ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન 23 વર્ષ સુધી રમ્યા બાદ મિતાલી રાજે ક્રિકેટને અલવિદા કહ્યું. આજે તમામ પ્રકારના આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. તેણે પોતાના ટ્વીટ દ્વારા આ માહિતી આપી હતી. પોતાના સંદેશમાં તેણે કહ્યું કે તેણે નાની છોકરી તરીકે ક્રિકેટ રમવાની શરૂઆત કરી હતી અને આજે તે આ ક્ષેત્રમાં ઘણી આગળ નીકળી ગઈ છે. આજે મિતાલી રાજે ક્રિકેટને અલવિદા કહ્યું હતું.
મિતાલી રાજે પોતાના મેસેજમાં લખ્યું હતું કે , “હું નાની બાળકી હતી જ્યારે મેં બ્લુ જર્સી પહેરીને મારા દેશનું પ્રતિનિધિત્વ કરવાનું શરૂ કર્યું હતું. આ સફર ઘણી લાંબી હતી જેમાં મેં દરેક ક્ષણ જોઈ. છેલ્લા 23 વર્ષ મારા જીવનની શ્રેષ્ઠ ક્ષણોમાંની એક હતી. દરેક યાત્રાની જેમ આ યાત્રા પણ સમાપ્ત થઈ રહી છે. આજે હું આંતરરાષ્ટ્રીય ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરું છું. મેં કેટલી વાર મેદાનમાં પગ મૂક્યો છે, તે દરેક વખતે મારું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન એ ઈચ્છા સાથે આપ્યું કે ભારતજ જીતશે. જ્યારે મને તિરંગાના પ્રતિનિધિ બનવાની તક મળી ત્યારે મેં મારી તકને જીવી. મને લાગે છે કે મારી રમતની કારકિર્દીને વિરામ આપવાનો આ શ્રેષ્ઠ સમય છે કારણ કે ટીમ કેટલાક સક્ષમ યુવાનોના હાથમાં છે અને ભારતીય ક્રિકેટનું ભવિષ્ય ઉજ્જવળ છે.”
મિતાલીએ પોતાના સંદેશમાં કેપ્ટન તરીકે મળેલા સન્માન માટે BCCI અને જય શાહનો આભાર માન્યો હતો. તેણે કહ્યું કે આટલા વર્ષોથી ટીમને આગળ લઈ જવું તેના માટે ગર્વની વાત છે. તેણે કહ્યું કે આ સફર ભલે અહીં પૂરી થઈ ગઈ હોય પરંતુ તે કોઈને કોઈ રીતે ક્રિકેટ સાથે જોડાયેલી રહેશે.
Thank you for all your love & support over the years!
— Mithali Raj (@M_Raj03) June 8, 2022
I look forward to my 2nd innings with your blessing and support. pic.twitter.com/OkPUICcU4u
તમને જણાવી દઈએ કે મિતાલી રાજ ભારતીય મહિલા ક્રિકેટ ટીમમાં એક આધારસ્તંભ સમાન હતા જેમણે છેલ્લા 23 વર્ષથી ટીમને સંભાળી હતી. તેમણે મેદાનમાં ઉતરીને ભારતનું નામ તો રોશન કર્યું જ, પરંતુ સાથે જ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ તેમણે અનેક રેકોર્ડ પોતાના નામે કર્યા. 39 વર્ષના મિતાલી તેમની બેટિંગ માટે જાણીતા છે. ભારતીય કેપ્ટન તરીકે તેમણે ક્રિકેટમાં અત્યાર સુધીમાં સૌથી વધુ રન બનાવ્યા છે. 16 વર્ષની ઉંમરે તેમણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 114 રન બનાવીને એક બેટ્સમેન તરીકે પોતાની જાતને સ્થાપિત કરી. મિતાલીને ભરતનાટ્યમનો શોખ હતો, જેના કારણે ઘણી વખત ફિલ્ડ પર તેમના પગનું અદ્ભુત પ્રદર્શન જોવા મળ્યું. તમના પોતાના સર્વોચ્ચ રનની વાત કરીએ તો તેમણે 2002માં ટેસ્ટ મેચ દરમિયાન 214 રન બનાવ્યા હતા. 2017માં, તે ઈંગ્લેન્ડની શાર્લી એડવર્ડને હરાવીને ODIમાં 6000 રન બનાવનાર પ્રથમ મહિલા ક્રિકેટર બન્યા હતા. 2019 માં, મિતાલીએ ODI ક્રિકેટમાં બે દાયકા પસાર કરનાર પ્રથમ મહિલા ખેલાડીનો રેકોર્ડ બનાવ્યો હતો.
આજે સંન્યાસ લેતા પહેલા મિતાલીએ પોતાની 232 ODI મેચ રમી હતી. જેમાં તેમણે 7805 રન બનાવ્યા હતા. ટેસ્ટ ક્રિકેટની વાત કરીએ તો, 12 ટેસ્ટ રમનાર મિતાલીએ 43.68ની એવરેજથી 699 રન બનાવ્યા, જેમાં તેમની બેવડી સદી પણ સામેલ છે. આ સમગ્ર કારકિર્દીમાં મિતાલીએ 89 મેચ રમી જેમાં તેમણે 2364 રન બનાવ્યા. એક કેપ્ટન તરીકે સૌથી વધુ જીતનો રેકોર્ડ તેમના નામે છે. આટલું જ નહીં, તે એકમાત્ર એવા કેપ્ટન છે જેમણે 150 વનડેમાં કેપ્ટનશિપ કરી છે અને 89માં જીત અને 63માં હારનો સામનો કરવો પડ્યો છે. પરંતુ મિતાલી અડગ રહ્યા હતા અને તેમણે સંપૂર્ણ જુસ્સા સાથે ટીમનું નેતૃત્વ કર્યું હતું. આજે તેણીની ક્રિકેટને અલવિદા કરવી એ માત્ર તેના માટે જ નહીં પરંતુ સમગ્ર મહિલા ક્રિકેટ ટીમ માટે ભાવનાત્મક ક્ષણ હતી. મિતાલીને મહિલા ભારતીય ક્રિકેટ ટીમના સચિન તેંડુલકર પણ કહેવામાં આવતા હતા.