ઈલોન મસ્ક દ્વારા ટ્વીટર ખરીદી લીધા બાદ ટ્વીટર પર દરરોજ કશું ને કશું નવું જોવા મળતું હોય છે. થોડા દિવસ અગાઉ ટ્વીટરનો લોગો બદલાઈ ગયો હતો. હવે નવા સમાચાર અનુસાર ટ્વીટરે BBCને સરકારી મીડિયા જાહેર કરી દીધું છે. ટ્વીટરે BBCની ઓળખ સરકારી ફંડ દ્વારા ચાલતી સંસ્થા એમ કરી છે.
ટ્વીટર પર BBCનું એકાઉન્ટ જોઈએ તો નીચે ‘ગવર્ન્મેન્ટ ફંડેડ મીડિયા’ એવું લખેલું જોવા મળે છે. BBCને સરકારી મીડિયા જાહેર કરવા ઉપરાંત ટ્વીટરે આ જ ઓળખ અન્ય મીડિયા સંસ્થાઓ જેવી કે PBS, NPR અને વોઈસ ઓફ અમેરિકાને પણ આપી દીધી છે.
BBC objects to ‘government funded media’ label on one of its main Twitter accounts https://t.co/EGTJexFQSS
— BBC News (World) (@BBCWorld) April 10, 2023
મજાની વાત એ છે કે BBCના મુખ્ય એકાઉન્ટ પર 22 લાખ જેટલા ફોલોઅર્સ છે અને તેના પર જ સરકારી ફંડ મેળવતી સંસ્થાનું લેબલ લગાવ્યું છે જ્યારે તેના અન્ય હેન્ડલ જેવા કે BBC ન્યુઝ, BBC વર્લ્ડ અને BBC બ્રેકિંગ ન્યુઝ પર આવું લેબલ જોવા નથી મળતું.
BBCએ પોતાની પ્રતિક્રિયામાં જણાવ્યું છે કે તેઓ આ મામલે ટ્વીટર સાથે વાત કરીને સમસ્યાનું સમાધાન લાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ વૈશ્વિક મીડિયા હાઉસના કહેવા અનુસાર, “BBC કાયમ સ્વતંત્ર રહ્યું છે. અમારી લાઈસન્સની ફી ભરવા માટે જ બ્રિટનની જનતા ફંડ આપે છે.” જ્યારે ગવર્ન્મેન્ટ ફંડેડ મીડિયાનો અર્થ એવો થાય કે એ ચેનલને સરકાર સહયોગ આપી રહી છે અને તે ગમે ત્યારે એ ચેનલની નીતિઓને પોતાના નિર્ણયો અનુસાર પ્રભાવી કરી શકે છે.
ટ્વીટર દ્વારા કરવામાં આવેલા આ પરિવર્તન બાદ ઘણા ટ્વીટર યુઝર્સ એવું કહી રહ્યાં છે કે જે થયું છે એ ખોટું થયું છે અને BBC આજે પણ સ્વતંત્ર છે. જો કે અમુક યુઝર્સ આ પરિવર્તનની મજા પણ લઇ રહ્યાં છે. આમાંથી એક ટ્વીટ તો ઈલોન મસ્કની પણ છે. તેમણે એક ટ્વીટનો જવાબ આપતાં કહ્યું, “પણ આ BBCનો આખો અર્થ શું થાય છે? હું કાયમ ભૂલી જાઉં છું.”
મસ્કે આવું કદાચ એટલા માટે કહ્યું છે કારણકે BBC પર વારંવાર બ્રિટીશ સરકારનો પ્રોપેગેન્ડા આગળ વધારવાનો આરોપ લાગતો આવ્યો છે. આ ઉપરાંત BBCનું ફૂલફોર્મ પણ બ્રિટીશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન છે. લોકો એમ પણ પૂછી રહ્યાં છે કે શું તમે બ્રિટીશ સરકાર પાસેથી બિલકુલ ફંડ નથી લઇ રહ્યાં? જો આ પ્રશ્નનો જવાબ હા છે તો પછી વિરોધ શા માટે?
This trend is so hilarious. pic.twitter.com/ZpxGCea07r
— Wall Street Silver (@WallStreetSilv) April 9, 2023
જેમ આગળ જણાવવામાં આવ્યું તેમ અમેરિકન NPR નેટવર્કને પણ BBCની જેમ જ લેબલ આપ્યું છે. આનો જવાબ આપતાં NPRએ કહ્યું છે કે જ્યાં સુધી આ લેબલ હટાવવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ પોતાના હેન્ડલ પરથી એક પણ ટ્વીટ નહીં કરે.