સાઉદી અરેબિયામાં આયોજિત ‘રેડ સી ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ’માં ભારતીય કલાકાર રણબીર કપૂરે પણ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં તેમને ‘વેરાયટી ઈન્ટરનેશનલ વેનગાર્ડ એક્ટર એવોર્ડ’ આપવામાં આવ્યો હતો. આ દરમિયાન તેણે પાકિસ્તાનની બ્લોકબસ્ટર ફિલ્મ ‘ધ લિજેન્ડ ઓફ મૌલા જટ્ટ’ના પેટ ભરીને વખાણ કર્યા હતા. સાથે જ રણબીર કપૂરને પાકિસ્તાની ફોલ્મોમાં કામ કરવા વિષે પૂછતાં તેણે તત્પરતા દર્શાવી હતી.
અહેવાલો અનુસાર ઇવેન્ટમાં આવેલા દર્શકોમાના એક સભ્યએ તેને પૂછ્યું હતું કે, “આજે અમારી પાસે સાઉદી અરેબિયા જેવું પ્લેટફોર્મ છે જ્યાં ફિલ્મો એકસાથે કરી શકાય છે. મારી ફિલ્મ માટે તને સાઈન કરવામાં મને આનંદ થશે. શું તમે તમારી ટીમ સાથે સાઉદી અરેબિયામાં પાકિસ્તાની ટીમ સાથે કામ કરવા માંગો છો?”
#RanbirKapoor congratulates Pakistan film industry for #TheLegendOfMaulaJatt, agrees to work with Pakistani crew: “No boundaries for artistes”https://t.co/nTvV2WXpee
— BollyHungama (@Bollyhungama) December 11, 2022
રણબીર કપૂરને પાકિસ્તાની ફિલ્મોમાં કામ કરવા માટે પૂછવામાં આવેલા પ્રેક્ષકના આ સવાલ પર તેણે જવાબ આપ્યો હતો કે, “બિલકુલ સર. મને લાગે છે કે કલાકારો માટે ખાસ કરીને કલામાં કોઈ સીમાઓ હોતી નથી. ધ લિજેન્ડ ઓફ મૌલા જટ્ટ માટે પાકિસ્તાની ફિલ્મ ઈન્ડસ્ટ્રીને ખૂબ ખૂબ અભિનંદન. છેલ્લા કેટલાક વર્ષોની આ સૌથી મોટી હિટ છે જે આપણે જોઈ છે. ચોક્કસ મને તમારી સાથે કામ કરવામાં આનંદ થશે.
રણબીરના નિવેદનથી ભારતીયોમાં રોષ
રણબીર કપૂરે આપેલા આ નિવેદન બાદ ભારતીય લોકો ફરી એક વાર રોષે ભરાયા છે, સોશિયલ મીડિયામાં યુઝર્સ રણબીર કપૂરને અવળે હાથે લઇ રહ્યા છે, લોકો કહી રહ્યા છે કે જયારે દેશની સુરક્ષાની વાત આવે ત્યારે “કલાકારો માટે કોઈ સીમા નથી હોતી” જેવા નિવેદનો પોકળ છે. લોકો રણબીરને પોતાના સ્વાર્થ કરતા દેશની સુરક્ષા અને સ્વાભિમાનને વધુ મહત્વ આપવાની સલાહ પણ આપી રહ્યા છે. નોંધનીય છે કે ભારતીય સેના પ્રત્યે આદર્શ ભાવ રાખનાર અને પોતાની ફિલ્મોમાં દેશની સેના અને દેશભક્તિને વધુ મહત્વ આપનાર બોલીવુડ સ્ટાર અક્ષય કુમારની ફિલ્મો પાકિસ્તાનમાં પ્રતિબંધિત છે, અને તે છતાં રણબીરનું કલાકારો અને કલા પર સીમા ન હોવાનું નિવેદન માત્ર “બેગાની શાદીમે અબ્દુલ્લા દીવાના” જેવું લાગી રહ્યું છે, જોનો ભારતના લોકો પણ વિરોધ કરી રહ્યા છે.
અને વિરોધ કરે પણ કેમ નહી? પાકિસ્તાન અને તેના લોકોનું ભારત પ્રત્યેનું નફરત ભર્યું વલણ જગ જાહેર છે, ભૂતકાળમાં પાકિસ્તાને ભારતને આપેલા નુકસાન બાદ પણ દેશના કેટલાક લોકોને તેમના પ્રત્યે સંવેદનાઓ જાગે છે અને જાહેરમાં પોતાનો પાકિસ્તાનપ્રેમ જાહેર કરે છે, અને દેશની સીમાઓની રક્ષા કરનાર દેશની સુરક્ષા એજન્સીઓને અવાર નવાર તેનો જવાબ લોહીથી આપવો પડે છે. પણ તે છતાં કેટલાક લોકો દેશમાં બેસીને જ દેશના દુશ્મનો પ્રત્યે કુણું વલણ રાખી દેશને અંદરથી ખોખલો કરવાનું કામ કરે છે.
આ પહેલા પણ રણબીર કપૂર તેની બ્રહ્માસ્ત્ર ફિલ્મના કારણે ખૂબ વિવાદોમાં હતો. તેમનું બીફ નિવેદન વાયરલ થયા બાદ લોકોએ તેને બોયકોટ કરવાની માંગ કરી હતી. અને હવે તેનું આ નિવેદન લોકોમાં ચર્ચાનું કારણ છે. ઉલ્લેખનીય છે કે ઉરી હુમલા બાદ ભારતીય લોકોમાં પાકિસ્તાન પ્રત્યે રોષ ભરાયેલો જોતા જ બોલીવુડે પાકિસ્તાની અભિનેતા-અભિનેત્રીઓને ફિલ્મોમાં કામ આપવાનું બંધ કરી દીધું હતું.