Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘મેં મારો શ્વાન ગુમાવ્યો, મારા ઘરે ફરજ બજાવતા સુરક્ષાકર્મીઓને સસ્પેન્ડ કરો’: દિલ્હી...

    ‘મેં મારો શ્વાન ગુમાવ્યો, મારા ઘરે ફરજ બજાવતા સુરક્ષાકર્મીઓને સસ્પેન્ડ કરો’: દિલ્હી હાઇકોર્ટના પૂર્વ જજે જોઈન્ટ પોલીસ કમિશનરને લખ્યો પત્ર

    "આ પ્રકારની બેદરકારી પર તાત્કાલિક ધ્યાન આપવાની જરૂર છે કારણ કે તેનાથી મારા જીવન પર પણ જોખમ ઉભું થઇ શકે છે." 

    - Advertisement -

    દિલ્હી હાઇકોર્ટના પૂર્વ જજ ગૌરાંગ કાન્ત હાલ ચર્ચામાં છે. જોકે, ચર્ચામાં તો તેમનો એક પત્ર છે, જે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. દિલ્હી પોલીસના જોઈન્ટ કમિશનરને લખેલા પત્રમાં જજે નિવાસસ્થાને હાજર પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવા માટે કહ્યું હતું. કારણ એ હતું કે તેમની બેદરકારીના કારણે ન્યાયાધીશનો શ્વાન ગુમ થઇ ગયો હતો. 

    પત્ર 12 જૂન, 2023ના રોજ લખવામાં આવ્યો હતો, જે તાજેતરમાં સોશિયલ મીડિયા પર ફરતો થઇ ગયો. તે સમયે ગૌરાંગ કાન્ત દિલ્હી હાઇકોર્ટના જજ હતા. હાલ કોલકત્તા હાઇકોર્ટમાં તેમની બદલી થઇ છે. તેમણે દિલ્હી પોલીસના જોઈન્ટ કમિશનર ઑફ પોલીસ (સુરક્ષા)ને પત્ર લખ્યો હતો. 

    જજે કમિશનરને લખેલા પત્રમાં તેમણે કહ્યું કે, “હું આ પત્ર પીડા અને આક્રોશ સાથે લખી રહ્યો છું. મારા સરકારી નિવાસસ્થાન પર સુરક્ષામાં હાજર અધિકારીઓની નિષ્ઠામાં ઉણપ અને અક્ષમતાના કારણે મેં પાલતુ શ્વાન ગુમાવી દીધો છે. વારંવાર દરવાજો બંધ રાખવાનું કહેવા છતાં મારા નિવાસસ્થાને ફરજ પર તહેનાત સુરક્ષા અધિકારીઓએ નિર્દેશોનું પાલન કર્યું ન હતું. આ પ્રકારની બેદરકારી પર તાત્કાલિક ધ્યાન આપવાની જરૂર છે કારણ કે તેનાથી મારા જીવન પર પણ જોખમ ઉભું થઇ શકે છે.” 

    - Advertisement -

    આગળ ન્યાયાધીશે કહ્યું કે, સુરક્ષાકર્મીઓના આવા વલણના કારણે તેમના નિવાસસ્થાને કોઈ અનિચ્છનીય બનાવ પણ બની શકે છે અને તેમને પોતાની સુરક્ષાની ચિંતા છે. ગેટનું પૂરતું ધ્યાન ન રાખવું અને ચહલપહલ પર નજર ન રાખવી એ વલણ અસહ્ય છે. તેમણે પોલીસ અધિકારીને વિનંતી કરીને કહ્યું કે, આ સુરક્ષાકર્મીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે અને પત્રમાં ઉલ્લેખિત કરેલા મુદ્દા પર પૂરતી તપાસ કરવામાં આવે. તેમણે આ મામલે ત્રણ અઠવાડિયાંની અંદર રિપોર્ટ જમા કરાવવા માટે પણ કહ્યું હતું. આ પત્ર પર દિલ્હી પોલીસ તરફથી કોઈ કાર્યવાહી કરવામાં આવી છે કે કેમ તે હજુ સુધી જાણી શકાયું નથી. 

    ઉલ્લેખનીય છે કે આ પહેલાં તાજેતરમાં જ અલાહાબાદ હાઇકોર્ટના જજ જસ્ટિસ ગૌતમ ચૌધરી આવાં જ કારણોને લઈને ચર્ચામાં આવ્યા હતા. તેઓ ટ્રેનમાં યાત્રા કરી રહ્યા હતા તે દરમિયાન અસુવિધાનો સામનો કરવો પડ્યો હતો, જેના કારણે તેમણે અધિકારીઓ પાસેથી સ્પષ્ટીકરણ માગ્યું હતું. જોકે, ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા ડીવાય ચંદ્રચુડે આ ઘટના પર નારાજગી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે, જજોનો પ્રોટોકોલ હેઠળ મળતી સુવિધા પર વિશેષાધિકાર નથી. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં