આશરે ચાર વર્ષ સુધી દુનિયાભરમાં ભયનો માહોલ ઊભો કરનારા કોરોના વાયરસને લઈને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ મહત્વની જાહેરાત કરી છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ કહ્યું છે કે, હવે કોવિડ-19 ગ્લોબલ હેલ્થ ઇમરજન્સી નથી રહ્યો એટલે કે કોરોના વૈશ્વિક મહામારી તરીકે ખતમ થઈ ચૂક્યો છે.
WHOના અધ્યક્ષ ટેડ્રોસ અદનોમ ઘેબ્રેયસસના જણાવ્યા અનુસાર, “કોરોના અંગે સંગઠનની ઇમરજન્સી સમિતિની 15મી બેઠક યોજાઈ હતી. જેમાં મને કહેવામાં આવ્યું હતું કે પબ્લિક હેલ્થ ઇમરજન્સી તરીકે હવે કોરોના ખતમ થવાની જાહેરાત કરી દેવી જોઈએ. મેં તેમની સલાહ માની લીધી છે. એટલે હવે હું મોટી આશા સાથે ગ્લોબલ હેલ્થ ઇમરજન્સી તરીકે કોરોના ખતમ થવાની જાહેરાત કરું છું.”
Yesterday, the #COVID19 Emergency Committee met for the 15th time and recommended to me that I declare an end to the public health emergency of international concern. I have accepted that advice.
— Tedros Adhanom Ghebreyesus (@DrTedros) May 5, 2023
With great hope I declare COVID-19 over as a global health emergency.
ડૉ. ટેડ્રોસે એવું પણ જણાવ્યું કે, હવે કોરોના વૈશ્વિક મહામારી ભલે નથી, પણ વાયરસ સંપૂર્ણપણે ખતમ નથી થયો. હજુ પણ નવા વેરિયન્ટ આવી રહ્યા છે એટલે સાવધાન રહેવાની જરૂર છે.:”
ઉલ્લેખનીય છે કે, વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા 30 જાન્યુઆરી, 2020ના રોજ કોવિડને ગ્લોબલ હેલ્થ ઇમરજન્સી જાહેર કરવામાં આવ્યો હતો. WHOના જણાવ્યા અનુસાર, જ્યારે કોરોનાને ગ્લોબલ હેલ્થ ઇમરજન્સી જાહેર કરવામાં આવ્યો હતો ત્યારે ચીનમાં 100થી ઓછા કોરોનાના કેસ આવ્યા હતા અને કોઈનું પણ મૃત્યુ ન હતું થયું. પરંતુ આ આંકડા ત્રણ વર્ષ બાદ વધીને 70 લાખ સુધી પહોંચી ગયા હતા.
ભારતમાં કોરોનાની ત્રણ લહેર આવી હતી
રિપોર્ટ અનુસાર, દેશમાં કોરોનાનો પહેલો કેસ 30 જાન્યુઆરી 2020ના રોજ સામે આવ્યો હતો. પહેલી લહેરનો પીક 17 સપ્ટેમ્બર 2020ના આવ્યો હતો અને આ દિવસે લગભગ 98 હજાર કેસ સામે આવ્યા હતા. આ લહેર લગભગ 377 દિવસ ચાલી હતી. આ દરમિયાન 1.08 કરોડ કેસ સામે આવ્યા હતા અને 1.55 લાખનું મૃત્યુ થયું હતું.
ત્યારબાદ માર્ચ 2021થી કોરોનાના કેસ ખૂબ ઝડપથી વધવા લાગ્યા હતા એટલે વાયરસની બીજી લહેરની જાહેરાત કરવામાં આવી હતી. 1 એપ્રિલથી 31 મે એટલે કે 61 દિવસ સુધી ચાલેલી કોરોનાની બીજી લહેરમાં 1.69 લાખ લોકોનું મૃત્યુ થયું. એ જ રીતે ઓમિક્રોન વેરિયન્ટને કારણે ત્રીજી લહેરની શરૂઆત થઈ હતી. જોકે, આ લહેર સંક્રામક હતી, પણ પ્રથમ બે લહેર જેટલી જીવલેણ સાબિત નહોતી થઈ. ત્રીજી વેવમાં ભારતમાં 50.05 લાખ નવા દર્દીઓ મળી આવ્યા હતા. તો 10 હજાર 465 લોકોનું મૃત્યુ થયું હતું.