સ્વીડન અને ડેનમાર્ક બાદ હવે ઇસ્લામિક દેશ બાંગ્લાદેશમાં ઢગલાબંધ કુરાન સળગાવવામાં આવી છે. નુરૂર રહેમાન અને મહેબુબ આલમ નામના બે વ્યક્તિઓએ મળીને આ ઘટનાને અંજામ આપ્યો હતો. કુરાન સળગાવાઈ હોવાની વાત ફેલાતાની સાથે જ લગભગ 10 હજાર લોકોએ રસ્તા પર ઉતરીને પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન ટોળાએ કુરાન સળગાવનાર બંને વ્યક્તિને મારવાનો પ્રયત્ન પણ કર્યો હતો.
મળતી માહિતી અનુસાર બાંગ્લાદેશમાં કુરાન સળગાવવામાં આવી હોવાની આ ઘટના સામે આવ્યા બાદ દેશના પૂર્વોત્તર શહેર સિલહટથી પોલીસે બે વ્યક્તિની ધરપકડ કરી હતી. આ બંને વ્યક્તિની ઓળખ શાળાના પ્રિન્સીપાલ નરૂર રહેમાન અને તેમના સહયોગી મહેબુબ આલમના તરીકે થઇ છે. બંને લોકોએ આ મામલે જણાવ્યું હતું કે કુરાનની સળગાવેલી કૉપીઓ ખુબ જૂની હતી અને કેટલાકમાં પ્રિન્ટીંગ મિસ્ટેક પણ હતી. જેના કારણે તેમણે આ કુરાનો સળગાવી દીધી હતી. પોલીસે બંને પાસેથી સળગેલી અવસ્થામાં કુરાનની 45 કૉપી જપ્ત કરી છે.
AAFPએ પોલીસ અધિકારી અજબહાર અલી શેખ ને ટાંકીને જણાવ્યું હતું કે, “રવિવારથી માંડીને સોમવાર રાત (6-7 ઓગસ્ટ 2023) સુધી કુરાન સળગાવવાના વિરોધમાં 10 હજાર જેટલા લોકો વિરોધ કરી રહ્યા હતા. ભીડને નિયંત્રણમાં લેવા પોલીસને રબરની ગોળીઓ અને ટીયરગેસના સેલ છોડવા પડ્યા હતા.”
Wionએ ઢાકા ટ્રીબ્યુનને ટાંકીને જણાવ્યું હતું કે સિલહટ મેટ્રોપોલિટન પોલીસ કમિશનર મોહમ્મદ ઇલીયાસ શરીફની કહેવું છે કે કુરાન સળગાવવા બદલ સ્કુલના શિક્ષક, વિદ્યાર્થીઓ અને ક્ષેત્રના અન્ય કેટલાક લોકો પ્રિન્સીપાલ અને અન્ય આરોપીથી નારાજ હતા. આ દરમિયાન ટોળાએ બંનેના ઘરને ઘેરીને તેમની સાથે મારપીટ પણ કરી હતી. જોકે પોલીસે હસ્તક્ષેપ કરીને બંનેને છોડાવી લીધા હતા. આ દરમિયાન આક્રોશિત ટોળાએ પોલીસ પર પણ હુમલો કર્યો હતો. આ હુમલામાં 14 જેટલા પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. પોલીસ અને ઇસ્લામવાદીઓ વચ્ચે થયેલા આ ઘર્ષણમાં અન્ય કેટલાક લોકો પણ ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે, જોકે ઘાયલોની સંખ્યાની પુષ્ટિ નથી થઇ શકી.
ઉલ્લેખનીય છે કે પાછલા કેટલાક મહિનાઓમાં યુરોપીયન દેશ સ્વીડન અને ડેનમાર્કમાં કુરાન સળગાવવાની અનેક ઘટનાઓ સામે આવી હતી. અનેક ઇસ્લામિક દેશોએ આ ઘટનાનો વિરોધ કરતા ત્યાની સરકારો પાસે જવાબદાર લોકો વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી હતી. જોકે સ્વીડન અને ડેનમાર્ક બંને દેશોનું કહેવું છે કે તેઓ કાયદાના હિસાબે કાર્યવાહી કરવા સક્ષમ નથી. વાસ્તવમાં સ્વીડનમાં અભિવ્યક્તિની સ્વતંત્રતાને લઈને મજબુત કાયદાકીય માળખું છે, જેના કારણે લોકો કુરાન સળગાવી રહ્યા છે.