ્મ એવોર્ડ મળ્યો તો ફિલ્મ પર વધુ એક મહોર લાગી ચૂકી છે.”
પંકજ ત્રિપાઠીએ તેમના પિતાને આ એવોર્ડ સમર્પિત કર્યો, જેઓ હાલમાં જ સ્વર્ગવાસ પામ્યા. તેમણે કહ્યું કે, આજે તેઓ હોત તો બહુ ગર્વ થયો હોત. હું જે કંઈ પણ છું તે તેમના કારણે છું. અલ્લુ અર્જુનનો પણ એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં તેઓ ભાવુક નજરે પડી રહ્યા છે.