બિલકિસ બાનો રેપ કેસના ગુનેગારોની મુક્તિ સામે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલ પુનર્વિચાર અરજી કોર્ટે ફગાવી દીધી છે. કોર્ટે 13 ડિસેમ્બરના રોજ આ નિર્ણય સંભળાવ્યો હતો. બિલકિસ બાનોએ મે 2022ના કોર્ટના એક નિર્ણય પર ફરીથી વિચાર કરવા માટે અરજી દાખલ કરી હતી. આ આદેશમાં કોર્ટે ગુજરાત સરકારને ગુનેગારોની ક્ષમા અરજી પર વિચાર કરવા માટે અનુમતિ આપી હતી.
BIG BREAKING: Review plea filed by Bilkis Bano against the remission order granted in favour of the 11 convicts in the 2002 gang rape case has been DISMISSED BY SUPREME COURT #SupremeCourt #BilkisBano pic.twitter.com/63cQO62CdD
— Bar & Bench (@barandbench) December 17, 2022
ગત મે મહિનામાં એક ગુનેગારની અરજી પર સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટે આદેશમાં કહ્યું હતું કે, ગુનો ગુજરાતમાં બન્યો હોવાના કારણે ગુજરાત સરકાર પાસે ‘રિમીસન રિકવેસ્ટ’ પર વિચાર કરવાનો પૂરેપૂરો અધિકાર છે. ત્યારબાદ કોર્ટે 1992ની રિમીસન પોલિસી હેઠળ ગુનેગારોની અરજી પર વિચાર કરવા માટે ગુજરાત સરકારને 2 મહિનાનો સમય આપ્યો હતો.
બીજી તરફ, બિલકિસ બાનોએ કોર્ટમાં અરજી કરીને દલીલ રજૂ કરી હતી કે આ મામલાની સંપૂર્ણ ટ્રાયલ મહારાષ્ટ્રમાં ચાલી હોવાના કારણે ગુજરાત સરકાર આ અંગે નિર્ણય લઇ શકે નહીં અને નિર્ણય મહારાષ્ટ્રની પોલિસી પ્રમાણે લેવામાં આવવો જોઈએ. જોકે, સુપ્રીમ કોર્ટે એક આદેશમાં સ્પષ્ટ કર્યું હતું કે જે રાજ્યમાં ગુનો બને એ જ રાજ્યનની સરકાર ગુનેગારોની અરજી પર વિચારણા કરી શકે છે.
સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ગત 15 ઓગસ્ટ 2022ના રોજ સરકારે બિલકિસ બાનો કેસમાં આજીવન કેદની સજા કાપી રહેલા 11 ગુનેગારોને માફી આપીને છોડી મૂક્યા હતા.
બિલકિસ બાનોએ સુપ્રીમ કોર્ટના આદેશને પડકારવા ઉપરાંત અન્ય એક અરજીમાં ગુનેગારોને મુક્ત કરવા માટેના ગુજરાત સરકારના આદેશને પણ પડકાર્યો હતો. જોકે, મામલાની સુનાવણી કરતાં જસ્ટિસ બેલા ત્રિવેદી ભૂતકાળમાં ગુજરાત સરકારમાં લૉ સેક્રેટરી રહી ચૂક્યાં હોવાના કારણે તેમણે પોતાને કેસમાંથી અલગ કરી લીધાં હતાં.
બે જજની બેન્ચ સામે મામલો પહોંચતાં જસ્ટિસ અજય રસ્તોગીએ જણાવ્યું હતું કે, તેમના સાથી જજ બેલા ત્રિવેદી સુનાવણી કરશે નહીં, જેથી મામલો એવી બેન્ચ સમક્ષ લિસ્ટ કરવામાં આવે જેમાં તે બંનેમાંથી કોઈ પણ સભ્ય ન હોય.
2002માં મુસ્લિમ ટોળાએ ગોધરા રેલવે સ્ટેશન ઉપર ટ્રેનના ડબ્બા સળગાવીને 59 હિંદુ કારસેવકોને જીવતા સળગાવી મૂક્યા બાદ રાજ્યભરમાં રમખાણો ફાટી નીકળ્યાં હતાં. દરમિયાન, ભાગતી વખતે બિલકિસ બાનો સાથે ગેંગરેપ થયો હોવાનો મામલો સામે આવ્યો હતો. તપાસ સીબીઆઈને સોંપી હતી અને ત્યારબાદ સુપ્રીમ કોર્ટે કેસ મહારાષ્ટ્ર ટ્રાન્સફર કર્યો હતો.
મુંબઈની સ્પેશિયલ CBI કોર્ટે 2008માં 11 લોકોને આજીવન કેદની સજા સંભળાવી હતી. જેને બોમ્બે હાઇકોર્ટ અને ત્યારબાદ સુપ્રીમ કોર્ટે પણ યથાવત રાખી હતી. તમામ ગુનેગારો 15 વર્ષથી વધુ સમય જેલમાં રહ્યા બાદ સુપ્રીમ કોર્ટના આદેશાનુસાર ગુજરાત સરકારે તેમની ક્ષમા અરજી ધ્યાને લઈ આ વર્ષે ઓગસ્ટમાં મુક્ત કર્યા હતા.