અમેરિકાની (America) 16મી સૌથી મોટી બેન્ક સિલિકોન વેલી બેન્ક (Silicon Valley Bank) બંધ કરવાનો આદેશ અપાયો છે. શુક્રવારે (10 માર્ચ, 2023) આ બાબતની અધિકારીક જાહેરાત કરવામાં આવી હતી. આ સાથે બેન્કની તમામ સંપત્તિઓ પણ જપ્ત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
કેર્લિફોનિયા ડિપાર્ટમેન્ટ ઑફ ફાયનાન્સિયલ પ્રોટેક્શન એન્ડ ઇનોવેશન દ્વારા બેન્ક બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. તદુપરાંત, અમેરિકન રેગ્યુલેટર્સે ફેડરલ ડિપોઝીટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશનને (FDIC) બેન્કના રીસીવર તરીકે નિયુક્ત કરીને ગ્રાહકોની જમા રકમની સુરક્ષાની જવાબદારી સોંપી છે.
સિલિકોન વેલી બેન્ક ટેક કંપનીઓ અને વેન્ચર કેપિટલના રોકાણવાલી કંપનીઓને નાણાકીય મદદ કરનારી પ્રમુખ અમેરિકી બેન્ક છે. જોકે, છેલ્લા 18 મહિનામાં અમેરિકી ફેડરલ રિઝર્વે વ્યાજના દરોમાં વધારો કરવાના કારણે આવી કંપનીઓને સારું એવું નુકસાન થયું છે. બીજી તરફ વધુ જોખમના કારણે રોકાણકારો પણ ટેક કંપનીઓ પ્રત્યે બહુ રસ દાખવી રહ્યા નથી.
તાજેતરમાં ગત 8 માર્ચ 2023ના રોજ બેંકનું સંચાલન કરતી સંસ્થા SVB ફાયનાન્સિયલ ગ્રુપે તેની સિક્યોરિટીઝના 21 બિલિયન અમેરિકન ડૉલર વેચવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ કંપનીના 2.25 બિલિયન ડોલરના શૅરના વેચાણના કારણે પરિસ્થિતિ વધુ બગડી હતી. આ બાબતની જાણ માર્કેટમાં થતાં બેન્કના શૅર 60 ટકા સુધી ઘટી ગયા અને જેના કારણે લગભગ 80 બિલિયન ડોલર જેટલું નુકસાન થયું.
ફોર્બ્સની યાદીમાં ‘બેસ્ટ બેન્ક’, થોડા સમયમાં લાગી ગયાં તાળાં
ઉલ્લેખનીય છે કે એક તરફ સિલિકોન વેલી બેન્ક બંધ કરવામાં આવી છે ત્યાં બીજી તરફ માત્ર એક મહિના પહેલાં જાણીતા ફોર્બ્સ મેગેઝીને આ બેન્કને ‘અમેરિકાની શ્રેષ્ઠ બેન્કમાંની એક’ ગણાવી હતી.
ફેબ્રુઆરી 2023માં પ્રકાશિત કરવામાં આવેલા એક લેખમાં અમેરિકન બિઝનેસ મેગેઝિન ફોર્બ્સ દ્વારા દેશની 100 શ્રેષ્ઠ બેન્કની 14મી વાર્ષિક યાદી બહાર પાડવામાં આવી હતી. આ યાદીમાં ‘સિલિકોન વેલી બેન્ક’નું પણ નામ સામેલ કરવામાં આવ્યું હતું. મેગેઝિને જણાવ્યું હતું કે તેમણે આ યાદી બનાવવા માટે વિકાસ, નફાનો દર, NPA અને ક્રેડિટ ક્વોલિટી વગેરેને ધ્યાનમાં લીધાં હતાં.
Proud to be on @Forbes' annual ranking of America's Best Banks for the 5th straight year and to have also been named to the publication's inaugural Financial All-Stars list.
— SVB (@SVB_Financial) March 6, 2023
👉 https://t.co/rEmfOSTT4f pic.twitter.com/NFWlPJUbh5
ફોર્બ્સની આ ‘બેસ્ટ બેન્ક’ની યાદીમાં સિલિકોન વેલી બેન્કની પેરન્ટ કંપની SVB ફાયનાન્સિયલ ગ્રુપને 20મુ સ્થાન આપવામાં આવ્યું હતું. ત્યારબાદ ગત 7 માર્ચના રોજ બેંકે આ બાબતની નોંધ લઈને એક ટ્વિટ પણ કર્યું હતું અને આ બાબતને ગર્વપૂર્ણ ગણાવી હતી. જોકે, તેના ત્રણ જ દિવસ બાદ બેન્કને તાળાં લાગી ગયાં છે.