ભાજપના નેતાને ભરી સંસદમાં હ*મી બોલ્યા બાદ TMC સંસદ સભ્ય મહુઆ મોઇત્રાએ માફી માંગવાની ના પાડી દીધી છે. તેમણે સંસદીય બાબતોનાં મંત્રી પ્રહલાદ જોશીની વાતનો સંદર્ભ લેતાં કહ્યું હતું કે જો તેમને મારી માફી સાંભળવી હશે તો તેમણે ખુબ રાહ જોવી પડશે.
ઇન્ડિયા ટુડે સાથે વાત કરતાં મહુઆ મોઇત્રાએ માફી માંગવા બાબતે કહ્યું, “જો તેમણે માફી સાંભળવી હશે તો તેમણે લાંબા સમય સુધી રાહ જોવી પડશે. તેમણે તેમનાં બિલકુલ સન્માનીય નથી એવા સંસદ સભ્યને પૂછવું જોઈએ જે મારી વાતની વચ્ચે વાંદરાની જેમ કુદી પડ્યાં હતાં અને મારી સ્પીચ બગાડી હતી.”
મહુઆએ કહ્યું કે, “મને લાગે છે કે મારી પાસે માફીની અપેક્ષા રાખતાં પહેલાં તેમનાં સંસદ સભ્યે મારી માફી માંગવી જોઈએ.”
#EXCLUSIVE | What’s your response to Pralhad Joshi who want an apology from you for using unparliamentary language? Here what TMC MP #MahuaMoitra said to @SardesaiRajdeep.
— IndiaToday (@IndiaToday) February 8, 2023
Full video of #NewsToday – https://t.co/wwJHAOK9zQ pic.twitter.com/g0TKojHiNe
ઉલ્લેખનીય છે કે મંગળવારે સંસદમાં થતી ચર્ચા દરમ્યાન મહુઆ મોઇત્રાએ પોતાનું ભાષણ પૂર્ણ કર્યા બાદ અન્ય સાંસદનું ભાષણ હજી શરુ થઇ રહ્યું હતું ત્યારે અચાનક જ ઉભા થઈને ભાજપના સંસદ સભ્ય રમેશ બીધુડીને હ*મી કહ્યાં હતાં. ત્યારબાદ લોકસભામાં હંગામો મચી ગયો હતો. પ્રહલાદ જોશીએ ત્યારબાદ મહુઆને માફી માંગવાનું કહ્યું. મહુઆએ માફી માંગવાની તો ના પાડી જ પરંતુ તેમણે આ આખા મુદ્દામાં પિતૃસત્તાને ઘુસાડી દીધી હતી.
તેમણે પોતાની ભાષા પર થયેલા વિવાદને લઈને કહ્યું, “ભાજપ કહી રહી છે કે એક મહિલા થઈને હું આ પ્રકારનાં શબ્દોનો ઉપયોગ કેવી રીતે કરી શકું? તો શું મારે એના માટે પુરુષ હોવું જોઈતું હતું? આ તો પિતૃસત્તા છે. મને આશ્ચર્ય છે કે ભાજપ અમને સંસદીય શિષ્ટાચાર શીખવી રહી છે. દિલ્હીનાં એ પ્રતિનિધીએ મારી સાથે ગેરવર્તન કર્યું છે. હું સફરજનને સફરજન જ કહીશ નારંગી નહીં. જો તેઓ મને વિશેષાધિકાર સમિતિમાં લઇ જશે તો હું ત્યાં મારો પક્ષ રાખીશ.
TMC સંસદ સભ્યે અદાણીના મુદ્દે પણ ટીપ્પણી કરી હતી અને સત્ય છુપાવવા માટે ભાજપ પર અસંખ્ય આરોપો લગાવ્યાં હતાં. તેમણે સમાચાર એજન્સી ANIને કહ્યું, “પહેલી વખત આપણે બધાં ભારતના લોકોને એ દેખાડવા માટે સક્ષમ થયાં છીએ કે અદાણીગેટ શું હતું. ભાજપ છેલ્લાં ત્રણ વર્ષથી તેને છુપાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. મને ખુશી છે કે તમામ વિપક્ષી દળો ભેગા થઈને સામે આવ્યાં છે. ભારતનાં લોકો અદાણીગેટના ગોટાળાને જોઈ શકે છે.