બોલિવુડના બે ઍક્ટર્સને હેલ્મેટ વગર ટુ-વ્હીલર પર સવારી કરવી ભારે પડી છે. તાજેતરમાં મુંબઈ ટ્રાફિક પોલીસે અમિતાભ બચ્ચન અને અનુષ્કા શર્માને દંડ ફટકાર્યો હતો. બંને જુદા-જુદા કિસ્સાઓમાં હેલ્મેટ વગર બાઈક પાછળ બેસીને મુંબઈના રસ્તા પર ફરતા હોવાની પોલીસને ફરિયાદ મળી હતી. એવામાં ટ્રાફિક પોલીસે બાઈક નંબર તપાસીને બંને એક્ટરોને ચલણ ભરવા માટે જણાવ્યું છે.
એક સિનિયર પોલીસ અધિકારીએ PTIને જણાવ્યું હતું કે, “અમિતાભ અને અનુષ્કા બંનેને તેમના ડ્રાઈવર મારફતે દંડ ફટકારવામાં આવ્યો છે કારણકે, તેઓ હેલ્મેટ વગર મુંબઈના રસ્તા પર સવારી કરતા જોવા મળ્યા હતા.” ઉલ્લેખનીય છે કે, એક્ટર્સના ફોટો અને વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ નેટિઝન્સે મુંબઈ ટ્રાફિક પોલીસનું ધ્યાન દોર્યું હતું, જેનું સંજ્ઞાન લીધા બાદ ટ્રાફિક પોલીસે તેમને ચલણ ભરવા કહ્યું હતું.
Challan has been issued under Sec 129/194(D), Sec 5/180 & Sec 3(1)181 MV act to the driver along with an fine of Rs. 10500 & been paid by the offender. https://t.co/aLp6JEstLO pic.twitter.com/Br0ByHZk4T
— Mumbai Traffic Police (@MTPHereToHelp) May 16, 2023
ટ્રાફિકથી બચવા માટે અમિતાભ બચ્ચને અજાણ્યા ચાહક પાસેથી લિફ્ટ લીધી
અમિતાભ બચ્ચને તાજેતરમાં શૂટિંગ સેટ પર જલ્દી પહોંચવા અને ટ્રાફિકથી બચવા માટે અજાણી વ્યક્તિ પાસેથી લિફ્ટ લીધી હતી. તેમણે એ વ્યક્તિને પોતાનો ‘રાઈડ બડી’ કહ્યો હતો. જોકે, હવે આ જ રાઈડ બડીને ચલણ ભરવાનો વારો આવ્યો છે. સમયસર પહોંચવા બિગ-બીએ લિફ્ટ તો લીધી, પણ તેનો ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા બાદ તેઓ યુઝર્સના નિશાના પર આવી ગયા હતા. અમિતાભ બચ્ચને ફોટો પોસ્ટ કર્યા બાદ બ્લોગ પોસ્ટમાં લખ્યું હતું કે, “લોકો રસ્તા પર બેફામ વાહનો હંકારે છે. આ લોકોને ડ્રાઈવિંગ લાયસન્સ કઈ રીતે મળી ગયા તે આશ્ચર્ય છે. આ લોકોને વાહન અટકાવી, નીચે ઉતારીને ટ્રાફિક નિયમો વિશે જણાવવું જોઈએ.”
જોકે, આ પોસ્ટ પર સંખ્યાબંધ લોકોએ કમેન્ટ કરીને એવું જણાવ્યું હતું કે નિયમ અનુસાર હેલ્મેટ પહેરવું ફરજિયાત છે. તમે કે બાઈક ચાલક કોઈએ હેલ્મેટ પહેર્યું નથી.
હેલ્મેટ ન પહેરનારી અનુષ્કા શર્માને કરવામાં આવી ટ્રોલ
બીજી તરફ અભિનેત્રી અનુષ્કા શર્માને પણ હેલ્મેટ ન પહેરવાને લઈને ખૂબ ટ્રોલ કરવામાં આવી હતી. લોકોએ તેનો જૂનો વિડીયો ટાંક્યો હતો જેમાં અભિનેત્રી એક કારમાં સવાર વ્યક્તિને રસ્તા પર કચરો ફેંકવા બદલ ફટકાર લગાવે છે. સોશિયલ મીડિયા યુઝર્સે અનુષ્કાને નિયમો તોડવા બદલ તેનું જ વર્તન યાદ કરાવ્યું હતું. અનુષ્કા શર્માના બોડીગાર્ડ અને રાઈડર સોનુ ઉર્ફ મોહમ્મદ ઉમર શેખે 3 ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું.
અનુષ્કા શર્માને 10,500 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો
મુંબઈ ટ્રાફિક પોલીસે કહ્યું કે, સેક્શન 129 મોટર વ્હીકલ ઍક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં રાઈડર અને પાછળ સવાર વ્યક્તિ બંનેને દંડ ફટકારવામાં આવ્યો છે. અમિતાભ બચ્ચનના કેસમાં બાઇક સવાર દીપક ગાયકવાડને 500 રૂપિયાનું ચલણ અને 500 જૂનો દંડ એટલે કે 1000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. તો અનુષ્કા શર્માના કેસમાં દંડની રકમ વધુ થઈ છે કારણ કે તેના ડ્રાઇવર પાસે લાઇસન્સ નહતું, તેથી ડ્રાઇવર અને વાહન માલિક બંનેને 5000 રૂપિયાનો દંડ તેમજ હેલ્મેટ માટે 500 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. એટલે કે કુલ 10500 રૂપિયાનું ચલણ કાપવામાં આવ્યું છે.