Wednesday, May 1, 2024
More
    હોમપેજમંતવ્યચીન અને પાકિસ્તાન વચ્ચેની સરખામણી કરતાં ફારુક અબ્દુલ્લાને આ બંને વચ્ચેનો તાત્વિક...

    ચીન અને પાકિસ્તાન વચ્ચેની સરખામણી કરતાં ફારુક અબ્દુલ્લાને આ બંને વચ્ચેનો તાત્વિક તફાવત નહીં દેખાઈ રહ્યો હોય? – એક વિશ્લેષણ

    હુર્રિયત નેતાઓ તો આમ પણ માટીપગા હતાં એટલે એમનું અસ્તિત્વ તો ઉપરોક્ત કલમની નાબૂદી સાથે જ મટી ગયું હતું. પરંતુ બંધારણીય હોદ્દાઓ પર રહેલાં અબ્દુલ્લા પ્રકારનાં નેતાઓની અવગણના કરવી હજી પણ મુશ્કેલ છે.

    - Advertisement -

    જ્યારથી જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ થઇ છે ત્યારથી એક સમયનાં રાજ્ય અને હવે કેન્દ્રશાસિત પ્રદેશ બની ગયેલાં આ વિસ્તારને પોતાની જાગીર માનતાં લોકોનું માનસિક સંતુલન પણ જાણેકે નાબૂદ થઇ ગયું છે. આવાં જ એક વ્યક્તિ છે ફારુક અબ્દુલ્લા. આ મહાશય એક સમયે જમ્મુ અને કાશ્મીરનાં મુખ્યમંત્રી હતાં. તેઓ અને તેમનાં પુત્ર ઓમર અબ્દુલ્લા પણ જ્યારે આ પ્રદેશની ધૂરા સંભાળતાં હતાં ત્યારે અહીં સહુથી વધુ હિંસા થઇ હોવાનું બયાન રેકોર્ડ પર છે.

    જમ્મુ અને કાશ્મીરમાં પાકિસ્તાનની સીધી દખલ દરેકને ખબર જ છે અને પાકિસ્તાન આમ એટલે કરી શકતું હતું કારણકે કલમ 370ની જોગવાઈઓ તેને આમ કરવા દેતી હતી. પરંતુ આ કલમ જ નાબૂદ થઇ જતાં પાકિસ્તાન પાસે રહેલું રહ્યુંસહ્યું હથીયાર પણ બુઠ્ઠું થઇ ગયું. આમ થવાથી જે પાકિસ્તાની ખીલ્લાનાં જોરે કુદાકુદ કરતાં હતાં એવા હુર્રિયતનાં નેતાઓ અને ફારુક અબ્દુલ્લા જેવા રાજકીય વ્યવસાયીઓની જાણેકે ધોરીનસ કપાઈ ગઈ.

    હુર્રિયત નેતાઓ તો આમ પણ માટીપગા હતાં એટલે એમનું અસ્તિત્વ તો ઉપરોક્ત કલમની નાબૂદી સાથે જ મટી ગયું હતું. પરંતુ બંધારણીય હોદ્દાઓ પર રહેલાં અબ્દુલ્લા પ્રકારનાં નેતાઓની અવગણના કરવી હજી પણ મુશ્કેલ છે. તેમ છતાં તેઓ પોતાનાં નિવેદનો દ્વારા જાતેજ ભારતની મુખ્યધારાથી દૂર થઇ રહ્યાં હોવાનું દેખાઈ રહ્યું છે.

    - Advertisement -

    ફારુક અબ્દુલ્લાએ હાલમાં જ બે પ્રકારનાં નિવેદન આપ્યાં છે અને આ બંને નિવેદનોમાં સ્પષ્ટ વિરોધાભાસ દેખાઈ આવે છે. આ વિરોધાભાસ વિષે ચર્ચા આદરીએ એ પહેલાં જાણીએ એ બંને નિવેદનો.

    નેશનલ કોન્ફરન્સ પાર્ટીનાં નેતા એવા ફારુક અબ્દુલ્લાએ શ્રીનગરમાં નિવેદન આપ્યું હતું કે ચીન પણ આપણી સરહદ પર છે ઉલટું એ આપણી જમીનમાં ઘુસી આવ્યું છે. આમ જો ચીન સાથે વાતચીત થઇ શકતી હોય તો પાકિસ્તાન સાથે કેમ નહીં? તેઓ (પાકિસ્તાન) વાત કરવા માટે તૈયાર છે પરંતુ આ લોકો (ભારત સરકાર) વાત કરવા માટે તૈયાર નથી.

    જમ્મુ અને કાશ્મીરનાં પૂર્વ મુખ્યમંત્રીએ ત્યારબાદ એમ કહ્યું કે તેઓ (ભાજપા) જો ધર્મો વચ્ચે લડાઈ કરીને ચૂંટણી જીતી જશે એમ માને છે તો તેઓ દેશને મુશ્કેલીમાં નાખી રહ્યાં છે. હિન્દુસ્તાનને જો બચાવવું હશે તો આ ભેદભાવ દૂર કરવો પડશે.

    ફારુક અબ્દુલ્લાનાં આ બંને નિવેદનો એકબીજાંથી સાવ વિરુદ્ધ જાય છે. કેવી રીતે એ સમજીએ. પહેલાં તો તેમણે આરોપ મુક્યો છે કે ચીન ભારતમાં ઘુસી આવ્યું છે, પરંતુ ચીન અને ભારત વચ્ચે છેલ્લાં છ વર્ષમાં જે કોઈ પણ સરહદી વિવાદ થયો છે તે ચીન LACનાં NO Men’s Landમાં ઘુસી આવવાને લીધે થયો છે. આ વિસ્તાર ભારત કે ચીનમાંથી કોઈનો પણ નથી આથી ચીન ભારતમાં ઘુસી આવ્યું છે એ વાત બિલકુલ ખોટી છે. બીજું જ્યારે પણ ચીને આ પ્રકારે પ્રયાસો કર્યા છે ત્યારે ભારતનાં વીર જવાનોએ તેને ખદેડ્યું જ છે.

    હવે વાત કરીએ ચીન સાથે વાત કેમ અને પાકિસ્તાન સાથે વાત કેમ નહીં? તો ચીન એ પડોશી દેશ અને તકલીફ આપતો પડોશી દેશ હોવા ઉપરાંત એક આર્થિક મહાસત્તા પણ છે. ચીન સાથે ભારતનો અબજો ડોલર્સનો આંતરરાષ્ટ્રીય વ્યાપાર છે. ચીન પણ સમજે છે કે ભારતને સરહદે છંછેડવું એ એક અલગ વિષય છે અને તેની સાથે વ્યાપારી સંબંધ બગાડવો એ સાવ અલગ બાબત છે. આથી ચીનની ‘સમજદારીને’ સમજીને ભારત સરહદ વિવાદ સહીત આર્થિક અને સામરિક મુદ્દે તેની સાથે સતત ચર્ચા કરતું રહે છે.

    તો સામે પક્ષે પાકિસ્તાન આર્થિકરીતે સાવ કંગાળ થઇ ગયેલો દેશ છે, બસ તેની આધિકારિક જાહેરાત થવી જ બાકી છે. પાકિસ્તાને પોતાના દ્વારા સ્પોન્સર્ડ એવા પુલવામા આતંકવાદી હુમલા બાદ ભારતે કરેલી એર સ્ટ્રાઈકથી ‘ખોટું લગાડીને’ ભારત સાથેનાં તમામ વ્યાપારી સંબંધો પૂરાં જાહેર કર્યા હતાં. આથી ભારતનો પાકિસ્તાન સાથેનો સીધો વ્યાપારી વ્યવહાર છેલ્લાં ઘણાં વર્ષોથી પાકિસ્તાનની ઈચ્છા મુજબ બંધ છે. આમ આ બાબતે ભારતે નહીં પરંતુ પાકિસ્તાને વાતચીત માટે પહેલ કરવાની છે.

    ફારુક અબ્દુલ્લા એક બાબતે સાચાં છે કે પાકિસ્તાનીઓ તો ભારત સાથે વાતચીત કરવા તૈયાર છે (આમ જુઓ તો થનગને છે) પણ ભારત એને કોઠું આપતું નથી. પરંતુ આ પાછળનું સાચું કારણ જ્યારે દાયકાઓથી પાકિસ્તાન દ્વારા પ્રેરિત અને મદદ મળેલા આતંકવાદથી ગ્રસ્ત જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી  ન સમજી શકતાં હોય અથવાતો સમજવા જ ન માંગતા હોય તો પછી બીજી કોઈ દલીલ કરવી વ્યર્થ છે. પાકિસ્તાનને સસ્તાં માલસામાનની જરૂર છે તેનાં ઘરની મોંઘવારી ઘટાડવા માટે અને એ ભારત જ શક્ય બનાવી શકે તેમ છે.

    પરંતુ ભારત સાથે પાકિસ્તાનને વ્યાપાર કરવો છે કે પછી મદદ તો લેવી છે પણ ભારતમાં આતંકવાદી પ્રવૃત્તિને તેણે બંધ નથી કરાવવી. અગાઉની સરકારો દીવા જેવી સ્પષ્ટ હકીકતને અવગણીને અમન કી આશા રાખીને બેઠાં રહ્યાં અને ભારતનાં ખૂણેખૂણે પાકિસ્તાની જેહાદી આતંકવાદ પ્રસરી ગયો. પરંતુ નરેન્દ્ર મોદી સરકાર આમ કરવા તૈયાર નથી. આજની સરકાર એ બાબતે સ્પષ્ટ છે કે આતંકવાદ અને માનવતા એક સાથે ન ચાલી શકે.

    હવે વાત કરીએ ફારુક અબ્દુલ્લાએ જે ધર્મો વચ્ચે લડાઈ કરાવીને ભાજપ ચૂંટણી જીતવા માંગે છે એ નિવેદનની. તો આ નિવેદન ફારુક અબ્દુલ્લા જેવા અનુભવી રાજનેતા પાસેથી સાંભળવા મળશે એ ક્યારેય વિચાર્યું ન હતું. ભારતમાં ધર્મનું રાજકારણ તેની સ્વતંત્રતા અગાઉથી જ વ્યાપ્ત છે. જમ્મુ અને કાશ્મીરની વાત કરીએ તો જમ્મુમાં જે પ્રકારે આતંકવાદ પ્રવેશ્યો અને પ્રસર્યો એની પાછળ ધર્મનું રાજકારણ જ તો હતું?

    અને આ બધું એવા સમયે થયું જ્યારે ફારુક અબ્દુલ્લા એ રાજ્યનાં મુખ્યમંત્રી હતાં. બીજી દલીલ એમ પણ થઇ શકે કે જ્યારે પણ આપણા દેશમાં હિંદુ ધર્મનાં લોકોને ન્યાય આપવાની વાત કરવામાં આવે અથવાતો એમને અન્ય ધર્મના લોકોની સમકક્ષ ગણવામાં આવે ત્યારે જ દેશમાં ધાર્મિક ઉન્માદની લાગણી ફેલાઈ રહી છે જે દેશ માટે  યોગ્ય નથી એવી વાતો આપણા સેક્યુલર નેતાઓ કરતાં હોય છે. આથી ફારુખ અબ્દુલ્લાની આ દલીલનો પણ અહીં છેદ ઉડી જાય છે.

    આ રીતે કલમ 370ની નાબૂદી બાદ ફક્ત રાજ્યનાં અને દેશનાં રાજકારણમાં પોતે હજી પણ સ્થાપિત છે એ જણાવવા પુરતું જ ફારુક અબ્દુલ્લા આ પ્રકારનાં મોં માથાં વગરનાં નિવેદનો કરી રહ્યાં છે તે સાબિત થાય છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં