2002નાં ગુજરાત રમખાણો બાદ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને તેમની સરકાર સામે ષડ્યંત્ર રચવાના આરોપસર દાખલ થયેલા કેસમાં ગુજરાત હાઇકોર્ટે તથાકથિત એક્ટિવિસ્ટ તીસ્તા સેતલવાડની જામીન અરજી ફગાવી દીધી છે. હાઇકોર્ટે સેલતવાડને તાત્કાલિક સરેન્ડર કરવા માટે કહ્યું છે.
Breaking: Gujarat High Court rejects the regular bail application of Teesta Setalvad and ordered her to surrender immediately in connection with the alleged fabrication of evidence and tutoring of witnesses in cases related to the 2002 post-Godhra riots. pic.twitter.com/bXdIaFQkFW
— Live Law (@LiveLawIndia) July 1, 2023
ગત મે, 2022માં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તીસ્તા સેતલવાડ, આરબી શ્રીકુમાર અને સંજીવ ભટ્ટ- ત્રણ સામે ગુજરાત રમખાણો બાદ રાજ્ય સરકારને અસ્થિર કરવા માટે મોટું કાવતરું ઘડવાના આરોપસર કેસ દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ત્રણેયની ધરપકડ કરી લેવામાં આવી હતી. સપ્ટેમ્બર, 2022માં સેતલવાડે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી કરી હતી, જ્યાં કોર્ટે તેમને વચગાળાના જામીન આપ્યા હતા. સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઇકોર્ટ જ્યાં સુધી જામીન અરજી પર નિર્ણય ન કરે ત્યાં સુધી તીસ્તાને રાહત આપી હતી.
સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યા બાદ તીસ્તા સેતલવાડ જેલની બહાર આવ્યાં હતાં, પરંતુ હવે ગુજરાત હાઇકોર્ટે અરજી ફગાવતાં તેમણે ફરી જેલ જવું પડશે. કોર્ટે તેમને તાત્કાલિક ધોરણે સરેન્ડર કરવા માટે આદેશ આપ્યો છે. સેતલવાડના વકીલે કોર્ટને 30 દિવસ માટે આદેશ પર સ્ટે મૂકવા માટે વિનંતી કરી હતી, જેને કોર્ટે ફગાવી દીધી હતી. વિસ્તૃત કોર્ટ ઓર્ડરની રાહ જોવામાં આવી રહી છે.
ગુજરાત સરકારે કર્યો હતો જામીનનો વિરોધ
તાજેતરમાં જ ગુજરાત સરકારે જવાબ દાખલ કરીને તીસ્તા સેતલવાડના જામીનનો વિરોધ કર્યો હતો. સરકારે હાઇકોર્ટને જણાવ્યું કે, અરજદાર (તીસ્તા) અને તેમના અન્ય બે સાથીઓ- આરબી શ્રીકુમાર અને સંજીવ ભટ્ટે સાથે મળીને એક મોટું કાવતરું પાર પાડવા માટે ષડ્યંત્ર રચ્યું હતું અને તીસ્તા સેતલવાડ વિશે કહ્યું કે તેઓ એક રાજકીય પાર્ટીના નેતાના કહ્યા પ્રમાણે કામ કરતાં હતાં. આ નેતા બીજું કોઈ નહીં પરંતુ કોંગ્રેસના અહમદ પટેલ હતા. તેમણે તીસ્તા સેતલવાડને 30 લાખ રૂપિયા આપ્યા હોવાનું અનેક વખત સામે આવી ચૂક્યું છે, જેનો ઉલ્લેખ સરકારે હાઇકોર્ટ સમક્ષ પણ કર્યો હતો.
તીસ્તા સેતલવાડની જામીન અરજીનો વિરોધ કરતી વખતે સરકાર તરફથી વકીલે બેસ્ટ બેકરી કેસના સાક્ષીઓનાં નિવેદનો પણ ટાંક્યાં હતાં અને કહ્યું હતું કે સેતલવાડે પોતાના એજન્ડા માટે સાક્ષીઓને ભણાવ્યા હતા. આ દલીલોના આધારે સરકારે કોર્ટને કહ્યું હતું કે જો તીસ્તાને જામીન આપવામાં આવે તો તેઓ પુરાવા સાથે છેડછાડ કરી શકે છે અને તેમને મુક્ત કરવાં એ જાહેર જનતાના હિતમાં નથી.