ડમી ઉમેદવાર કૌભાંડના તોડકાંડમાં SITને યુવરાજસિંહ વિરૂદ્ધ વધુ એક મોટો પુરાવો હાથ લાગ્યો છે. પૂછપરછમાં ખુલાસો થયો હતો કે યુવરાજસિંહે ગાંધીનગરના દહેગામમાં પણ મિલકત ખરીદી હતી. જેની તપાસ કરી રહેલી SITને કેટલાંક CCTV હાથ લાગ્યા છે. આ CCTVના દ્રશ્યોમાં સ્પષ્ટ જોઇ શકાય છે કે યુવરાજસિંહના સસરા ભાવનગરના પી.એમ. આંગડિયા મારફતે રૂપિયા મોકલી રહ્યા છે.
ન્યુઝ18ના અહેવાલ મુજબ યુવરાજસિંહના સસરા રૂપિયા 6 લાખ રોકડા લઇને આંગડિયામાં આવે છે અને આંગડિયાનો કર્મચારી રૂપિયા ગણીને આંગડિયું કરી રહ્યા છે. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગત અનુસાર આ CCTV 6 એપ્રિલના છે. જાણવા મળી રહ્યું છે કે દહેગામમાં ખરીદેલી મિલકત માટે યુવરાજસિંહના કહેવાથી તેમના સસરાએ આંગડિયા દ્વારા આ રૂપિયા મોકલ્યા હતા.
સહયોગી @makadia51 નો SUPER EXCLUSIVE રિપોર્ટ.
— Janak Dave (@dave_janak) May 2, 2023
યુવરાજસિંહ ના સસરાએ કરેલા આંગડિયાના CCTV ન્યૂઝ 18 પર,
યુવરાજના કહેવાથી સસરાએ કર્યું હતું આંગડિયું,
રૂપિયા 6 લાખ આંગડિયાથી મોકલ્યા હોવાનો ભાવનગર પોલીસ નો દાવો,
તોડકાંડમાં અત્યારસુધી 84 લાખ રિકવર કરાયા,
યુવરાજ વિરુદ્ધના ખંડણી… pic.twitter.com/8ErwOdsxJV
હમણાં સુધી 84 લાખ કરાયા છે રિકવર
ભાવનગર પોલીસ દ્વારા હમણાં સુધી ભાવનગર પોલીસ દ્વારા જીત માંડવીયા નામના વ્યક્તિ પાસેથી 38 લાખ રૂપિયા, બિપીન ત્રિવેદી પાસેથી પાંચ લાખ રૂપિયા, ઘનશ્યામ લાધવા પાસેથી પાંચ લાખ રૂપિયા, સંજય જેઠવા નામના વ્યક્તિ પાસેથી 25 લાખ 50 હજાર રૂપિયા, સાહેદ નિતેશકુમાર પાસેથી ત્રણ લાખ રૂપિયા, હિતેન લાધવા પાસેથી દોઢ લાખ રૂપિયા, સુખદેવસિંહ પરમાર પાસેથી 89 હજાર રૂપિયા મળીને કુલ 83 લાખ 89 હજાર રૂપિયાની રિકવરી કરવામાં આવી છે.
જ્યારે ભરત દોશી નામના વ્યક્તિને આંગડિયા મારફતે યુવરાજસિંહે જે પ્રોપર્ટી ખરીદી તેના પાંચ લાખ અગિયાર હજાર રૂપિયા રિકવર કરવાના બાકી છે. તો તે જ રીતે શિવબા પાસેથી ₹4.45 લાખ રૂપિયા પણ રિકવર કરવાના બાકી છે.
ડમી કાંડમાં જે તોડ થયો અને જે પૈસા આવ્યા તે પૈકી શિવભાએ પોતાની ઓફિસની અંદર એસી ફિટીંગ કરાવવા માટે ₹1 લાખ 90 હજાર રૂપિયાની ચુકવણી કરી હતી જેનો તેણે ખર્ચ કર્યો. તે જ રીતે યુવરાજસિંહ સામે ગુનો દાખલ થયા બાદ શિવબા રાજસ્થાન તરફ જવા માટે નીકળી ગયા હતા ત્યારે 65 હજારનો ખર્ચ કરવામાં આવ્યો હતો. આ સિવાય અલ્ફાજ ઉર્ફે રાજુએ 60,000નો ખર્ચ, કાનભાઈએ 40,000નો ખર્ચ અને યુવરાજસિંહ જાડેજાએ ત્રણ લાખનો ખર્ચ કરેલો છે.
ઉલ્લેખનીય છે કે SITની તપાસમાં દહેગામની મિલકતનો દસ્તાવેજ પણ હાથ લાગ્યો છે. આમ તોડકાંડમાં SITને યુવરાજસિંહ વિરૂદ્ધ એક પછી એક મોટા પુરાવા હાથ લાગી રહ્યા છે. ત્યારે એક વાત સ્પષ્ટ છે કે આ જ પુરાવા યુવરાજસિંહની મુશ્કેલી વધારી શકે છે.