18 માર્ચ, 2023 ના રોજ, ‘વારિસ પંજાબ દે’નો માસ્ટરમાઈન્ડ અને ખાલિસ્તાન સમર્થક ભાગેડુ અમૃતપાલ સિંહ લગભગ 45 મિનિટ સુધી એક ગુરુદ્વારામાં રહ્યો હતો. પંજાબ પોલીસથી ભાગતી વખતે તે તેના ચાર સાથીઓ સાથે જલંધર જિલ્લાના નાંગલ અંબિયન સ્થિત આ ગુરુદ્વારા પહોંચ્યો હતો. ગુરુદ્વારાના ગ્રંથી અનુસાર, અમૃતપાલે તેની પાસે કપડાં માંગ્યા અને પોતાનો વેશ બદલી નાખ્યો હતો. તેનો ફોન લીધો અને બહાર કોઈની સાથે વાત કરી અને પછી બધા ગુરુદ્વારામાંથી બહાર નીકળી ગયા હતા.
ગુરુદ્વારાના ગ્રંથી રણજીત સિંહે ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું કે અમૃતપાલ સિંહ બ્રેઝા કારમાં તેના કેટલાક સાથીઓ સાથે બપોરે 1 વાગ્યે ગુરુદ્વારા આવ્યો હતો. લગભગ 1:45 વાગ્યે તેઓ નીકળી ગયા હતા. જો કે, ગ્રંથીને તે સમયે ખબર ન હતી કે આ લોકો પોલીસથી ફરાર છે.
રણજીત સિંહે કહ્યું છે કે અમૃતપાલ અને તેના સાથીઓને જોઈને પહેલા તેને આશંકા હતી કે આ લોકો ગુરુદ્વારામાં તોડફોડ ન કરે, કારણ કે આ પહેલા તેણે જલંધરમાં હંગામો મચાવ્યો હતો. પરંતુ જ્યારે તેમના એક સાથીએ કહ્યું કે તેમને ‘ઇવેન્ટ’માં હાજરી આપવા માટે કપડાંની જરૂર છે ત્યારે તેમને રાહત થઈ હતી.
ગ્રંથીનો ફોન જપ્ત કરી લીધો અને કપડાં બદલીને નીકળી ગયો ભાગેડુ
ગ્રંથીના કહેવા પ્રમાણે, તેમણે તેમના પુત્રના કપડાં તેમને આપ્યા હતા. આ પછી તેણે લાંબુ પેન્ટ માંગ્યું હતું. તેના માણસો ફોન પર બહારના કોઈની સાથે ‘માહોલ’ વિશે વાત કરી રહ્યા હતા, પરંતુ તેમને ત્યારે શંકા નહોતી.
તેણે એ પણ જણાવ્યું કે અમૃતપાલે તેની પાસેથી તેનો મોબાઈલ ફોન છીનવી લીધો હતો. જતી વખતે જ્યારે તેણે તેનો ફોન માંગ્યો તો તેણે કહ્યું કે તે કોઈની સાથે વાત કરવા માંગે છે. થોડીવારમાં પરત આવશે. થોડા સમય પછી, ફોન ગ્રંથીને પાછો આપવામાં આવ્યો હતો. ગ્રંથીના કહેવા પ્રમાણે, બાદમાં તેને સમાચાર દ્વારા સમગ્ર ઘટનાની જાણ થઈ હતી.
ગ્રંથીની પત્ની નરિન્દર કૌરે ધ ટ્રિબ્યુનને જણાવ્યું હતું કે ગુરુદ્વારામાં અમૃતપાલ અને તેના સાથીઓએ તેમની વાદળી અને કેસરી પાઘડીઓ કાઢી નાખી અને તેમના પુત્રની સામાન્ય પાઘડી પહેરી હતી. નોંધનીય છે કે જે ગુરુદ્વારામાં અમૃતપાલ સિંહ લગભગ 45 મિનિટ સુધી તેના સાથીઓ સાથે રોકાયા હતા, તે બુલંદપુરી ગુરુદ્વારાથી લગભગ 10 કિમી દૂર છે. તેના ભાગી છૂટ્યા બાદ આ ગુરુદ્વારામાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
પંજાબ પોલીસે જુદા જુદા રૂપમાં ભાગેડુ અમૃતપાલના ફોટા જારી કર્યા
21 માર્ચે, પંજાબ પોલીસે ભાગેડુ અમૃતપાલ સિંહની ઘણી તસવીરો જાહેર કરતી વખતે તેના દેખાવમાં ફેરફારની આશંકા વ્યક્ત કરી હતી. આઈજી સુખચૈન સિંહ ગિલે જણાવ્યું હતું કે મનપ્રીત, ગુરદીપ, હરપ્રીત અને ગુરપેજને ભાગવામાં મદદ કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે. આ લોકો ગુરુદ્વારામાં અમૃતપાલ સાથે હાજર હોવાનું કહેવાય છે.
#WATCH | ‘Waris Punjab De’ chief Amritpal Singh was seen escaping in an SUV in Jalandhar on March 18. He is still on the run.
— ANI (@ANI) March 21, 2023
(CCTV visuals) pic.twitter.com/QNHty6PgJP
અમૃતપાલ સિંહે ભાગી જવા દરમિયાન અનેક વાહનો પણ બદલ્યા હતા. મર્સિડીઝમાંથી નીચે ઉતર્યા પછી, તે બ્રેઝામાં ચડ્યો અને અંતે, તે તેની બાઇક પર ભાગી ગયો હોવાનું કહેવાય છે. તેના ભાગી જવાના કેટલાક સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થયા છે.
નોંધપાત્ર રીતે, 21 માર્ચે, હાઇકોર્ટે ભાગેડુ અમૃતપાલ સિંહને પકડી ન શકવા બદલ રાજ્ય સરકારને ફટકાર લગાવી હતી. પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે કહ્યું હતું કે, “તેને પકડવા માટે મોટાપાયે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. આમ છતાં તે ભાગવામાં સફળ રહ્યો હતો. પંજાબ સરકારનું ગુપ્તચર તંત્ર સંપૂર્ણપણે નિષ્ફળ ગયું છે.” એ પણ પૂછ્યું કે રાજ્યના 80 હજાર પોલીસકર્મીઓ શું કરી રહ્યા હતા?