મહાકાવ્ય રામાયણ પર આધારિત ફિલ્મ ‘આદિપુરુષ’ તેનું ટીઝર રિલીઝ થયું ત્યારથી જ વિવાદોનો સામનો કરી રહી છે. અગાઉ આ ફિલ્મમાં અભિનેતા સૈફ અલી ખાનના રાવણ તરીકેના ચિત્રણ સામે રોષ પેદા થયો હતો. હવે ‘આદિપુરુષ’ના નિર્દેશકે મંદિરમાં અભિનેત્રીને ચુંબન કરતા વિવાદ સર્જાયો છે.
‘આદિપુરુષ’ ટૂંક સમયમાં સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે ત્યારે નિર્દેશક ઓમ રાઉત અને અભિનેત્રી કૃતિ સેનન તિરુપતિ સ્થિત ભગવાન વેંકટેશ્વરના મંદિરમાં દર્શન કરવા પહોંચ્યા હતા. આ દરમિયાન મંદિર પરિસરમાંથી બહાર નીકળતાં પહેલાં ‘આદિપુરુષ’ના નિર્દેશકે અભિનેત્રીના ગાલ પર ચુંબન કર્યું હતું અને તેને ભેટ્યા હતા. આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો અને નેટિઝન્સે મંદિરમાં આવા વર્તન બદલ ઓમ રાઉતને ફટકાર લગાવી હતી.
વાયરલ વિડીયોમાં જોવા મળે છે કે અભિનેત્રી કૃતિ સેનન કારમાં બેસવા જતાં પહેલાં ઓમ રાઉત અને અન્યોને મળે છે. દરમ્યાન ઓમ રાઉત અભિનેત્રીને ગળે મળીને ગાલ પર ચુંબન કરે છે.
Pecks & flying kiss are not allowed & it’s basic sense they shouldn’t do this in temple premises. #Bollywood actor #KritiSanon greeted Director #OmRaut with a peck & in return #OmRaut with a flying kiss while leaving after #LordVenkateshwara darshan in #Tirupati. pic.twitter.com/qiGEs6gwyD
— Sowmith Yakkati (@sowmith7) June 7, 2023
ચિલ્કુર બાલાજી મંદિરના પૂજારીએ કહ્યું- ‘આ બધું હોટેલના રૂમમાં જઈને કરો’
ઓમ રાઉતનો ગુડબાય કિસ આપતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ આ અંગે તેલંગાણાના ચિલ્કુર બાલાજી મંદિરના મુખ્ય પૂજારીએ પણ પ્રતિક્રિયા આપી હતી. તેમણે આ ઘટનાનો વિરોધ કરતા જણાવ્યું કે, “આ એક નિંદનીય કૃત્ય છે. પતિ-પત્ની પણ મંદિરમાં સાથે નથી જતા. આ બધું હોટેલના રૂમમાં જઈને કરો. તમારું આવું વર્તન રામાયણ અને દેવી સીતાનું અપમાન જેવું છે.” તો ભાજપના રાજ્ય સચિવ રમેશ નાયડુએ પણ ફિલ્મમેકરની ટીકા કરી હતી.
ઉલ્લેખનીય છે કે, 6 જૂન, 2023ના રોજ તિરુમાલામાં ‘આદિપુરુષ’ની ભવ્ય ટ્રેલર લૉન્ચ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. એ પછી બીજા દિવસે દિગ્દર્શક ઓમ રાઉત અને કૃતિ સેનન તિરુપતિ મંદિરમાં દર્શન માટે પહોંચ્યાં હતાં.
બીજી તરફ કૃતિ સેનને નાસિકના પંચવટીમાં સીતા ગુફા અને કાલારામ મંદિરની મુલાકાત લીધી હતી ત્યારે ઘણા લોકોએ તેનો વિરોધ કર્યો હતો. તેમનું માનવું છે કે, ફિલ્મની રિલીઝ ડેટ જેમ નજીક આવે તેમ બોલીવુડના લોકો ધર્મ પાળવા લાગે છે. બીજી તરફ કેટલાક લોકોએ મૂવી માર્કેટિંગ માટે ધાર્મિક સ્થળોના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાની પણ ભલામણ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, ‘આદિપુરુષ’માં કૃતિ સેનન સીતા માતાની ભૂમિકા ભજવી રહી છે. તો ‘બાહુબલી’ ફેમ પ્રભાસ પ્રભુ શ્રીરામ અને સૈફ અલી ખાન લંકેશ રાવણની ભૂમિકામાં છે. ફિલ્મમાં સની સિંહ લક્ષ્મણજી તરીકે અને દેવદત્ત નાગ બજરંગ બલીના રોલ ભજવતા જોવા મળશે. આ ફિલ્મ રૂ. 500 કરોડના વિશાળ બજેટમાં બની હોવાનું કહેવાય છે. ‘આદિપુરુષ’ 16 જૂન, 2023ના રોજ હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમમાં સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.