ભારતની યોગ વિદ્યાની વિશ્વમાં સ્વીકૃતિદિન પ્રતિદિન વધી રહી છે. આજે આખું વિશ્વ 21 જુનને વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવે જ છે. સામાન્યપણે યોગને હિંદુ ધર્મ સાથે જોડીને ઘણા કથિત સેક્યુલરો વિરોધ કરતા હોય છે, પરંતુ મળતી માહિતી અનુસાર હવે સાઉદી અરેબિયાની યુનિવર્સિટીમાં યોગ ભણાવવામાં આવશે તેવા સમાચાર આવી રહ્યા છે.
અરબ ન્યૂઝના એક અહેવાલ મુજબ, સાઉદી અરેબિયા માનસિક અને શારીરિક સ્વાસ્થ્યના મહત્વને ધ્યાનમાં રાખીને તેની યુનિવર્સિટીઓમાં યોગ શરૂ કરવા માટે તૈયાર છે. સાઉદી યોગ સમિતિના અધ્યક્ષ નૌફ અલ-મરવાઈના જણાવ્યા અનુસાર, આગામી કેટલાક મહિનામાં યોગનો પ્રચાર પ્રસાર કરવા માટે સાઉદી અરેબિયાની કેટલીક મુખ્ય યુનિવર્સિટીઓ સાથે કરારો પર હસ્તાક્ષર કરવામાં આવશે.
યુનિવર્સિટીઓમાં રમત ગમત વિભાગના વિકાસ માટે આયોજિત કાર્યક્રમના ચોથા સત્રમાં અલ-મરવાઈએ સમજાવ્યું કે સમિતિ યુનિવર્સિટીઓમાં યોગને દાખલ કરવાવ માટે પ્રયત્ન કરી રહી છે. રીપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે યોગ સમિતિએ નોધ્યું છે કે યોગએ આરોગ્ય અને માનસિક સ્વાસ્થ્ય માટે ખુબ અસરકારક છે.
ઇન્ટરનેશનલ યુનિવર્સિટી સ્પોર્ટ્સ ફેડરેશનના પ્રમુખ લિયોન્ઝ એડર અને ડાયરેક્ટર જનરલ પાઉલો ફરેરાની હાજરીમાં આ સત્ર યોજવામાં આવ્યું હતું. જેમાં 2030 સુધીમાં સાઉદી અરબ દેશ રમત ગમત ક્ષેત્રે ખુબ જ આગળ આવે તેના બાબતે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
તમને જણાવી દઈએ કે સાઉદી અરેબિયા એક ઇસ્લામિક દેશ છે, જ્યાં શરિયા કાયદો લાગુ કરવામાં આવેલો છે. જે ખુબ જ કડક ઇસ્લામિક કાયદો માનવામાં આવે છે. આવા સંજોગોમાં યોગને માન્યતા મળવી તે ઘણી મોટી વાત ગણવામાં આવી રહી છે. કારણ કે ઇસ્લામિક દેશોમાં યોગને સ્વીકારવામાં આવતો નથી. ઘણીવાર તો આ દેશોમાં યોગ કરનાર મુશીબતમાં પણ મુકાય છે. કારણ કે યોગને હિંદુ ધર્મ સાથે જોડીને જોવામાં આવતું રહ્યું છે. જયારે યોગના નિષ્ણાત આચર્યોનું કહેવું છે, યોગ એક જીવન પદ્ધતિનો ભાગ છે. આ એક વિદ્યા છે. જેનો લાભ આખા વિશ્વને મળવો જોઈએ. હાલમાં યોગ પ્રત્યે વિશ્વ આકર્ષાયું છે. પશ્ચિમી દેશોમાં યોગા કેન્દ્રો મોટા પ્રમાણમાં ખુલી રહ્યા છે. હવે જો ઇસ્લામિક દેશોમાં આની સ્વીકૃતિ વધે તો યોગ આખા વિશ્વમાં પ્રસરશે. સાઉદી અરેબિયા ઇસ્લામનું ઉદ્ભવ સ્થાન છે. ત્યાં જ સ્વીકૃતિ મળે તો અન્ય મુસ્લિમ દેશો પણ યોગનો લાભ લેશે.