વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે જાપાનથી સીધા પાપુઆ ન્યૂ ગિની નામના નાનકડા દેશમાં પહોંચ્યા. અહીં તેમનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું. આ દેશમાં એવી પરંપરા છે કે અહીં સૂર્યાસ્ત પછી આવનાર નેતાઓનું ઔપચારિક સ્વાગત કરવામાં નથી આવતું. પણ પીએમ મોદીના સ્વાગત માટે આ દાયકાઓ જૂની પરંપરા પણ તોડી નંખાઈ અને એટલું જ નહીં ત્યાંના વડાપ્રધાન જેમ્સ મારાપેએ રીતસર પીએમ મોદીના ચરણસ્પર્શ પણ કર્યા.
#WATCH | Prime Minister of Papua New Guinea James Marape seeks blessings of Prime Minister Narendra Modi upon latter's arrival in Papua New Guinea. pic.twitter.com/gteYoE9QOm
— ANI (@ANI) May 21, 2023
કોઈ દેશના વડા અન્ય રાષ્ટ્રાધ્યક્ષનું આ પ્રકારે સન્માન કરે તે કોઈ નાની વાત નથી. એક રીતે આ ભારતનું સન્માન કહેવાય. પરંતુ આ કેમ થયું એ પણ જાણવું રસપ્રદ રહેશે. વાસ્તવમાં, ભારતે આ નાનકડા દેશ સામે એ સમયે મદદનો હાથ લંબાવ્યો હતો, જ્યારે આખી દુનિયા એક મહામારી સામે લડી રહી હતી.
કોરોના મહામારી દરમિયાન સૌથી વધુ પીડા નાના અને ગરીબ દેશોએ ભોગવવી પડી. એક તરફ અર્થવ્યવસ્થા પર માર પડ્યો તો બીજી તરફ પૂરતાં સંસાધનો ન હોવાના કારણે વેક્સિન કે દવા બનાવવું પણ સરળ ન હતું. આ તરફ મોટા દેશોએ વેક્સિન બનાવવા માટે પ્રયાસો શરૂ કરી દીધા હતા, પરંતુ તેમણે પણ પોતાની જરૂરિયાતો પહેલાં સંતોષવાની હતી.
આમ તો કોરોના મહામારી શરૂ થયા બાદ ભારત વિશે પણ પશ્ચિમી દેશોમાં માન્યતા હતી કે તેને સૌથી વધુ નુકસાન થશે, પરંતુ પીએમ મોદીની આગેવાનીમાં ભારતે એ માન્યતા ખોટી પાડી અને ન માત્ર કોરોનાની રસી બનાવી પરંતુ સંખ્યાબંધ દેશોને નિર્યાત પણ કરી. એમાંથી જ એક દેશ આ પાપુઆ ન્યૂ ગિની છે.
એપ્રિલ 2021માં પાપુઆ ન્યૂ ગિનીમાં કોરોનાના કારણે સ્થિતિ વધુ બગડી હતી અને સતત વધતા કોરોના કેસના કારણે સ્વાસ્થ્ય વ્યવસ્થા પણ પડી ભાંગી હતી. ઉપરાંત, પૂરતી રસી ન હોવાના કારણે રસીકરણ કાર્યક્રમમાં પણ વિલંબનો સામનો કરવો પડી રહ્યો હતો. તે વખતે ભારતે પાપુઆ ન્યૂ ગિનીને કોરોનાની રસીના લાખો ડોઝ પૂરા પાડ્યા હતા. 7 એપ્રિલ, 2021ના રોજ ભારત અને પાપુઆ ન્યૂ ગિનીની સરકારો વચ્ચે કોરોનાની કોવિશીલ્ડ રસીના 1,32,000 ડોઝ માટેના કરાર થયા હતા. ત્યારબાદ બીજા અઠવાડિયે ભારત તરફથી આ ડોઝ મોકલી આપવામાં આવ્યા હતા.
પાપુઆ ન્યૂ ગિની ઓસ્ટ્રેલિયાની ઉપરની તરફ આવેલો એક નાનકડો ટાપુ દેશ છે. જેની વસ્તી 90થી 95 લાખની છે. વડાપ્રધાન મોદી અહીંની યાત્રા કરનાર પહેલા ભારતીય વડાપ્રધાન છે. તેઓ આવતીકાલે અહીં ફોરમ ફોર ઇન્ડિયા-પેસેફિક કોર્પોરેશનની સમિટમાં ભાગ લેશે. જ્યાંથી બીજા દિવસે તેઓ ઓસ્ટ્રેલિયા જશે. ત્યાં બે દિવસ રોકાઈને 24મીએ વતન પરત ફરશે.