દ્વારકા અને આસપાસના વિસ્તારોમાં દબાણ હટાવવાની કાર્યવાહી પૂરજોશથી ચાલી રહી છે. લાખો ચોરસ મીટર જમીન દબાણમુક્ત કરવામાં આવી છે. ત્યારે ડિમોલિશન બાદ ગીર-સોમનાથના મૂળ દ્વારકા બંદરે હજારો માછીમારો ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરી રહ્યા હોવાની ઘટના સામે છે. અંદાજે 200 બોટ સાથે 1 હજારથી વધુ લોકો તટીય ગામોમાં ગેરકાયદેસર રીતે ઘૂસી આવ્યા છે. જે બાદ સ્થાનિકોમાં શાંતિ ભંગ થવાનો ભય જોવા મળી રહ્યો છે.
અહેવાલો અનુસાર છેલ્લા કેટલાક દિવસોમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અનેક સ્થળોએ બુલડોઝર એક્શન દ્વારા લાખો ચોરસમીટર જમીન દબાણમુક્ત કરવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા દ્વારકા સહિત ગુજરાતના દરિયાકિનારા પર ગેરકાયદેસર રીતે બાંધકામ કરી વસવાટ કરતા લોકો દ્વારા બાંધવામાં આવેલી ઈમારતો તોડી નાંખવામાં આવી છે. ગીર સોમનાથ જિલ્લામાં પણ કેટલાક ગેરકાયદેસર બાંધકામો તોડી પાડ્યાં હતાં. ત્યારે ડિમોલિશન બાદ ગીર-સોમનાથના મૂળ દ્વારકા બંદરે હજારો માછીમારો ગેરકાયદેસર રીતે ઘૂસી આવ્યા છે.
મૂળ દ્વારકા બંદરે એકાએક અલગ-અલગ જિલ્લામાં બંદરેથી આવેલી અંદાજે 200 જેટલી બોટો અને 1 હજારથી વધુ માછીમારો આવી જતાં ગામમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે અને ગામના સ્થાનિકોમાં શાંતિ ભંગ થવાનો ભય ફેલાયો છે. લોકો માંગ કરી રહ્યા છે કે કોઈપણ પ્રકારની મંજૂરી વગર આવતા લોકોને અહીં વસવાટ કરવા દેવા ન જોઈએ. જોકે, ગામના અગ્રણીઓના મતે આ લોકો એટલા માથાભારે શખ્સો છે કે તેમને કશું કહેવાથી ઝઘડા પણ થઇ શકે છે. ત્યારે સરકાર આવા લોકોને અહીંથી બહાર મોકલી આપે તેવી માંગ ગ્રામજનો તરફથી કરવામાં આવી છે.
આ બાબતે સ્થાનિક અગ્રણીઓએ કહ્યું હતું કે, “નાઉદ્રા, મિયાણા, બેટ દ્વારકા, હર્ષદ સહિતના બંદરો પર ગેરકાયદેસર વસવાટ ધરાવનાર અને બાંધકામ ખડકી દીધેલા લોકોનું બાંધકામ તંત્ર દ્વારા ડિમોલિશન કરી નાખવામાં આવ્યું છે. ત્યારબાદ આ લોકો છેલ્લા એક અઠવાડિયાથી પોતાની હોડીઓ લઈને કોડીનારના મૂળ દ્વારકા બંદરે આવી પહોંચ્યા છે અને રાત્રિ દરમિયાન ટ્રક દ્વારા પોતાનો માલસામાન અહીં લાવી ગેરકાયદે વસવાટ કરી રહ્યા છે. આ લોકો દ્વારા પોતાના સ્વાર્થ માટે કોમી વૈમનસ્ય ફેલાવવામાં આવી રહ્યું છે.”
સ્થાનિકોની આંદોલનની ચીમકી
મૂળ દ્વારકા બંદરે કોમી રમખાણ થાય તેવી શક્યતાઓ પણ સેવવામાં આવી રહી છે. જેને લઈને મૂળ દ્વારકા બંદરના સ્થાનિકો, આગેવાનો અને સ્થાનિક લોકોએ પોલીસ સહિતના વહીવટીતંત્રને આવેદન પણ આપ્યું છે. આવેદનમાં લોકોએ ખાસ ઉલ્લેખ કર્યો છે કે મૂળ દ્વારકા બંદરે ગેરકાયદે આવીને વસેલા અને કોમી વૈમનસ્ય ફેલાવનારા સામે કાયદાકીય રીતે કોઈ કડક કાર્યવાહી કરવામાં નહીં આવે તો નાછૂટકે સ્થાનિકોને આંદોલન કરવાની ફરજ પડશે.