ગુજરાત રમખાણો બાદ દસ્તાવેજો સાથે છેડછાડ કરી સાક્ષીઓને ભણાવી તત્કાલીન રાજ્ય સરકાર સામે ષડ્યંત્ર રચવાના આરોપોનો સામનો કરતાં તથાકથિત એક્ટિવિસ્ટ તીસ્તા સેતલવાડને ગુજરાત હાઇકોર્ટ તરફથી જામીન ન મળ્યા બાદ તેમણે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. સુપ્રીમ કોર્ટે રાત્રે સુનાવણી હાથ ધરીને સેતલવાડને વચગાળાના જામીન આપ્યા છે.
સુપ્રીમ કોર્ટે તીસ્તા સેતલવાડને એક અઠવાડિયા માટે રાહત આપી છે. આ સાથે તેમના જામીન રદ કરવાના ગુજરાત હાઇકોર્ટના આદેશ પર સ્ટે મૂકી દીધો છે.
#Breaking #TeestaSetalvad #SupremeCourt pic.twitter.com/aU9iH8Yi0L
— Live Law (@LiveLawIndia) July 1, 2023
શનિવારે સવારે ગુજરાત હાઇકોર્ટે તીસ્તા સેતલવાડની જામીન અરજી પર સુનાવણી કરીને અરજી ફગાવી દીધી હતી. કોર્ટે તેમને તાત્કાલિક સરેન્ડર કરવા માટે કહ્યું હતું. તીસ્તાના વકીલે ઉપલી કોર્ટમાં જવા માટે 30 દિવસનો સમય માંગ્યો હતો, પરંતુ કોર્ટે ઇનકાર કરી દીધો હતો.
ગુજરાત હાઇકોર્ટમાંથી જામીન ન મળ્યા બાદ તીસ્તા સેતલવાડે સુપ્રીમ કોર્ટ સમક્ષ અરજી કરી હતી. શનિવારે સાંજે સુપ્રીમ કોર્ટના બે જજની બેન્ચે તીસ્તાની અરજી પર સુનાવણી હાથ ધરી હતી, પરંતુ બંને ન્યાયાધીશો વચ્ચે સહમતી બની શકી ન હતી. જેના કારણે તેમણે ચીફ જસ્ટિસને આ કેસ મોટી બેન્ચને સોંપવા માટે વિનંતી કરી હતી. ત્યારબાદ અન્ય એક બેન્ચે રાત્રે 9:15 કલાકે મામલાની સુનાવણી હાથ ધરી હતી.
ગત મે, 2022માં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તીસ્તા સેતલવાડ, આરબી શ્રીકુમાર અને સંજીવ ભટ્ટ- ત્રણ સામે ગુજરાત રમખાણો બાદ રાજ્ય સરકારને અસ્થિર કરવા માટે મોટું કાવતરું ઘડવાના આરોપસર કેસ દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ત્રણેયની ધરપકડ કરી લેવામાં આવી હતી. સપ્ટેમ્બર, 2022માં સેતલવાડે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી કરી હતી, જ્યાં કોર્ટે તેમને વચગાળાના જામીન આપ્યા હતા. સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઇકોર્ટ જ્યાં સુધી જામીન અરજી પર નિર્ણય ન કરે ત્યાં સુધી રાહત આપી હતી. હવે ગુજરાત હાઇકોર્ટે જામીન રદ કરતાં ફરીથી તેમની ઉપર તલવાર લટકતાં સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા.
તાજેતરમાં જ ગુજરાત સરકારે જવાબ દાખલ કરીને તીસ્તા સેતલવાડના જામીનનો વિરોધ કર્યો હતો. સરકારે હાઇકોર્ટને જણાવ્યું કે, અરજદાર (તીસ્તા) અને તેમના અન્ય બે સાથીઓ- આરબી શ્રીકુમાર અને સંજીવ ભટ્ટે સાથે મળીને એક મોટું કાવતરું પાર પાડવા માટે ષડ્યંત્ર રચ્યું હતું અને તીસ્તા સેતલવાડ વિશે કહ્યું કે તેઓ એક રાજકીય પાર્ટીના નેતાના કહ્યા પ્રમાણે કામ કરતાં હતાં. આ નેતા બીજું કોઈ નહીં પરંતુ કોંગ્રેસના અહમદ પટેલ હતા. તેમણે તીસ્તા સેતલવાડને 30 લાખ રૂપિયા આપ્યા હોવાનું અનેક વખત સામે આવી ચૂક્યું છે, જેનો ઉલ્લેખ સરકારે હાઇકોર્ટ સમક્ષ પણ કર્યો હતો