એક મહિના પહેલાં મોરબી ખાતે ઘટેલી પુલ દુર્ઘટના બાદની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત પાછળ 30 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. મમતા બેનર્જીની પાર્ટી ટીએમસીના પ્રવક્તા સાકેત ગોખલેએ એક ટ્વિટ કરીને આ દાવો કર્યો હતો અને તેનો આધાર એક RTI હોવાનું જણાવ્યું હતું. ઉપરાંત, સાથે તેમણે એક તથાકથિત ગુજરાતી પેપર કટિંગ પણ જોડ્યું હતું.
RTI reveals that Modi’s visit to Morbi for a few hours cost ₹30 cr.
— Saket Gokhale (@SaketGokhale) December 1, 2022
Of this, ₹ 5.5cr was purely for “welcome, event management, & photography”.
135 victims who died got ₹4 lac ex-gratia each i.e. ₹5 cr.
Just Modi’s event management & PR costs more than life of 135 people. pic.twitter.com/b4YNi1uB9c
‘નરેન્દ્ર મોદીની મોરબી મુલાકાત પાછળ 30 કરોડનો ખર્ચ : RTIમાં ખુલાસો’ શીર્ષક હેઠળ છપાયેલા આ સમાચારમાં દાવો કરવામાં આવ્યો છે કે, વડાપ્રધાનની મુલાકાત પહેલાં તંત્રે સિવિલ હોસ્પિટલમાં સાફ-સફાઈ, ગાદલા, વોટર કૂલર તેમજ રસ્તાઓ બનાવવામાં કુલ 30 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યો હતો. ઉપરાંત, ફોટોગ્રાફીમાં 50 લાખ ખર્ચવામાં આવ્યા હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે.
આ સમગ્ર દાવા પાછળ એક RTIના જવાબને આધાર બનાવવામાં આવ્યો છે. આ કટિંગ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યું છે અને કેટલાક ‘પત્રકારો’ અને કોંગ્રેસ સહિતની વિપક્ષી પાર્ટીઓના નેતાઓએ પણ તેને શૅર કરીને સવાલો ઉઠાવ્યા છે.
Modi visit Morbi municipality spends ₹ 30 crore. 2 crores was the repair budget of the bridge that collapsed. And, Jaisukh Patel who did the shoddy repair is still not arrested pic.twitter.com/7WCmwrjVmJ
— Swati Chaturvedi (@bainjal) December 1, 2022
જમીની સ્તરે તપાસ કરતાં જુદી જ વિગતો મળી
પ્રથમ દ્રષ્ટિએ ફેક લાગતા આ કટિંગને લઈને ઑપઇન્ડિયાએ જમીની સ્તરે તપાસ કરવાના પ્રયત્નો કરીને સત્ય જાણવાના પ્રયાસ કર્યા હતા. આ અંગે મોરબીના ભારતીય જનતા પાર્ટીના સૂત્રોનો સંપર્ક કરતાં તેમણે કહ્યું હતું કે, આ કટિંગ છેલ્લા બે દિવસથી ફરી રહ્યું છે અને વિપક્ષી પાર્ટીઓનું કામ હોય તેવું લાગે છે, કોઈ છાપામાં આવું આવ્યું નથી.
આ કટિંગમાં મોરબીના દિપક પટેલ નામના RTI એક્ટિવિસ્ટે કલેક્ટર ઓફિસમાં અરજી કરતાં ત્યાંથી આવી વિગતો આપવામાં આવી હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. આ અંગે સ્થાનિક સૂત્રોનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે તેઓ મોરબીમાં દિપક પટેલ નામના કોઈ RTI એક્ટિવિસ્ટને ઓળખતા નથી.
બીજી તરફ, ગુજરાત પ્રદેશ ભાજપ તરફથી પણ આ કટિંગને ફેક ગણાવવામાં આવ્યું છે. ગુજરાત ભાજપે ટ્વિટ કરીને જણાવ્યું છે કે, આ સમાચાર ખોટા છે અને આવી કોઈ RTI કરવામાં આવી નથી કે આવા સમાચાર પણ છપાયા નથી અને આ કટિંગ બનાવી કાઢવામાં આવ્યું છે.
This is FAKE NEWS.
— BJP Gujarat (@BJP4Gujarat) December 1, 2022
No such RTI has been done.
No such news has been published.
It is fully fabricated.
TMC is a party of liars. It starts from @MamataOfficial to lowly spokespersons like you. https://t.co/759PnBweuK
જે દક્ષ પટેલ નામના યુઝરના ટ્વિટનો આધાર લઈને TMC નેતા સાકેત ગોખલેએ આ દાવો કર્યો હતો તે યુઝરે આ કટિંગ અખબાર ‘ગુજરાત સમાચાર’નું હોવાનું જણાવ્યું હતું. જોકે, ગુજરાત સમાચારની ઓનલાઇન એડિશન જોતાં ત્યાં આ કટિંગ જોવા મળ્યું ન હતું, ઉપરાંત અમે જ્યારે ગુજરાત સમાચારનો સંપર્ક કર્યો ત્યારે પણ અખબારે સ્પષ્ટ ઇનકાર કર્યો હતો.
Gujarat samachar.
— Dax Patel (@thedaxpatel) November 30, 2022
ગુજરાત સમાચારે કહ્યું- આ કટિંગ સાથે અખબારને કંઈ લાગતું-વળગતું નથી
‘ગુજરાત સમાચાર’માં સંપર્ક કરતાં અખબારના સૂત્રોએ જણાવ્યું કે, આ કટિંગ ફેક છે અને ‘ગુજરાત સમાચાર’ સાથે તેને કશું લાગતું-વળગતું નથી કે કોઈ પણ એડિશનમાં આ પ્રકારના સમાચાર છપાયા પણ નથી. તેમજ ફોન્ટ પણ અખબારના ન હોવાનું જણાવવામાં આવ્યું હતું.
ઘણા યુઝરોએ આ કટિંગ સામે સવાલો ઉઠાવ્યા છે અને તેને ફેક ગણાવ્યું છે. બીજી તરફ, અત્યાર સુધી મળેલ માહિતીને જોતાં આ વાતમાં તથ્ય જણાઈ રહ્યું છે અને લાગી રહ્યું છે કે ચૂંટણીના સમયે રાજનીતિક લાભ મેળવવા માટે આ પ્રકારનું કટિંગ ફેરવવામાં આવ્યું હોય શકે.