તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘આદિપુરુષ’ની દર્શકો આકરી ટીકા કરી રહ્યા છે. વીએફએક્સ, ડાયલોગ્સ તેમજ પાત્રોના દેખાવને કારણે ફિલ્મને તેઓ સ્વીકારી નથી શક્યા. આદિપુરુષ વિવાદ હવે વકરી રહ્યો હોય તેવું લાગે છે કારણકે, ફિલ્મના નિર્માતાઓ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. એનજીઓ ‘સંઘર્ષ’ના અધ્યક્ષ પૃથ્વીરાજ મસ્કેએ ‘આદિપુરુષ’ના નિર્દેશક ઓમ રાઉત, નિર્માતા કૃષ્ણ કુમાર સામે હિંદુઓની લાગણી દુભાવવાનો આરોપ મૂકીને મુંબઈના અંધેરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે, ‘ફિલ્મમાં માતા સીતાને સફેદ સાડી પહેરેલા બતાવવામાં આવ્યાં છે. પરંતુ, જ્યારે તેમણે મહેલ છોડ્યો હતો ત્યારે તેઓએ ભગવા રંગની સાડી પહેરી હતી. તો ભગવાન રામને યોદ્ધા તરીકે રજૂ કરવામાં આવ્યા છે, જ્યારે તેઓ તો મર્યાદા પુરુષોત્તમ હતા. આ ઉપરાંત, રાવણની લંકા પથ્થરોથી નિર્મિત બતાવવામાં આવી છે, વાસ્તવમાં આ સોનાની બનેલી હતી. સીતાજીનો જન્મ નેપાળમાં થયો હતો પરંતુ, ફિલ્મમાં એમનું જન્મસ્થાન ભારતમાં બતાવવામાં આવ્યું છે.’
A written complaint was lodged against the producer-director of the film #Adipurush at the Andheri police station in Mumbai by a person named Prithviraj Maske.
— Indrajeet chaubey (@indrajeet8080) June 17, 2023
Complainant has demanded registration of a case against the producer director of the film.#ADHIPURUSH@MumbaiPolice pic.twitter.com/o2vUrC7koX
આદિપુરુષ ફિલ્મમાં હનુમાનજીના પાત્ર દ્વારા બોલાયેલા ડાયલૉગ્સને લઈને પણ વિવાદ ચાલી રહ્યો છે. જે અંગે ફરિયાદમાં કહેવામાં આવ્યું કે, હનુમાનજીને નિમ્ન સ્તરની ભાષામાં વાત કરતા બતાવવામાં આવ્યા છે, જે પણ અપમાનજનક છે. ફરિયાદમાં કહેવામાં આવ્યું કે આદિપુરુષ ફિલ્મના માધ્યમથી સંપૂર્ણ હિંદુ સમાજનું અપમાન કરવામાં આવ્યું છે, જેથી તેના નિર્માતા અને નિર્દેશક સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે. આ મામલે FIR થઇ છે કે નહીં તે આ લખાય રહ્યું છે ત્યાં સુધીમાં જાણી શકાયું નથી.
આદિપુરુષના ડાયલૉગ્સને લેખક મનોજ મુંતશિરે યોગ્ય ઠેરવ્યા
ઉલ્લેખનીય છે કે, ફિલ્મમાં હનુમાનજીનું પાત્ર ‘કપડા તેરે બાપ કા’ એવો ડાયલૉગ બોલે છે. આ અંગે વિવાદ સર્જાયા બાદ લેખક મનોજ મુંતશિરે કહ્યું હતું કે, “લખવામાં કોઈ ભૂલ નથી થઈ. આવા ડાયલૉગ્સ જાણીજોઈને રાખવામાં આવ્યા છે જેથી આજકાલના લોકો તેનાથી જોડાઈ શકે. હું પહેલો નથી જેણે આ ડાયલોગ્સ લખ્યા છે.”
આદિપુરુષ વિવાદ વચ્ચે ઓમ રાઉતનું જૂનું ટ્વીટ વાયરલ થયું
આદિપુરુષ વિવાદ વચ્ચે નેટિઝન્સે ફિલ્મ નિર્દેશક ઓમ રાઉતનું એક જૂનું ટ્વીટ શોધી કાઢ્યું છે. મીડિયા અહેવાલ અનુસાર, સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી આ ટ્વીટ વર્ષ 2015ની છે. રાઉતની કથિત ટ્વીટમાં લખવામાં આવ્યું છે કે, ‘શું ભગવાન હનુમાન બહેરા હતા? મારી બિલ્ડિંગની આસપાસના લોકો આવું વિચારે છે. ખાસ કરીને હનુમાન જયંતી પર, જ્યારે લોકો મોટા અવાજે અપ્રાસંગિક ગીતો વગાડે છે.’