દિલ્હીના જહાંગીરપુરીમાં ગેરકાયદે અતિક્રમણ હટાવવાની ડ્રાઈવ શરૂ થયા બાદ આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢા દ્વારા પ્રતિક્રિયા આપતા ભારતીય જનતા પાર્ટીનું મુખ્યમથક તોડી પાડવું જોઈએ તેવું નિવેદન આપવામાં આવ્યું હતું. રમખાણો માટે પાર્ટીને દોષી ઠેરવતા રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે ગૃહમંત્રી અમિત શાહના ઘરને પણ ધરાશાયી કરી નાંખવું જોઈએ.
રમખાણો બાદ બુલડોઝર દ્વારા થઇ રહેલી કાર્યવાહીને લઈને પૂછવામાં આવતા રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે, દેશમાં થતા રમખાણો માટે ભાજપ જ જવાબદાર છે. તેમણે આગળ કહ્યું કે, ભાજપનું મુખ્યમથક જ તોડી પાડવામાં આવે તો કોઈ હિંસા જ નહીં થાય. રાઘવ ચઢ્ઢા કહે છે, “હું ખાતરીપૂર્વક કહી શકું છું કે, જો ભાજપનું મુખ્ય મથક તોડી પાડવામાં આવે તો છાશવારે થતાં રમખાણો બંધ થઇ જશે.”
जहांगीरपुरी में बुलडोजर कार्यवाही पर प्रतिक्रिया pic.twitter.com/IgFBsmdtlm
— Raghav Chadha (@raghav_chadha) April 20, 2022
રાઘવ ચઢ્ઢા દ્વારા ભાજપ વિરુદ્ધ દેશના વિવિધ ભાગોમાં બાંગ્લાદેશી શરણાર્થીઓ અને રોહિંગ્યાઓનું પુનર્વસન કરાવવાનો અને તેમનો ઉપયોગ દેશમાં રમખાણો માટે કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. તેમણે એમ પણ કહ્યું કે જો ભાજપ ગેરકાયદે સંપત્તિઓ પર બુલડોઝર ચલાવવા માંગતી હોય તો તેમણે કથિત રીતે ભાજપ નેતાઓની માલિકીની ગેરકાયદે મિલકતો પર પણ બુલડોઝર ફેરવવું જોઈએ.
દરમ્યાન, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ આજે જેમની ગેરકાયદે સંપત્તિ તોડી પાડવામાં આવી એ તોફાનીઓના સમર્થનમાં આવ્યા હતા. તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નફરતના બુલડોઝર બંધ કરી દેવા જોઈએ.
8 years of big talk has resulted in India having ONLY 8 DAYS of coal stocks.
— Rahul Gandhi (@RahulGandhi) April 20, 2022
Modi ji, stagflation is looming. Power cuts will crush small industries, leading to more job losses.
Switch off the bulldozers of hate and switch on the power plants! pic.twitter.com/CiqP9SlHMx
નોર્થ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજે દિલ્હીમાં અતિક્રમણ હટાવવા માટેની ડ્રાઈવ શરૂ કરવામાં આવી હતી અને જે અંતર્ગત જહાંગીરપુરી વિસ્તારમાં ગેરકાયદે સંપત્તિઓ પર બુલડોઝર ફેરવવામાં આવ્યા હતા. સમગ્ર વિસ્તારમાં ભારે પોલીસબળની હાજરીમાં આ અભિયાન ચલાવવામાં આવ્યું હતું.
જહાંગીરપુરી હિંસા : હનુમાન જયંતીની શોભાયાત્રા પર કટ્ટરપંથી મુસ્લિમોનો હુમલો
હનુમાન જયંતીના દિવસે નીકળેલી શોભાયાત્રા પર ઇસ્લામીઓ દ્વારા પથ્થરો અને કાંચની બોટલો વડે હુમલો કરવામાં આવ્યો હતો. સાંજે છ વાગ્યા બાદ ફાટી નીકળેલી હિંસામાં અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હતા. હિંસા દરમિયાન કટ્ટરપંથી મુસ્લિમો દ્વારા ગોળીઓ પણ ચલાવવામાં આવી અને જેનાથી કેટલાક પોલીસકર્મીઓ પણ ઈજાગ્રસ્ત થયા હતા.
નોંધવું મહત્વનું છે કે જહાંગીરપુરી હિંસાના મુખ્ય આરોપીઓની ઓળખ અન્સાર અને મોહમ્મદ અસલમ તરીકે થઇ છે. અન્સાર દિલ્હીમાં સત્તાધારી પાર્ટી ‘આપ’ સાથે સબંધ ધરાવે છે અને તેણે ચૂંટણી દરમિયાન આમ આદમી પાર્ટી માટે સક્રિય રહીને પ્રચાર પણ કર્યો હતો. જોકે, આમ આદમી પાર્ટીએ આ આરોપો મામલે કોઈ પ્રતિક્રિયા આપી નથી કે સ્પષ્ટતા કરી નથી. પકડાયેલા અન્ય એક આરોપીની ઓળખ ગુલામ રસૂલ ઉર્ફ ગુલ્લી તરીકે થઇ છે.
આ મામલે દિલ્હી પોલીસે બે સગીરો સહિત કુલ 23 લોકોની ધરપકડ કરીને ભારતીય દંડ સંહિતાની કલમ 147 (તોફાનો), 148 (સશસ્ત્ર તોફાનો), 186 (જાહેરસેવાના કર્મચારીની ફરજ દરમિયાન અવરોધ પેદા કરવો), 353 (જાહેર સેવા કર્મચારી પર હુમલો), 307 (હત્યાનો પ્રયાસ), 427 (સંપત્તિને નુકસાન) અને 436 (વિસ્ફોટકો વડે હુમલો) તેમજ આર્મ્સ એક્ટ 1959 ની કલમ 27 હેઠળ ગુનો દાખલ કર્યો છે.