છેલ્લા દોઢેક મહિનાથી ગુજરાતી મેઈનસ્ટ્રીમ મીડિયા ચેનલોમાં જેટલી વખત પીએમ મોદી કે સીએમ ભુપેન્દ્ર પટેલ કે અન્ય કોઈ રાજકારણીનો ચહેરો નથી દેખાયો એટલી વખત ખોડલધામ ટ્રસ્ટના વડા નરેશ પટેલ દેખાઈ ચૂક્યા છે. એમના નામે દરરોજ ‘બ્રેકિંગ ન્યૂઝ’ બને છે અને રાજકારણમાં તેમના સંભવિત પ્રવેશની દરરોજ નવી તારીખ જાહેર થાય છે અને પછી આવી દરેક સાંજે નિર્ણય મુલતવી રાખવામાં આવે છે અને આગળની તારીખની ઘોષણા કરી દેવામાં આવે છે. નરેશ પટેલે રાજકારણમાં જોડાવાની જાહેરાત તો કરી દીધી છે, પણ હવે ત્રણ મહિનાથી પોતે તો ચકરાવે ચડ્યા જ છે પણ રાજકીય પક્ષો અને સમર્થકોને પણ ચકડોળે ચડાવ્યા છે.
ડિસેમ્બર અંતમાં આવી રહેલી વિધાનસભા ચૂંટણી પહેલાં એક તરફ ગુજરાતની લગભગ તમામ રાજકીય પાર્ટીઓ અને નેતાઓ કે સરકાર પણ એક્શનમાં આવી ગઈ છે ત્યાં નરેશ પટેલને પણ અગ્રણીમાંથી ‘રાજકીય અગ્રણી’ થવાનો મોહ જાગ્યો હતો. 27 ફેબ્રુઆરીએ તેમણે પહેલીવાર રાજકારણમાં જોડાવાનું જાહેર કરી દીધું હતું. પરંતુ આજે 7 જૂને પણ નરેશ પટેલ કઈ પાર્ટીમાં જોડાવું તેનો નિર્ણય કરી શક્યા નથી!
પહેલી વખત જાહેરાત કરી ત્યારે નરેશ પટેલે સમાજને પૂછીને 20 થી 30 માર્ચ વચ્ચે નિર્ણય જાહેર કરવાની વાત કરી હતી. દરમ્યાન, સમાજમાં સરવે કરવામાં આવતો હોવાની પણ ચર્ચા ચાલી હતી. જોકે, એ તારીખ પણ પસાર થઇ ગયા બાદ તેમણે કહ્યું હતું કે, 27 એપ્રિલે ખોડલધામ ટ્રસ્ટની બેઠક બાદ તેઓ નિર્ણય જાહેર કરશે. જે બાદ નવી તારીખ 15 મે પડી હતી. જે બાદ પત્રકારો સાથે ગેટ ટૂ ગેધર યોજ્યું હતું, જેમાં પણ તેમણે ફોડ પાડ્યો ન હતો. હવે તેમણે નવી તારીખ આવતા અઠવાડિયાની આપી છે.
તાજેતરમાં જ નરેશ પટેલ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ એક મંચ પર જોવા મળ્યા હતા. જોકે, તેઓ બંને સારા મિત્રો છે અને અવારનવાર કાર્યક્રમોમાં સાથે જોવા મળે છે. પરંતુ છેલ્લા ત્રણ મહિનાના ઘટનાક્રમને જોતા પત્રકારોએ નરેશ પટેલને ફરી પૂછ્યું હતું કે તેઓ ક્યારે જોડાશે. અને નરેશ પટેલે ફરી કહ્યું હતું કે તેઓ ટૂંક સમયમાં નિર્ણય જાહેર કરશે.
રાજકારણમાં જોડાવાની જાહેરાત બાદ નરેશ પટેલ સાત વખત નવી તારીખ આપી ચૂક્યા છે અને આ જાહેરાતને 100 થી વધુ દિવસો વીતી ચૂક્યા છે. પણ ન તો આ ‘ટૂંક સમય’ આવી રહ્યો છે કે ન જાહેરાત થઇ રહી છે.
બીજી તરફ, રાજકીય પક્ષો પોતપોતાની રીતે દાવા કરતા રહ્યા છે. દરમ્યાન નરેશ પટેલ પણ વિવિધ પાર્ટીના નેતાઓ સાથે જાહેરમંચ પર કે અંદરખાને બેઠક કરતા જોવા મળ્યા છે. એક સમયે તો તેઓ કોંગ્રેસમાં જ જોડાશે તેવું નક્કી જ થઇ ગયું હોય અને માત્ર ઔપચારિક જાહેરાત જ બાકી હોય તેવો માહોલ બની ગયો હતો. પરંતુ પ્રશાંત કિશોરે કોંગ્રેસને ના પાડી દીધા બાદ નરેશ પટેલનું કોકડું પણ ગૂંચવાઈ ગયું છે. જેનો ઉકેલ હજુ સુધી તેઓ લાવી શક્યા નથી.
નરેશ પટેલ છેલ્લા ત્રણ મહિનાથી જાહેરજીવનમાં આવ્યા હોય તેવું નથી. ખોડલધામ જેવા ટ્રસ્ટના તેઓ ચેરમેન છે. તેમના વડપણ હેઠળ આટલું મોટું અને ભવ્ય મંદિર બન્યું છે. જે વ્યક્તિ પાંચ જ વર્ષની મુદતમાં આટલું મોટું કામ પાર પાડી શકે તેઓ રાજકારણમાં જોડાવા જેવી સામાન્ય બાબતને લઈને મૂંઝવણમાં જોવા મળી રહ્યા છે, અને તે પણ સતત ત્રણ મહિનાથી.
હવે નરેશભાઈએ નવી તારીખ આપી છે. હાલ પણ તેઓ સ્પષ્ટ હોય તેવું જણાઈ રહ્યું નથી. સોથી વધુ દિવસોની માથાકૂટ પછી તેઓ સમાજના વડીલોને આગળ કરીને રાજકારણમાં જોડાવાનો નિર્ણય જ મુલતવી રાખે તો નવાઈ નહીં. કારણ કે સરવે દરમિયાન સમાજના વડીલો તેમને રાજકારણથી દૂર રહેવાની સલાહ પહેલેથી જ આપી ચૂક્યા છે અને જ્યારે પણ કોઈ વ્યક્તિ કોઈ નિર્ણય લેવાની અસમંજસમાં હોય ત્યારે તે પોતાની સુરક્ષિત બાજુ એટલેકે safe side પહેલા જોતો હોય છે. આથી જેમ જેમ નરેશ પટેલ પોતાના રાજકારણમાં ‘ન આવવાનો નિર્ણય’ વધુને વધુ મુલતવી રાખશે એમ એમ તેઓને અત્યારે મળતું મેઈન સ્ટ્રીમ મિડિયા ફૂટેજ પણ ઓછું થતું જશે.