વડાપ્રધાન નરેન્દ્ર મોદી 20થી 25 જૂન દરમિયાન અમેરિકા અને ઈજિપ્તના પ્રવાસે જઈ રહ્યા છે. પીએમ મોદીએ અમેરિકન રાષ્ટ્રપતિ જો બાયડન અને ફર્સ્ટ લેડી જિલ બાયડનનું આમંત્રણ સ્વીકાર્યું છે અને તેઓ 20થી 23 જૂન સુધી અમેરિકાની સત્તાવાર મુલાકાત લેવાના છે. આ દરમિયાન વડાપ્રધાન જુદા-જુદા કાર્યક્રમોમાં ભાગ લેશે અને ઘણાં મહત્વપૂર્ણ મુદ્દાઓ પર પણ ચર્ચા કરે તેવી શક્યતા છે. વિદેશ મંત્રાલયે આપેલી વિગતો અનુસાર, પીએમ મોદીનો અમેરિકા પ્રવાસ ન્યુયોર્કથી શરુ થશે, જ્યાં તેઓ 21 જૂને સંયુક્ત રાષ્ટ્રના હેડક્વાર્ટર ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસના કાર્યક્રમનું નેતૃત્વ કરવાના છે.
22 જૂનના રોજ વડાપ્રધાન મોદીનું વોશિંગ્ટન ખાતે ઔપચારિક સ્વાગત કરવામાં આવશે. ત્યારબાદ તેઓ અમેરિકન પ્રમુખ જો બાયડન સાથે ઉચ્ચ-સ્તરીય બેઠક કરવાના છે. ઉલ્લેખનીય છે કે, પીએમ મોદીને અમેરિકન સંસદના સ્પીકર કેવિન મેકકાર્થી અને સેનેટના સ્પીકર ચાર્લ્સ શૂમર સહિતના કોંગ્રેસના નેતાઓએ સંસદના સંયુક્ત સત્રને સંબોધિત કરવા આમંત્રણ આપ્યું છે. 22 જૂને આ સંબોધન પૂર્ણ થયા બાદ વ્હાઈટ હાઉસની સાઉથ લૉન પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે.
પીએમ મોદીને આવકારવા માટે પ્રમુખ જો બાયડન દ્વારા સ્ટેટ ડિનરનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ભારત-અમેરિકાના મજબૂત સંબંધોની ઉજવણી કરવામાં આવશે. આ ભવ્ય આયોજન અંગે એક વખત જો બાયડને પીએમ મોદીને કહ્યું હતું કે, “તમે અમેરિકામાં પણ અત્યંત લોકપ્રિય છો. સ્ટેટ ડિનરની ઇવેન્ટમાં સામેલ થવા માટે મને કેટલાય મહાનુભવો વિનંતી કરી રહ્યા છે.”
23 જૂને વડાપ્રધાન મોદી અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ અને સેક્રેટરી ઑફ સ્ટેટ એન્ટની બ્લિંકન દ્વારા આયોજિત લંચમાં સામેલ થશે. આ ઉપરાંત, પીએમ મોદી અગ્રણી કંપનીના સીઈઓ, બિઝનેસમેન અને અન્ય સ્ટેકહોલ્ડર્સ સાથે પણ વાતચીત કરશે. અમેરિકામાં તેઓ ભારતીય ડાયસ્પોરાના સભ્યોને પણ મળવાના છે.
VIDEO | "Next week, we will be honoured to have him (PM Modi) address a joint meeting of the Congress underscoring the significance between the United States and India," says Senator Cindy Hyde-Smith on PM's state visit to the US. pic.twitter.com/hImNfnq6Vr
— Press Trust of India (@PTI_News) June 16, 2023
ઈજિપ્તના રાષ્ટ્રપતિ અલ-સીસીએ પીએમ મોદીને આપ્યું હતું આમંત્રણ
પીએમ મોદીનો અમેરિકા પ્રવાસ પૂર્ણ થયા બાદ તેઓ 24-25 જૂન, 2023 દરમિયાન આરબ રિપબ્લિક ઑફ ઇજિપ્તની રાજકીય મુલાકાત લેશે. વડાપ્રધાન મોદી આ મુલાકાત ઈજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતહ અલ-સીસીના આમંત્રણ પર કરી રહ્યા છે.
અલ-સીસીએ ભારતના પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી અને વડાપ્રધાન મોદીને ઇજિપ્તની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું હતું. ભારત અને ઈજિપ્ત વચ્ચેના સંબંધો પ્રાચીન વેપાર તેમજ આર્થિક અને સાંસ્કૃતિક જોડાણો પર આધારિત છે. જાન્યુઆરી 2023માં રાષ્ટ્રપતિ સીસી ભારતની મુલાકાત દરમિયાન બંને દેશોના સંબંધોને વ્યૂહાત્મક ભાગીદારીમાં તબદીલ કરવા સંમત થયા હતા.